હમણાં એક મિત્રે વ્યથાના ભાવ સાથે કહ્યું કે, ‘આપણને ગમે નહિ, પણ ક્યારેક ના પાડવી પડે છે ને પછી ના પાડ્યાનું દુઃખ પણ થાય છે.’ સ્વાભાવિક રીતે પૂછ્યું કે, ‘કેમ એવું તે શું થયું?’ તો એમણે આખી ઘટના વર્ણવી તે કંઇક આવી હતી.
એ ભાઈ એમના ઘરની આજુબાજુમાં કોઈ દુકાને વર્ષમાં બે-ચાર વાર ખરીદી માટે જતા હતા. ત્યાં એક માણસ કામ કરતો હતો, સ્વાભાવિક છે કે કાયમી ગ્રાહકરૂપે એની પાસે આ ભાઈના નંબર હોય, સમય જતાં અચાનક એ માણસે પેલી દુકાનમાંથી નોકરી છોડી દીધી. ફરી એ દુકાનમાં ગયા અને ખબર પડી કે એમણે નોકરી છોડી દીધી છે. એકાદ મહિના પછી એ માણસનો ફોન આવ્યો કે મારે ઈમરજન્સીમાં થોડી રકમની જરૂર છે તો તમે મને ઉછીના આપશો તો સારું થશે. આમ તો એ ભાઈનો સ્વભાવ પરગજુ ને માયાળુ, એક ક્ષણ તો એવી આવી કે એ હા જ પાડી દેત. પરંતુ બીજી જ ક્ષણે લાગણી ઉપર બુદ્ધિનું પ્રભુત્વ આવ્યું. એમણે વિચાર કર્યો કે આમ જુઓ તો એ માણસ અજાણ્યો જ કહેવાય, વળી જ્યાં મૂળ ઓળખાણ હતી ત્યાં હવે એ નોકરી પણ નથી કરતો, આ રકમ આપી દઉં તો પાછી કેવી રીતે આવે? અથવા આપીએ તો ભૂલી જ જવાનું ને દાન કર્યું હતું એમ માનવાનું. એટલે એમણે ભારે અને વ્યથિત હૈયે ના પાડી ને હમણાં તો સગવડ નથી એમ કહ્યું.
આપણા સહુના જીવનમાં આવા પ્રસંગો બનતા જ હોય છે. માણસ માત્રને ક્યારેક કોઈની તો જરૂર પડે જ છે, કોઈ એવો મહારથી નથી કે જેને ક્યારેય બીજા કોઈની જરૂર ના પડી હોય. ક્યારેક પૈસા, ક્યારેક બુદ્ધિ, ક્યારેક પરિશ્રમ, ક્યારેક શરીર, ક્યારેક કૌશલ્ય, ક્યારેક હૂંફ ને લાગણી તો ક્યારેક સમય... આખરે માણસ એકલો ના જીતી શકે, ના જીવી શકે, બીજાની તો જરૂર પડે જ. આ સાવ સહજ વાતનો સ્વીકાર કરીએ તો પણ અહીં જે ઘટના કે પ્રસંગ લખ્યો છે તેવા પ્રસંગે ક્યારેક ના પાડવી પડે છે અને એનું દુઃખ પણ થાય છે.
મરીઝની ખૂબ જાણીતી ગઝલ, જે મનહર ઉધાસે ગાઈ છે એમાં લખાયું છે તે યાદ આવેઃ
હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
આ શબ્દો જરા જુદા સંદર્ભે પણ ના પાડીએ એમાં વ્યથાના ભાવ સાથે આવી ના પાડવી પડતી હોય છે. પછી એ વાત પણ સમજાય છે કે આપણે કાંઈ લાખોપતિ નથી અને આમ જો પરહિત કર્યા જ કરીએ તો આપણા જ પૈસા ખૂટી પડે.
એક આવો જ કિસ્સો યુવાનનો પણ છે. એમને ત્યાં કોઈ કામ અર્થે બહારની એજન્સીમાંથી કારીગર આવ્યો હતો, બે-ત્રણ કલાક કામ કર્યું ને ગયો. બીજા દિવસે કામ બરાબર હતું ને? એમ પૂછવાના બહાને ફોન કર્યો ને અંતે મારે હમણાં જરૂર છે કહી ઉછીના પૈસા માંગ્યા. પેલા યુવાને કહ્યું કે આપણે કાલ સુધી પરિચયમાં પણ ન હતા, કોઈ રેફરન્સ પણ નથી તો હું તમને કેવી રીતે ઊછીના પૈસા આપી શકું? મને ના પાડતા દુઃખ થાય છે, હા પણ નથી પાડી શકતો.
આવો જ એક કિસ્સો એક કલાકારનો પણ છે. જેમણે એક સામાજિક સેવા સંસ્થાની સેવા માટે કામ કરી આપ્યું. ઘરના પૈસા જોડ્યા તો પછીથી એ સંસ્થા દ્વારા એની કોઈ સહજપણે આભાર કે આનંદની નોંધ પણ ન લેવાઈ. લાંબા સમયે ફરી ફોન આવ્યો કે તમારું એક કામ પડ્યું છે તો એ ભાઈએ આદરપૂર્વક ના પાડી કે મારી અનુકૂળતા નથી.
ના શબ્દમાં નેગેટીવીટી છે, પણ ક્યારેક ના પાડવી પણ પડે છે. ના શબ્દમાં વ્યથા હોય છે પણ ક્યારેક આવી ના જરૂરી પણ હોય છે, સ્વહિત માટે અને સ્વગૌરવ માટે... પછી એ ઘટના કે વિચાર મનમાં રહ્યા કરે એના કરતા એક વાર ના પાડી દેવી સારી, એ લાગણી પણ ક્યારેક સાચી હોય છે.
મનમાં ભરીને જીવવું એના કરતા મનભરીને જીવવું આ શબ્દોમાં સમાયેલો ભાવ ક્યારેક ના માંથી પણ અજવાળાં પાથરે છે.