ટ્રીન ટ્રીન.....ના ના, એ જમાનો હવે લગભગ પુરો થવામાં છે. એટલે કે લેન્ડલાઈન ફોન હવે બહુ ઓછા ઘરોમાં રહ્યા છે. હવે તો કોમ્પ્યુટર અને ટીવી પણ સ્માર્ટ ફોનમાં સમાઈ ગયા છે. આવા સ્માર્ટ ટાઈમમાં, સ્માર્ટ રીલેશનો વચ્ચે કહો કે વર્ચ્યુઅલ સંબંધોમાં જીવતા લોકો વચ્ચે પણ કેટલીક લાગણીથી લથબથ ઘટનાઓ બને છે ત્યારે લાગે છે કે જિંદગી સાચ્ચે જ જીવવા જેવી છે ને માણસો પણ એટલા જ પ્રેમથી આજે ય ભીંજવી દે એવા છે.
અરે હા, વાત હતી ટેલીફોન રીંગની... સરસ મજાના મોબાઈલ ફોનમાં એવી જ સરસ મજાની રીંગટોન સેટ કરી હતી વિજયે, ને એ ફોન રણક્યો... એમાં નવું શું? એનું કામ રણકવાનું જ વળી. નવાઈ આ ફોન રણકવાના સમયમાં હતી. રાત્રે એકાદ વાગ્યે એ રીંગટોને વિજયને જગાડ્યો. એને થયું કે આટલી મોડી રાત્રે વળી કોણ ફોન કરતું હશે?
હાથમાં ફોન લીધો, ચશ્માં ચડાવ્યાં ને નામ વાંચ્યું ‘અરે આ તો રશ્મીકાનો ફોન... એને વળી અત્યારે કેમ ફોન કરવો પડ્યો?’ આટલું મનમાં ને મનમાં કદાચ એ બોલ્યો, અને કહ્યું ‘બોલ રશ્મીકા, બધું બરાબર? કેમ આ સમયે ફોન કરવો પડ્યો... આર યુ ઓકે?’ એકધારું એ બોલી ગયો. સામા છેડે રશ્મીકાએ પુરી સ્વસ્થતા સાથે કહ્યું, ‘વિજયભાઈ, તમે સ્હેજ પણ ચિંતા ના કરો, વાત સાચી કે આવા સમય તમને ફોન કર્યો, મુશ્કેલી છે પણ ખરી અને નથી પણ...’ વિજયભાઈએ કહ્યું ‘જો દોસ્ત, આમ મોણ નાંખીને વાત ના કર, સીધેસીધું કહી દે....’ એટલે રશ્મીકાએ કહ્યું કે ‘વાત જાણે એમ છે કે અમે સહુ ઘરના સભ્યો મોટી બહેનના પરિવાર સાથે સિનેમા જોવા ગયા હતા. ઘરે પહોંચ્યા ત્યારે યાદ આવ્યું કે ચાવી ક્યાંક ખોવાઈ ગઈ છે. ઘરની ચાવી બહુ ગોતી પણ મળતી નથી. અમે ઘરની બહાર બગીચામાં છીએ, દરવાજાને તાળું છે ને માથે રાત છે.’ સામેથી વિજયે કહ્યું ‘અરે, આમ હોય? ઘરની ચાવી કીંમતી હોય છે એ તમે ખોઈ નાખો એવી કેવી બેકાળજી?’ એમના અવાજમાં રહેલો ગુસ્સો પામી ગયેલા રશ્મીકાએ કહ્યું, ‘કોઈ વાંધો નહીં, અમે તો ચોગાનમાં બેઠા છીએ... વહેલી સવારે ક્યાંકથી ચા-બિસ્કી લઈ આવીશું ને પછી તાળું ખોલવાવાળાને બોલાવીશું. હવે અડધી રાત્રે ક્યાં એ આવશે?’ એટલે વિજયભાઈએ કહ્યું કે ‘તમે ચિંતા ના કરો, તમારા બધા માટે ચા-નાસ્તો લઈને આવું છું ને તાળું ખોલવાવાળાને પણ શોધું છું.’ એમ કહી એમણે ફોન મૂક્યો.
ખરેખર તો રશ્મીકાના બાળપણથી એટલે કે યુવાવસ્થાના ઉંબરેથી એને વિજયભાઈના પરિવાર સાથે પારિવારિક સંબંધ. દોઢ-બે દાયકા સુધી તમામ ઉત્સવો સાથે ઊજવ્યા, રશ્મીકા પરણી ગઈ પછી પણ એ સંબંધો સચવાયા. વિજયના પત્ની અને બાળકો પણ આ પારિવારિક સંબંધોની પૂરી કરે. વાતવાતમાં વિજયભાઈ ઘણી વાર એવું કહે કે, ‘આપના પરિવારે મને અને મારા પરિવારને જે સ્નેહ આપ્યો છે તેનો ઋણી છું, તમે મને ગમે ત્યારે ૨૪x૭ ફોન કરશો તો હાજર થઈશ.’
હવે આ વાક્ય પર ભરોસો રાખીને રશ્મીકાએ ફોન કર્યો હતો. રશ્મીકા મૂળ તોફાની સ્વભાવની, મજાક-મસ્તી-ધમાલ-સગાંવ્હાલાંને હક્કથી ને પ્રેમથી હેરાન કરવું એને ગમે.
હવે આ તરફ વિજયે એની પત્નીને ઊંઘમાંથી જગાડી, આખી ઘટનાની વાત કરી. ચા બનાવી, થર્મોસમાં ભરી, પાણીનો જગ ને નાસ્તો લઈ, છોકરાંઓને કહીને ઉપડ્યા રશ્મિકાના ઘરે. ૧૫-૨૦ મિનિટના અંતરે પહોંચ્યા તો ચોગાનમાં કોઈ નહીં. ચોકીદારે પણ કહ્યું કે એ લોકો તો આજે સવારથી ઘરમાં નથી. ફોન કર્યો રશ્મીકાને તો કહે અમે તો ચોગાનમાં જ છીએ. તમે ક્યાં છો? અરે, અમારા ઘરે નહિ, હું બોલી તો ખરી કે મોટીબહેનનો પરિવાર સાથે છે. અમે તો વડોદરા એમના ઘરે છીએ.’
વિજયને ના સમજાયું કે શું કરવું? બહુ ગુસ્સે થયો સામે રશ્મીકા હસ્યા જ કરે. કહે હવે તમે ને ભાભી વડોદરા આવો એ બધું લઈને... આ તો તમે કહેતા હો છો કે ગમેત્યારે ફોન કરજો એટલે તમને અવસર આપ્યો...’ આખરે બંને તરફ બધા ખૂબ હસ્યા. રશ્મીકા પાસેથી દંડરૂપે પાર્ટી લેવાનું કહીને વિજય ને એની પત્ની ઘરે ગયા.
વાત કાલ્પનિક લાગે પણ વાસ્તવમાં બનેલી છે. માનવીય સંબંધોમાં જે નાજુક પળો હોય છે ત્યારે જ પ્રેમ-વિશ્વાસ-પારિવારિક્તા કસોટીની એરણે ચડે છે. આવી મસ્તી ના કરાય એમ પણ કોઈ કહે પણ આવી મસ્તી જ્યાં કરાય એવા સંબંધો હોય તો કરવી પણ જોઈએ.
તમે આવી મસ્તી કરી શકો, ટાણે-કટાણે ફોન કરી શકો, રાત્રે બધા સૂઈ ગયા હો ત્યારે ડોરબેલ મારીને જગાડી શકો, ને પાછી કહી શકો કે બસ તમને જોવા જ આવ્યો હતો-આવું બદ્ધું જ કરી શકો એવા સંબંધો હોય તો તમારા જીવનમાં સંબંધોના અજવાળાંથી જીવન ઝળહળે છે.