‘સાહેબ વધારાના પૈસા લઉ તો ભગવાન રાજી ના રહે...’ ગામડાગામના પહાડોમાં વસનારા પદમસિંહ ઠાકુરે કહ્યું.
અમદાવાદથી ધ્વનિ, સ્તુતિ, કક્ષા, ચાહત, રુદ્રી, કવિશ અને તેમના ઘરના વડીલો નિયમિત રીતે ગુજરાતમાં અને ગુજરાત બહારના વિસ્તારોમાં પ્રવાસ કરવા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ટેવાયેલા હતા. પ્રકૃતિ દર્શન થાય, ઈતિહાસ - ભૂગોળની માહિતી મળે. સહુ સાથે મળીને આનંદ કરે અને પ્રેમ વધુને વધુ ગાઢ થાય. દોસ્તીના મૂળ ઊંડા જાય એ હેતુ સાતત્યપૂર્ણ રીતે બર આવતો જતો નિહાળીને સહુ આનંદિત હતા.
ઊનાળાની રજાની મૌસમમાં આ વખતે જવું હતું બેંગલોર, ઊટી, કોડાઈકેનાલ તરફ, પરંતુ વ્યવસાય-નોકરીના પ્રશ્નો આવ્યા અને કાર્યક્રમ ગોઠવાયો દિલ્હી થઈને મનાલી તરફ જવાનો. પહાડોમાં બહુ દોડાદોડી ના કરતાં મનાલી અને આસપાસ ફરવું એવું નક્કી થયું. ટીકીટો ને ગાડીઓ ને હોટેલો બુક થવા માંડી. બધાનો આગ્રહ હતો કે આ વખતે હોમ-સ્ટેમાં જ રહેવું છે એટલે મનાલી શહેરથી થોડે આગળ ‘ડફડન હાઉસ’ - વાસ્તવમાં એક વીલા જેવો બંગલો બુક કરાવ્યો. પારિવારિક સ્વજન મનીષે કહ્યું કે મનાલી જતાં પહેલાં નગર ગામે જાવ. એક રાત્રિ રોકાવ. બહુ મજા પડશે.
હોમસ્ટે શોધી રહ્યા હતા તેમાં ભાવનગરના વાસુદેવસિંહ સરવૈયાએ કહ્યું કે ‘બધી જવાબદારી મારી’ યુથ હોસ્ટેલ સાથે એમનો ત્રણ દાયકા કરતાં વધુ સમયનો સંબંધ. યુવાનોને તથા પરિવારોને ટીમ લીડર તરીકે તેઓ હિમાલયના પર્વતોમાં અનેકવાર લઈ ગયા છે. ૬૦ વર્ષની ઊંમરે યુવાનો પણ શરમાય એવી એમની સ્ફૂર્તિ અને ઊર્જા છે. તેઓએ નગર ગામથી ત્રણ-ચાર કિ.મી. દૂર વધુ ઊંચાઈ પર રુમસુ ગામે રહેવાનું ગોઠવી આપ્યું. તેઓ ત્યાં એક ગ્રૂપ સાથે હતા ત્યારે હોમ-સ્ટેના માલિક પદમસિંહ ઠાકુર સાથે વાત પણ કરાવી આપી. કોઈ આર્થિક ચોખવટ આરંભે ન થઈ હતી. પછીથી સ્તુતિના ડેડીએ બધું ફાઈનલ કર્યું ત્યારે બે ટાઈમ બ્રેકફાસ્ટ - રાત્રે ડિનર - ચા-પાણી રહેવા સાથે એક ચોક્કસ રકમ નક્કી થઈ હતી. સવારે ૮ વાગ્યે ટેમ્પો ટ્રાવેલર લઈને ત્યાં પહોંચ્યા. પોતાનો સામાન ને ગરમ કપડાં ને નાસ્તાના ડબ્બા ઊંચાઈ પર ઊંચકીને સહુના શ્વાસ અદ્ધર થઈ ગયા, પણ ત્યાં પહોંચીને સામે જ બરફ જોયો એટલે સહુ નાચી ઊઠ્યા. મૂળ પ્લાનમાં બપોરનું લંચ નક્કી કરાયું ન હતું છતાં બધી જ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. પહાડી મુલ્કોમાં અનાજ, લોટ, શાકભાજી, મસાલા ઘરમાં જ રાખવા પડે છે એટલે થોડું કામ સરળ થયું. ટ્રેકિંગ કર્યું, ગામમાં ફર્યા, આનંદ-આનંદ કર્યો અને છેલ્લા દિવસે જ્યારે પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા ત્યારે સહજપણે પૂછ્યું કે, ‘લંચ મૂળ પ્લાનમાં ન હતું તો એના કેટલા પૈસા થાય?’ એના જવાબમાં ૧૪ વ્યક્તિઓને મીઠું ભોજન કરાવનાર પદમસિંહે લેખના આરંભે લખેલા શબ્દો ઉચ્ચાર્યાં.
પદમસિંહે વાતચીતમાં કહ્યું કે, ‘પહાડી પ્રદેશના માણસોની જરૂરિયાતો ઓછી છે, માણસો સંતોષી છે, પ્રામાણિક છે. મહેમાનોને સાચવે છે...’ આ બધા જ શબ્દોની અનુભૂતિ એમને ત્યાં નિવાસ દરમિયાન અને પછીથી હિમાચલના પ્રવાસમાં થઈ.
•••
નાના માણસો એના વાણી-વિવેક-વર્તન અને વ્યવહારથી તો ઘણી વાર માનવતાની દૃષ્ટિએ, જીવનમૂલ્યોની દૃષ્ટિએ મોટાઈ બતાવી જતા હોય છે.
તાજેતરમાં બનેલો આ કિસ્સો પણ આવી જ લાગણીનો પડઘો પાડે છે. એક ટંક ભોજનના ૧૪ જણાના પૈસા એ લઈ શક્યા હોત, પરંતુ એણે કહ્યું કે આને મારું આતિથ્ય સમજો. સામા પક્ષે મહેમાનોએ પણ પોતાની રીતે એમને ભેટરૂપે આર્થિક રકમ આપીને એની સરળતાને બિરદાવી હતી.
પ્રામાણિકતા-સરળતા જેવા ગુણો માનવીને મહાન બનાવે છે. આવા ગુણો ધરાવનાર માણસો આપણને હંમેશા યાદ રહી જાય છે. થોડું જતું કરીને મહેમાનોનો પ્રેમ જીતનાર માણસ એક અર્થમાં વધુ વ્યવસાયિક સફળતા તરફ ડગ માંડે છે.
મહાનગરોમાં સતત દોડતા - હાંફતા ને તમામ પ્રકારે સુખી થવા (આનંદિત નહિ) દોટ મુકતા લાખ્ખો માણસોની સામે આવા થોડા માનવીઓ પણ છે જે વાસ્તવમાં જિંદગીને જીવી જાણે છે ને આતિથ્યના, પ્રેમના દીવડા પ્રગટાવે છે જેના અજવાળાં કેટલાય લોકો સુધી પહોંચે છે.
ઃ લાઈટ હાઉસઃ
પહાડોને ચીરીને નીકળતા ઝરણાની ભીનાશ
પહાડોમાં રહેતા માણસોના સ્વભાવની મીઠાશ
બન્ને આપે છે ઠંડક.