‘લ્યો, બોલો, આપણે જ્યાં જઈએ છીએ એ ગામનું નામ પણ કોઈને ખબર નથી.’
‘હોય કાંઈ, બધી પુછપરછ તો કરી જ હશે ને!’
‘અરે, આટલા ઓછા પૈસામાં આવી સારી ટુર!’
‘અલ્યા ધ્યાન રાખજો, આપણે ફરવા આવ્યા છીએ, દેવદર્શનની ટુરમાં નહીં હોં!’
વાચકો સાચ્ચું જ સમજ્યા છો. વાત દિવાળી વેકેશનના પ્રવાસની છે. આપણે પ્રવાસપ્રેમી પ્રજા છીએ, ઉત્સવો ઉજવવા આપણને ગમે છે, નોકરી-ધંધામાંથી રજાઓની ગોઠવણી કરીને યોગ્ય સમયે - યોગ્ય સ્થળે સ્વજનો અને પ્રિયજનો સાથે નાના-મોટા પ્રવાસો આપણે ગોઠવી જ લઈએ છીએ. આ મિત્રોએ પણ ચારેક મહિના પહેલા દિવાળીની રજાઓમાં કોઈ હીલ સ્ટેશન જવાનું પ્લાનિંગ કરી નાંખ્યું હતું. ટ્રેન-પ્લેનની ટીકિટો પણ લઈ લીધી હતી. સ્થળ પસંદ કર્યા હતા ઉત્તરાખંડમાં નૈનિતાલ અને આસપાસના સ્થળો.
કુલ ૨૩ સભ્યોનું ગ્રૂપ હતું. બધા મિત્રો નિયમિતપણે ફરવા ટેવાયેલા હતા અને પાંચ-સાત પ્રવાસોના પોતાના અને બીજાના અનુભવોથી એટલું શીખ્યા હતા કે મોટા મોટા શહેરોની બજારો જોવા આપણે નથી જતા. પરિણામે ઉદયપુર, કુલુ-મનાલી, સીમલા, મધ્ય પ્રદેશમાં પેન્ચના જંગલો, ઉત્તરાખંડના પર્વતો, જ્યાં જ્યાં જવાનું થાય ત્યાં ત્યાં આસપાસના નાના શહેરોમાં હોમ-સ્ટેમાં રહેવાનું પસંદ કરતા અથવા તો આઉટ સ્કર્ટ્સમાં આખી હોટેલ કે બંગલો જ બે-ત્રણ દિવસ માટે રસોઈયા સાથે ભાડે લઈ લેતા. પરિણામે ૨૪ કલાક ઈચ્છો ત્યારે ચા-ભજીયા ને મેગી મળે. કેમ્પ ફાયરનો અને અંતાક્ષરીનો આનંદ મળે. દિવસે નદી-ઝરણાં કિનારે વનભોજનનો પણ આનંદ મળે ને પ્રાચીન શિલ્પ સ્થાપત્યથી શોભતા મંદિરોના દર્શન પણ થાય. પ્રાકૃતિક સ્થાનોના સાંનિધ્યમાં ખુલ્લી સ્વચ્છ હવામાં, જે તે પ્રદેશના લોકો સાથે રહેવાથી એમના રીતરિવાજ અને પ્રાદેશિક માહોલથી પણ જાણકાર થવાય. આવી ટુરનો સામાન્ય અનુભવ બધાનો સારો હતો, વિશેષ કરીને બાળકો-યુવાનોને બહુ મજા પડતી હતી.
ઉત્તરાખંડમાં પ્રવેશતાં ક્યાંયે જલના ગામનું બોર્ડ ન આવ્યું, જ્યાં જવાનું હતું. કોઈને પૂછો તો ખબર પણ ન હતી, પરંતુ જ્યારે રાત્રે સહુ જલના પહોંચ્યા અને અંધારામાં પણ જે નજારો જોયો, જાણે ઉપર આકાશ ને નીચે પણ આકાશ... સહુને થયું સવાર આથી વધુ સુંદર હશે. સાચ્ચે જ હતી. બધા જ રૂમની ગેલેરીઓમાંથી સામે હિમાલયની બર્ફિલી પર્વતમાળાઓ, તેના પર પડતા સૂર્યના કિરણો, ક્યાંક ક્યાંક છુટાછવાયા મકાનો, ઠંડી હવા, ને હાથમાં આદુંવાળી ગરમાગરમ ચા... આજુબાજુમાં ગોતો તો ધ્યાન જાય એવા પાંચ-સાત ઘર, એ સિવાય જ્યાં જુઓ ત્યાં બસ, પ્રાકૃતિક નજારો, અદભૂત સૌંદર્ય સાથે પથરાઈને પડ્યો હતો.
એવું જ નયનરમ્ય અને શ્રદ્ધાનું સ્થાન એટલે ત્યાંથી દોઢ કલાકના અંતરે આવેલું પુરાણ પ્રસિદ્ધ પ્રાચીન મંદિર જાગેશ્વર... અહીં ૧૨૫ શિવલિંગ છે અને પથ્થરોમાં કોતરાયેલી સુંદર કવિતા જાણે શિલ્પ-સ્થાપત્ય રૂપે ધબકારા લઈ રહી છે એવું લાગે. ધારચૂલા ને દંડેશ્વર ને અલમોડાની મજા પણ લેવા લેવી લાગે! પહાડોમાં સાજે અંધારું વહેલું થાય એટલે કેમ્પફાયર સાથે અંતાક્ષરીના ગીતોમાં પ્રકૃતિના-પવનના-આકાશના પહાડોના કેટકેટલા ગીતોનું સ્મરણ થાય.
એવું જ એક મનોહારી સ્થળ એટલે મુક્તેશ્વર. પ્રાચીન મંદિર ખાસ્સી ઊંચાઈ પર છે. ત્યાં સૌથી વધુ વર્ષ જૂની પોસ્ટઓફિસ અને અત્યારે બંધ પડેલું દવાખાનું પણ જોવા મળે. ડ્રાઈવર, સારો ગાઈડ હોય તો ત્યાં ટ્રેકિંગનો આનંદ પણ સહજપણે તમને મળે. સરવાળે ભીડભાડવાળી જગ્યાઓ-નગરોને બજારોમાં ફરવા કરતા એની આસપાસ આવેલા નાના-નાના ગામોમાં રહેવા-જમવાની વધુ સારી, વધુ સસ્તી, વધુ ચોખ્ખી જગ્યા મળે છે અને ત્યાં રહીને પ્રવાસનો વધુ આનંદ મેળવી શકાય છે. એ વાતની અનુભૂતિ સહુને થઈ. થોડી નિર્ણયશક્તિ, દેખાદેખીમાં ન તણાવાની સજ્જતા અને પહાડી માણસોમાં રાખેલો વિશ્વાસ આ ત્રણે ભેગા થાય ત્યારે જ સાચ્ચે જ પ્રવાસમાં પ્રસન્નતાના દીવડા પ્રગટે છે અને આનંદના અજવાળાં રેલાય છે.