નાણાં રળવાની સાથે સાથે જ સારી જીવનશૈલી જીવનની સમજણ પણ વિકસી રહી છે

અજવાળું અજવાળું

- તુષાર જોષી Wednesday 01st May 2024 10:56 EDT
 
 

થોડા સમય પહેલાના દિવસો હતા. માર્ચ 2024 મહિનાનો અંત નજીક હતો. સ્વાભાવિક રીતે આર્થિક લેખાંજોખાંની, બાકી નીકળતાં પૈસા માટે ફોન કરવાની વગેરે વગેરે વાતો વાતાવરણમાં ઘૂમરાતી હતી. મને દોસ્ત હિમાંશુએ પૂછ્યું, ‘આ અઠવાડિયે કયા વિષય કે ઘટના પર લેખ લખવાના છો?’ મેં કહ્યું, ‘હમણાં સરસ સાંસ્કૃતિક પ્રવાસો ચાલે છે એના પર.’ તો કહે, ‘આ માર્ચ એન્ડિંગના અનુભવો જે થયા - સાંભળ્યા - જોયા એના પર પણ ક્યારેક લખજો...’

આ વાત અત્યારે યાદ આવી અને થયું ગણિત પર આધારિત લેખ લખીએ. મારો-તમારો, આપણા સહુનો અનુભવ હશે જ, ક્યાંક ક્યારેક આપણે પૈસા ચૂકવતા હશું અને ક્યાંક ક્યારેક પૈસા મેળવતાં હશું. હવે માણસની, સામાન્ય રીતે બે સ્થિતિ હોય છે, જ્યારે કોઈની પાસેથી પૈસા લેવાના હોય ત્યારે સ્થિતિ - ગણતરી - વિચારધારા - આદર્શો જુદા હોય છે અને પૈસા કોઈને આપવાના હોય ત્યારે એ બધું જ સાવ બદલાઈ જાય છે. ઉદાહરણ તરીકે એક ભાઈએ એમની દુકાન ભાડે આપી હતી. હવે એ દુકાનના ભાડામાં દર વરસે અમુક ટકા રકમ વધારવાની વાતમાં એ જેટલા મક્કમ હોય એટલા જ મક્કમ એમના પરિવારના કોઈ સદસ્યને મકાન ભાડે લેવાનું હોય કે એના પૈસા ચૂકવવાના હોય એ નથી રહેતા. બંનેમાં સાવ સામસામી વિચારધારા વ્યક્ત થતી જોવા મળે છે. આપણા ઘરે કામ કરવા આવનાર કોઈ વ્યક્તિ અઠવાડિયું ન આવે તો એના પૈસા કાપનાર વ્યક્તિને એમના જ સંતાનો નોકરીમાં રજા પાડે ને પગાર કપાય તો નથી ગમતું. જ્યારે કોઈને પૈસા ચુકવવાના હોય ત્યારે ‘અરે ભલા માણસ શું ઉતાવળ છે?’ એમ કહેનાર વ્યક્તિ બીજે ઠેકાણે પૈસા માંગે ત્યારે ‘અરે આટલી બધી વાર થોડી હોય?’ એમ પ્રશ્ન કરે છે.
તાત્કાલિક અને ઉત્તમ ગુણવત્તાનું કામ એક ભાઈએ કોઈના માટે કરી આપ્યું પછી એમણે જેના માટે કામ કરી આપ્યું હતું એમને વાત કરવાનો પણ સમય ન હતો! એક બીજા ભાઈએ તો એમને અનુભવ એવો કહ્યો કે એમને કોઈ એક વ્યક્તિ પાસેથી અમુક રકમ લેવાની હતી, લાંબા સમય સુધી ન આવી, હક્કના પૈસા હતા, વસ્તુ આપી એના હતા તો જવાબ મળ્યો કે ત્રીજા માણસ પાસેથી પૈસા આવશે તો આપીશું!
આવા જાતજાતના અનુભવો લોકોને હોય છે. પરંતુ એની સામે સારા અનુભવો પણ હોય છે. આપણી આસપાસ એવા પણ વ્યાપારી હશે, ઉદ્યોગ જગતના લોકો હશે જેઓ એમને ત્યાં કામ કરનારાને નિયત તારીખે પગાર આપી જ દેતા હશે. એમની નાનીમોટી ગેરહાજરીના પૈસા નહીં જ કાપતાં હોય. સામૂહિક જમણવારમાં નાનામાં નાના માણસ સાથે જ જમતા હશે. પર્ફોમન્સ પૂરું થાય એ પહેલાં કલાકારોને પૈસા આપી દેતા હશે. નાના માણસો કે ફેરિયા સાથે વસ્તુની ખરીદીમાં ભાવતાલ નહીં કરતા હોય. કોઈને મદદ કરે તો સામેની વ્યક્તિનું પૂરું સન્માન સચવાય તેની કાળજી લેતા હશે. આવા આવા હકારાત્મક વાતાવરણ સર્જનારા દાખલાઓ પણ આપણી આસપાસ હશે જ.
માર્ચમાં નફા-તોટાનું સરવૈયું મેળવાતું હોય છે. આવા સમયે ડાહ્યા માણસો ગત વર્ષમાં ક્યાં વધારે - બિનજરૂરી પૈસા વપરાયા તેની ગણતરી માંડીને નવા વર્ષમાં આયોજનપૂર્વક, યોગ્ય અને સાચી દિશામાં મહેનતના પૈસા વપરાય એની કાળજી પણ જરૂર લેશે.
છેલ્લાં વર્ષોના અનુભવો પછી હવે માણસ પરિવાર સાથે રહીને કરેલી બચતમાંથી યાત્રા-પ્રવાસ વધુ પ્રમાણમાં કરતો થયો છે. નવી પેઢીના યુવાનો સલામત રોકાણ સાથે જ થોડી રકમ જોખમ સાથે પણ ઈન્વેસ્ટ કરતાં થયાં છે. માત્ર બચત નહીં, રોકાણનો અભિગમ વિકસતો થયો છે એની પ્રતિતિ પણ માર્ચ એન્ડના હિસાબોની વાતોમાંથી મળે છે.
પૈસા જીવન માટે સર્વસ્વ નથી, પરંતુ જરૂરી તો છે જ એ સત્ય સ્વીકારીને, નીતિપૂર્વક, મહેનત કરીને, પરસેવો પાડીને, બુદ્ધિ-કૌશલ્ય કે આવડતના જોરે પૈસા રળીને પછી એનાથી સારી જીવનશૈલી જીવવાની સમજણ વિક્સતી જાય છે. એ સમજણના દીવડાં જીવનમાં આનંદ, ઊર્જા અને સુવિધાના અજવાળાં પાથરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter