નારી તું નારાયણી...

તુષાર જોશી Saturday 05th March 2016 06:18 EST
 

‘દેશમાં જઈને બાળકો ઉછેરો, અહીં સ્ત્રી જાતને એકલા રહેવું મુશ્કેલ થશે.’ ૧૯૫૬માં ત્રણ સંતાનો સાથે ઈસ્ટ આફ્રિકામાં રહેતા યુવાન વયે વિધવા થયેલાં શાંતાબહેનને સગાં-સંબંધીઓએ સલાહ આપી. પરંતુ હારે તે બીજા, શાંતાબહેન નહીં.
પિયર નાર ગામમાં સાત ધોરણ સુધી તેઓ ભણ્યા હતા અને પિતા તળશીભાઈ નારમાં શિક્ષક હતા. આ વાતાવરણે શાંતાબહેનને હૂંફ અને હિંમત આપ્યા. કેન્યાના એલ્ડોરેટમાં એમણે બાલમંદિર શરૂ કર્યું. બે દીકરા અને એક દીકરીનો ઉછેર આગળ વધતો ગયો. સ્વજન આવીને મદદ આપવાની તત્પરતા બતાવે તો આદરપૂર્વક ના કહે. બન્ને દીકરા ભીખુભાઈ અને વિજયભાઈ ભણતા જાય અને ટ્યુશન કરતા જાય.
બન્ને ભાઈઓ ખૂબ સારું ભણતા થયા. ભણવાની સાથે જ ટ્યુશન કરીને માતાની આવકમાં ઉમેરો કરતા થયા. વેકેશનમાં કાપડિયાની દુકાને કામ કરતા થયા. માતા શાંતાબહેનને ગૌરવ થાય અને ટેકો પણ મળી રહે. એક રૂપિયાનો (આફ્રિકામાં શિલિંગનો) ખોટો ખર્ચો ન થાય તેની કાળજી લે અને કરકસરથી જીવે. આવા દીકરાને જોઈને સ્વમાની-મહેનતુ શાંતાબહેનની આંખ ઠરે.
સમય પસાર થતો ગયો. ૧૯૬૬માં ભીખુભાઈ પોતાની બચતની મૂડીમાંથી લંડન આવ્યા. એ પછી વિજયભાઈ આવ્યા. બહેનને પણ લંડનમાં પરણાવી હતી. બન્ને ભાઈઓએ અથાગ પરિશ્રમ કર્યો, માતાએ આપેલા સંસ્કાર અને કોઠાસૂઝથી ધંધામાં પ્રગતિ કરી. ફાર્મસી ક્ષેત્રે નામ કમાયા. હોલસેલ માર્કેટ અને ડિસ્ટ્રીબ્યુશનમાં આવ્યા. આજે વેમેઈડ નામની તેમની કંપનીની દવા એકસોથી વધુ દેશોમાં વેચાય છે. બંને ભાઈઓ વિશ્વમાં ગુજરાતીઓનું ગૌરવ બની રહ્યા છે.
માતા શાંતાબહેને કરેલો સંઘર્ષ - વિતાવેલા દુઃખના દિવસો અને બાળકોને સ્વાવલંબી બનવા આપેલી પ્રેરણા એમના માટે જીવનભરનું ભાથું બની રહ્યા છે. એક સ્ત્રીમાં સમાયેલી સંવેદના, સહનશક્તિ અને સંજોગોને તાબે ન થઈ, સાહસ કરી જીવનમાં આગળ વધવાની સમજણ અને સૂઝના કારણે પછીની પેઢીઓએ મહેનત કરીને સમૃદ્ધિના શિખરો સર કર્યા છે.

•••
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિ સ્વરૂપા ગણવામાં આવી છે તો સાથે સાથે જ સહનશીલતા, શીલ, પ્રેમ-વાત્સલ્ય અને પ્રેરણાનું પ્રતીક પણ ગણવામાં આવી છે.
આઠમી માર્ચે વિશ્વ મહિલા દિનની ભાવાત્મક ઊજવણી થશે અને એ નિમિત્તે શાંતાબહેન જેવા વ્યક્તિત્વનું સહજ સ્મરણ થાય જેમણે સ્વાભિમાન અને સ્વાવલંબન સાથે સાહસનો ઉમેરો કર્યો - સંસ્કારસિંચન બાળકોમાં કર્યું અને પરિણામે સમૃદ્ધિનું પણ સર્જન થયું.
સ્ત્રીને ઈશ્વરે સંવેદનાની એવી પળ આપી છે કે એ સમય આવ્યે માતા-બહેન-સખી કે પ્રિયતમા અને પત્નીના રૂપે અનહદ પ્રેમ વરસાવી શકે છે અને સમય આવ્યે રાક્ષસી વૃત્તિ, નકારાત્મક વિચારોની સામે મહિષાસુર મર્દિની બનીને પણ આવી શકે છે.
શીલ અને સૌંદર્ય, સદગુણ અને સદવિદ્યા, સમજણ અને સૂઝ, સ્વાભિમાન અને સ્વાવલંબન, સાહસ અને શૌર્ય, કોઠાસૂઝ અને કૌશલ્ય જેવા ગુણોથી સભર સ્ત્રી સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરે છે. આપણી આસપાસ એવા અનેક સ્ત્રી પાત્રો હશે જેમણે પરિસ્થિતિઓ ગમેતેટલી મુશ્કેલ હોય, હિંમત હાર્યા વિના સાચી દિશાનો માર્ગ શોધ્યો જ છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી નીરજા ભનોત નામની એર હોસ્ટેસના સમર્પણ આધારિત ફિલ્મ ‘નીરજા’નું પણ સ્મરણ થાય, જેમાં એક સ્ત્રી પોતે બલિદાન આપીને પ્લેનના પ્રવાસીઓને બચાવે છે એ સત્ય ઘટનાનું નિરૂપણ છે.
વિધવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓએ પોતાના કાર્ય થકી ઘર-પરિવાર-રાજ્ય-દેશનું ગૌરવ વધાર્યું છે. એમનો પ્રગતિનો માર્ગ ક્યારેય સરળ નથી જ રહ્યો, પણ હકારાત્મક વિચારધારા સાથે નિર્ધારિત લક્ષ્ય તરફ એમણે ગતિ કરી છે. આવી તમામ મહિલાઓને ભાવવંદન કરીએ જેમની નોખી-અનોખી કામગીરીથી, ભાવનાથી, સહજ સંવેદનાથી અજવાળાં રેલાયા છે.
લાઈટ હાઉસ
પુરુષના તર્ક કરતાં સ્ત્રીની અંતઃસ્ફુરણા પર હું વધારે વિશ્વાસ રાખું. - સ્ટેનલી બાલ્ડવીન

(લેખક ગુજરાત સરકારના માહિતી ખાતામાં અધિકારી છે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા ક્ષેત્રે લેખનથી માંડીને ફિલ્મમેકિંગનો બહોળો અનુભવ ધરાવતા લેખક સ્ટેજ કાર્યક્રમોના સંચાલક તરીકે પણ જાણીતા છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter