નામ કમાયા, દામ કમાયા, પરમાર્થની ગઠરી બાંધી...

અજવાળું અજવાળું

તુષાર જોષી Saturday 30th June 2018 07:37 EDT
 

આ પંક્તિઓ જેમના માટે લખાઈ એવું એક વ્યક્તિત્વ એટલે મૂળ નાર ગામના અને હાલ અમદાવાદસ્થિત કિરીટભાઈ પટેલ... જેમને સહુ કિરીટ શ્રીહરિ તરીકે ઓળખે છે. એમના સમગ્ર જીવનમાં નજર માંડીએ તો સમાજ માટે, સત્સંગ માટે અને સ્વવતન માટે એમણે સમય અને લક્ષ્મી સમર્પિત કર્યા છે. સદાબહાર, સતત આનંદમય, સ્ફૂર્તિલા અને એવરગ્રીન મિજાજના માણસ એટલે શ્રીહરિ. ધર્મના-માનવતાના-સમાજના-સંગઠનના અનેક કાર્યો દ્વારા એમણે પારિવારિક સભ્યોના સાથ અને સહકારથી સેવાના અવિરત કાર્યો કર્યા છે.

માતા પૂજ્ય મણીબાએ કિરીટભાઈનું ઘડતર કર્યું અને પૂ. બાપુજી પરસોત્તમદાસ એડનવાળાએ સાહસના સંસ્કાર આપ્યા. ૧૯૪૩થી ૧૯૬૮ના વર્ષો એમણે બાળપણ અને અભ્યાસમાં વીતાવ્યા. જીવનનો બીજો તબક્કો એટલે કે ૧૯૬૮થી ૧૯૯૩નો સમય ધંધાર્થે ‘પાર્શ્વનાર્થ’માં તેમના બનેવી નવનીતલાલ સાથે વીતાવ્યા ને અપ્રતિમ સિદ્ધિઓ વ્યવસાય ક્ષેત્રે હાંસલ કરી.

૫૦મા વર્ષની પૂર્ણાહુતિ સાથે જ એક અર્થમાં વનપ્રવેશ થયો અને એમણે ધંધાકીય કાર્યોમાંથી નિવૃત્તિ લીધી. હવે શું કરવું? એવો પ્રશ્ન ક્યારેય ઉદભવે નહિ એટલા એ સ્પષ્ટ હતા પોતાના વિચારમાં.

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એમનો હાથ ઝાલ્યો હતો અને અપાર કૃપા વરસાવી હતી. આથી ધર્મમય - સમાજસેવાલક્ષી લક્ષ્મી જીવન જીવવાનો મનોમન સંકલ્પ કરીને BAPS, તેમના વતનના ગામની આસપાસના વિસ્તારો પીજ-ઓડ-સુણાવ-ઉત્તરસંડા અને નારના લોકોનો બનેલો POSUN સમાજ તથા પોતાના વતન નાર ગામના લોકોની સુખસુવિધા માટે બાકીનું જીવન સમર્પિત કર્યું.

‘પોસુન’ સમાજના પાંચ ગ્રંથો તૈયાર કરાવ્યા. સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફી, ચોપડા, લેપટોપ વગેરે સહાય આપી, જરૂરિયાતવાળાને ઘરે અનાજ પહોંચાડવામાં નિમિત્ત બન્યા.

શ્રીહરિની કૃપાથી ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામ તથા અમદાવાદમાં ૧૯૮૧ અને ૧૯૮૫ના સમૈયામાં તથા એડિસન-યુએસએમાં ૧૯૯૧માં CFIમાં અને પરદેશોના મંદિરોમાં મોટા સિંહાસનો બનાવવા કિરીટ શ્રીહરિને પૂ. પ્રમુખસ્વામીએ સેવા કરવાની તક આપી. ૧૯૯૧ અને ૧૯૮૫ના સમૈયામાં પાર્શ્વનાર્થ કોર્પોરેશને ૫૦૦-૫૦૦ મકાનો ઉતારા માટે તૈયાર કરી આપ્યા હતા તે પણ સુખદ સંભારણું છે.

ગુરુ હરિ પૂજ્ય પ્રમુખસ્વામીની કૃપાથી અને બા-બાપુજીના આશીર્વાદથી નાર ગામમાં તેઓએ વિશાળ અને સેન્ટ્રલી એરકન્ડિશન્ડ હોલ તથા સાથે જરૂરી રૂમ અને પાર્ટી પ્લોટ નારવાસીઓના સહકારથી બનાવ્યો જે લોકોપયોગી થઈ રહ્યો છે. નાર ગામના લોકોએ એમને ‘નારરત્ન’ એવોર્ડ પણ આપ્યો છે.

ઊંમરના સમયે સમયે પડાવ પ્રમાણે જીવનના કાર્યો શ્રેષ્ઠ રીતે પાર પાડનાર કિરીટભાઈના જીવનના ૭૫ વર્ષનો ઉત્સવ પણ ‘ઉત્સાહનો ઉત્સવ’ નામે જ ઊજવાયો. રૂષભ પટેલ, સત્યેન્દ્ર પટેલ અને સતીષ શાહ દ્વારા આયોજિત ઉત્સવમાં દેશ-વિદેશના સ્વજનો અને BAPSના સંતો પધાર્યા ને કિરીટભાઈને શુભકામના - આશીર્વાદ પાઠવ્યા. સંગનો ઉમંગ સહુને પ્રેમના રંગે જાણે રંગી ગયો.

•••

સાંઈ કવિ મકરંદ દવે લખે છે એમ માણસના જન્મ સમયે માના ધાવણની, કિશોરવયે શિક્ષણની એમ ઉંમરના જુદા જુદા પડાવે માણસને કોઈને કોઈ ભૂખ રહે છે, જે આખરે ભજનની ભૂખ સુધી પહોંચે છે. વૈદિક પરંપરામાં માનવીનું આયુષ્ય એથી જ કદાચ ચાર જુદી જુદી અવસ્થામાં દર્શાવ્યું છે. નામ અને દામ ખુબ કમાયા બાદ પોતાનું કર્તૃત્વ સમાજ માટે, વતન માટે, સત્સંગ માટે કરવું એ જ વિચાર જ અભિનંદનને પાત્ર છે. અઢળક આર્થિક સમૃદ્ધિ અને પદ-પ્રતિષ્ઠા પામ્યા બાદ માણસ સમાજને સેવા ભાવે પરત આપવાના કાર્યમાં જોડાય, સ્વની ઓળખ માટે જાગૃત થાય અને પોતાના ગુરુની પ્રેરણાથી બીજાને ઉપયોગી બનવાની દિશામાં જીવન સમર્પિત કરે ત્યારે એના જીવનમાં સાર્થકતાના દીવડા પ્રગટે છે ને સંતોષના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter