‘ઈટ વોઝ અ મોસ્ટ કલરફુલ એન્ડ મ્યુઝિકલ સેલીબ્રેશન...’ દીકરી સ્તુતિએ કહ્યું. એ સિવાય જેઓ ગયા હતા એમાંના ધ્વનિ-પિયુષ-અદિત-નંદીની-ચાહત-અક્ષત-આદિ એમ કેટલાયે યુવાનો હજી એ કાર્યક્રમની અસરમાં છે. સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી. સ્ટેજની બિલકુલ નજીકથી સાંભળવા અમે 12-14 કલાક ઊભા રહ્યા. સમગ્ર ઓડિયન્સને જાણે કોઈ જોડતું હતું...
આ અને આવા વાક્યો વાંચવા-સાંભળવા મળે છે. વાત છે અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલા બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લેના કોન્સર્ટની. આ કોન્સર્ટે એ પ્રતિતી કરાવી કે નવી પેઢી નવું સમજે છે, સ્વીકારે છે, માણે છે. ખૂબ મહેનત કરીને ખૂબ પૈસા કમાય છે તો આવા સંગીત કાર્યક્રમોની મોંઘીદાટ ટિકીટો ખરીદીને લાઈફને માણે પણ છે, જીવે છે, જલસા કરે છે. કોઈ દંભ કે આડંબર વિના એમને મનગમતા વસ્ત્રો પહેરે છે અને એમને ગમતા લોકો સાથે લાઈફ એન્જોય કરે છે. મારા દોસ્ત અને પ્રસિદ્ધ લેખક-વક્તા જય વસાવડા લખે છે એમ આજની યુવા પેઢી વેઈટિંગ મોડ વિના પોસાય એ જલસા કરી લેવાના અભિગમને જીવે છે.
કોલ્ડ પ્લે - એક બ્રિટિશ બેન્ડ, જેનો આરંભ 1996માં થયો. ક્રિસ માર્ટીન એનો મુખ્ય ચહેરો, અગાઉ આ બેન્ડ સ્ટારફીશ નામે ઓળખાતું હતું. ગિટારીસ્ટ જ્હોની બુકલેન્ડ, બેઝીસ્ટ ગાય બેરિમેન, ડ્રમર વિલ ચેમ્પિયન અન્ય મેમ્બર્સ છે, આ બેન્ડના. આ બેન્ડને મહત્ત્વના એવોર્ડ્ઝ માટે 30 વાર નોમિનેશન મળ્યું છે જેમાંથી 9 વાર એવોર્ડ મળ્યો છે. 100 મિલિયન કરતાં વધુ આલ્બમનું વેચાણ થયું છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં બે દિવસ અમદાવાદમાં જાણે કોલ્ડ પ્લેનો હોટ ફીવર છવાયેલો રહ્યો. દેશના અન્ય રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ શ્રોતાઓ આવ્યા. બહારથી આવેલા સંગીત પ્રેમીઓએ નિવાસ-પ્રવાસ-ભોજન-પર્યટન એમ અનેક માધ્યમો દ્વારા સ્થાનિક આર્થિક સ્થિતિને સદ્ધર બનાવતા પૈસા ખર્ચ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કોન્સર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારતમાં લાઈવ કોન્સર્ટ માટે અનેક સંભાવનાઓ છે અને દુનિયાભરના કલાકારો ભારત પ્રતિ આકર્ષિત છે. કોલ્ડ પ્લે કોન્સર્ટની સફળતાના મૂળમાં સાઉન્ડ-લાઈટની અદ્યતન ટેકનોલોજી, કોરિયોગ્રાફી, સ્ટેજરચના અને રિસ્ટ બેન્ડ છે જેના થકી એક અવિસ્મરણીય દ્રશ્ય સર્જાય છે. કૈલાસ ખેરે કહ્યું છે કે આ બેન્ડના કલાકારો માત્ર સારું ગાય છે એવું નથી તેઓ સારા માણસો પણ છે. માનવતાવાદી કાર્યો સાથે તેઓ જોડાયેલા રહ્યા છે.
સંગીત માણસને ગમે છે કારણ કે એમાં એ પોતાના મનની-હૃદયની લાગણીઓનું પ્રતિબિંબ જુએ છે, અનુભવે છે. કોલ્ડ પ્લે કોન્સર્ટની એક પ્રતિતી એ પણ છે કે જ્યાં નવું હશે - અર્થપૂર્ણ હશે ત્યાં યુવાનો ઉત્સાહ સાથે જોડાશે. સવા લાખથી વધુ લોકો એક સાથે એક કલાકારને ગાતો જોવા કે સાંભળવા ઉત્સુક હોય, હર્ષની ચીચીયારીઓથી સમગ્ર વાતાવરણ છલકાઈ જાય, કેટલાયે લોકો ગીતો ગાતા જાય અને રડતા જાય... એક યાદગાર અનુભવ રહ્યો આ કોન્સર્ટ જેમણે સાંભળી એના માટે. અમદાવાદ એરપોર્ટ પર આ દિવસોમાં સામાન્ય ફ્લાઈટ ઉપરાંત 20થી વધુ ચાર્ટર્ડ ફ્લાઈટે ઉતરાણ કર્યું હતું જે આ બેન્ડની લોકપ્રિયતા બતાવે છે.
ભારતના યુવાનોની બદલાઈ રહેલી જીવનશૈલી અને બદલાઈ રહેલા શોખનું ઉત્તમ ઉદાહરણ એટલે અમદાવાદની કોલ્ડ પ્લે કોન્સર્ટ. આજની યુવા પેઢી ભણી-ગણીને ધન કમાય છે અને મસ્તીથી લાઈફને જીવે છે, નવું સમજે છે ને સ્વીકારે છે, એ હવે ગ્લોબલ માપદંડોથી પરિચિત થતી જાય છે અને એમ આ કોન્સર્ટ્સને પણ માણે છે. કોલ્ડ પ્લે કોન્સર્ટ દ્વારા વહેતા થયેલા સંગીત સાથે રિસ્ટ બેન્ડના અજવાળાંએ સર્જેલા દ્રશ્યો આજેય આંખ સામે જ હોય તેવું લાગે છે.