તોરલને શહેર બદલાયેલું લાગતું હતું. નવા નવા બ્રિજ, નવા નવા બિલ્ડીંગો, કોર્પોરેટ હાઉસ અને ઠેર ઠેર વિકસેલા ફૂડ ઝોન. જાણે નગરચર્યાએ નીકળ્યા હોય એમ એ કાર ડ્રાઈવ કરી રહી હતી. અલબત્ત, ટ્રાફિક બહુ જ હતો, કારણ કે નવરાત્રિની રાત હતી. ખુલ્લા મોટાં મેદાનોમાં અને પાર્ટી પ્લોટોમાં ભવ્ય સ્ટેજ, કાન ફાડી નાંખે એવી અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને ચકાચૌંધ રોશની આકર્ષતા હતા જોનારને... બાજુમાં બેઠેલી સખી ત્રિશલાએ કહ્યું, ‘યાર, આ શહેરમાં ગરબાનો સખ્ત ક્રેઝ છે હોં!’ અહીંની નવરાત્રિ જોયા બાદ લાગ્યું કે એક વાર તો માણસે અહીં ગરબા જોવા અને રમવા આવવું જ જોઈએ.’
‘અરે હજી, તો તને બીજા શહેરોની ગરબાની રમઝટ પણ બતાવવી છે.’ તોરલે જવાબ આપ્યો ને ઉમેર્યું ‘તને એક વાત કહું, આ શહેરની નવરાત્રિએ મને શીખવ્યું છે કે કશુંક છૂટી જાય, એક દ્વાર બંધ થાય ત્યારે ઈશ્વર તમને બીજા દ્વાર તરફ દોરે છે.’
‘એટલે, એટલે... કોઈ દોસ્ત મળ્યો ને પછી જતો રહ્યો એના સ્મરણો છે?’ ત્રિશલાએ ચિંટીયો ભરતા હસતાં હસતાં કહ્યું.
‘ના રે ના, સાચો દોસ્ત મળ્યો છે એની નિર્મળ દોસ્તી તો આજેય અકબંધ છે, કાલે તને મળશે એ...’ એમ કહી તોરલે ત્રિશલાને ગરબાનું એક મેદાન બતાવ્યું ને કહ્યું, ‘આ સ્થળે મને ઘણું શીખવ્યું છે.’
વાત તોરલના અભ્યાસકાળ સુધી લઈ જાય છે. પિતા અને માતા બંનેના પક્ષેથી સાહિત્ય-સંગીત-ચિત્રકામ અને લોકજીવનના ઉત્તમ સંસ્કારો સાથે એનો ઉછેર થયો. સ્કૂલ-કોલેજ કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એ ભાગ લે અને પરિણામ જાહેર થવાનો સમય આવે એટલે એના પર્ફોમન્સથી પ્રભાવિત ઓડિયન્સ જ એક અવાજે એનું નામ બોલે! અને ઈનામ એના ફાળે જ હોય. ઉદ્ધતાઈ નહિ, ગરવાઈ, ગંભીર નહીં, હસમુખુ વ્યક્તિત્વ, શાલિનતા અને સહજતાથી સભર સ્વભાવના કારણે મિત્રોમાં પણ લોકપ્રિય.
કોલેજમાં ભણવાનું પૂરું થયા બાદ પણ તોરલે ગરબાની અને અન્ય સ્ટેજની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. બધા સાથે મળીને ખૂબ મહેનત કરે અને હંમેશા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે રહે. અભ્યાસમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે પણ એ એટલી જ હોંશિયાર એટલે જોબ પર તુરંત જ મળી ગઈ.
એક વાર એવું થયું કે એક સંસ્થાના આયોજનમાં સતત એનું ગ્રૂપ પાંચ વાર પ્રથમ ક્રમે રહ્યું... છઠ્ઠા વર્ષે પણ એના ગ્રૂપનું પર્ફોમન્સ જ દમામદાર રહ્યું. બધા કહેતા હતા કે આ વર્ષે પણ એના ગ્રૂપનો જ નંબર આવશે. અને કોઈક અકળ કારણોસર એના ગ્રૂપનો નંબર પ્રથમ ત્રણમાં પણ ન આવ્યો. એ બહુ રડી પડી. મિત્રોએ સમજાવી... પણ એણે એ જ રાત્રે મનોમન સંકલ્પ કર્યો. શહેર છોડીને બેંગ્લોર નોકરી અર્થે શિફ્ટ થઈ ગઈ. આજે નવરાત્રિના સમયે ફરી એક વાર ત્યાંથી પસાર થઈ ત્યારે એને યાદ આવ્યું કે, ‘કલાકાર હો તો માત્ર ગુણવત્તા જ ધ્યાને ન પણ લેવાય, એટલે પ્રથમ કે દસમા ક્રમાંકથી વિચલિત થવું નહિ અને થઈએ તો દિશા બદલવી.’
તોરલે દિશા બદલી નાખી, સ્ટેજની પ્રવૃત્તિ જ છોડી દીધી. નવી દિશામાં નવું કામ મળ્યું. ઉત્સાહથી કર્યું. વધુ આનંદ થયો. નવરાત્રિમાં નવ દિવસ ગુજરાતના શહેરોમાં યોજાતા પ્રાચીન-અર્વાચીન પાર્ટી પ્લોટના ગરબા, વિવિધ સંસ્થાઓ દ્વારા સ્પર્ધા વિના યોજાતા સ્ટેજના ગરબાના કાર્યક્રમો, હુડો, ઉલાળિયો, નગારું, મંજીરા, વિવિધ રાસ, વિવિધ પ્રકારના ગરબા, બદ્ધેબદ્ધું તોરલે એની સખી સાથે પોતે આ ક્ષેત્રમાં વર્ષો કાઢ્યા છે એની પ્રતીતિ વિના મન ભરીને માણ્યું.
દશેરા પછી બેંગ્લોર જતાં ત્રિશલાએ પૂછ્યું, ‘આવતા વર્ષે ફરી સ્ટેજ પર પ્રવેશ કરવાનો છે, મેડમ?’
‘મારા બાળકોને જરૂર નવરાત્રિના સેવા-પૂજા-ઘટ સ્થાપન ને ગરબાનું કલ્ચર આપીશ, ગરબા રમીશ, માણીશ, પણ કોમ્પિટીશન ક્યારે નહીં.’
આવું કોઈ વ્યક્તિત્વ નવરાત્રિ આવે ત્યારે સ્મરણપટ પર ઊભરી આવે અને ત્યારે ગરબાના અજવાળાંની સાથે સ્ત્રીશક્તિમાં રહેલી સંકલ્પશક્તિના પણ અજવાળું રેલાય છે