‘એમનો વર્ગ અમે વિદ્યાર્થીકાળમાં ક્યારેય છોડ્યો નથી...’ ‘એમણે સાહિત્ય ક્ષેત્રે ભગીરથ કામ કર્યું છે...’ ‘એમના દીકરા-દીકરીને આપ્યો એટલો જ પ્રેમ અને વાત્સલ્ય વિદ્યાર્થીઓને આપ્યા છે.’ આ અને આવા અનેક વાક્યોમાં જે સંવેદના વ્યક્ત થઈ એના કેન્દ્રમાં હતા ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગમાં સુદીર્ઘ સેવા આપીને નિવૃત્ત થયેલા સાહિત્યકાર અને કેળવણીકાર, કવયિત્રી ડો. ઉષા ઉપાધ્યાય.
સાહિત્યના વિવિધ પ્રવાહોમાં એમણે કરેલા યશસ્વી પ્રદાન, વિદ્યાર્થીઓ પ્રત્યેની એક ઉત્તમ કેળવણીકાર તરીકેની નિષ્ઠા અને તેમના વ્યક્તિત્વના વૈવિધ્યપૂર્ણ પાસાંઓના સંદર્ભમાં એ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુણીજનો-મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ પોતાની લાગણી પ્રગટ કરી એમાં ઉષાબહેનની શબ્દ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની પ્રીતિ પ્રતિબિંબિત થતી હતી.
અમદાવાદમાં ઓક્ટોબર-૨૦૨૧ના અંતિમ દિવસોમાં યોજાયેલા અભિવાદન સમારોહમાં ‘ઋતંભરા પ્રજ્ઞાઃ ઉષાબહેન ઉપાધ્યાય અભિવાદન ગ્રંથ’નું વિમોચન પણ કરાયું હતું. અપૂર્વ અને યાદગાર સાંસ્કૃતિક ઘટનારૂપ બની રહ્યો હતો આ કાર્યક્રમ.
ઊંમરના પાંસઠમા વર્ષે નિવૃત્તિ જાણે પ્રવૃત્તિનો ઉત્સવ હોય એમ હજી પણ સાહિત્યક્ષેત્રે કંઈ કેટલુંય કરવાની તમન્ના છે ઉષાબહેનમાં. રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને અમદાવાદમાં આવીને ગૂજરાત વિદ્યાપીઠમાં સ્થિરતા અને દ્રઢતાથી, નિર્ધારિત લક્ષ તરફ, સ્વને સંતોષ થાય એ રીતે સતત કાર્ય કરતા રહ્યા છે ઉષાબહેન.
એમના વ્યક્તિત્વમાં સતત સ્ફૂર્તિ, તાજગી, લાવણ્ય અને હસમુખાપણું ઝલકતું રહે છે. વિદ્યાર્થીઓ માટેનો વાત્સલ્યભાવ, તેમની સાથેના કામ કરનારા પ્રત્યેનો સૌમ્ય અને સ્નેહાળ સ્વભાવ અને લેખનમાં સમાયેલી તેજસ્વિતા તથા મંચ પરની પ્રસ્તુતિમાં નોખી પ્રભાવક્તા હંમેશા અનુભવવા મળી છે.
ગૂજરાત વિદ્યાપીઠમાં સુદીર્ઘ સેવા આપનાર ઉષાબહેન કહે છે કે, ‘ચારે બાજુ ઘૂઘવતા ભૌતિક સંસાધનોના મહાસાગરમાં ધબકતી જીવંત તપોભૂમિ એટલે ગૂજરાત વિદ્યાપીઠ.’ અહીં ભણવા આવતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાને પણ ખબર ન પડે એમ એમની ફી ભરીને એમનો અભ્યાસ ટકે એવો પ્રયાસ તેઓએ કર્યો હતો. એમને મન ખાદી એ માત્ર વસ્ત્ર નહીં પણ એક આદર્શ વિચાર છે, જીવનશૈલી છે. વહેલી સવારે જાગીને નિયમિત લેખનકાર્ય કરતા રહે છે. વિવિધ કાર્યક્રમો માટે પ્રવાસ કરતા રહે છે અને પ્રાકૃતિક-આધ્યાત્મિક સ્થળોની યાત્રા પણ કરતા રહે છે. ગુજરાતી સર્જકો માટે ઉપકારક એવો ‘છંદ શાસ્ત્ર’નો સર્ટીફીકેટ કોર્ષ પણ એમણે શરૂ કર્યો હતો. એક શિક્ષક માત્ર નહીં માતૃસ્વરૂપા રૂપે એમણે વિદ્યાર્થીઓને ઓળખ્યા-સમજ્યા અને સાચવ્યા જેથી આજે તેમનો સર્વાંગી વિકાસ પણ થયો છે અને યોગ્ય કારકીર્દી પણ ઘડાઈ છે.
એમના કાવ્યસંગ્રહો, સંશોધનગ્રંથો, સંપાદન અને વિવેચનગ્રંથો, એકાંકી નાટકો, અનુવાદ વગેરે થઈને ૪૦થી વધુ પુસ્તકોમાં સર્જક તરીકેની એમની ભાવ સંવેદના પ્રગટતી રહે છે. વર્ગખંડ બહારનું એમનું મહત્ત્વનું પ્રદાન તે ‘જૂઈ મેળો.’ ગુજરાતના જ નહીં ભારતનાને વિદેશમાં વસતી કવયિત્રીઓને સંગઠિત કરીને ઉષાબહેને તેમને એમના સર્જનો લોકો સુધી પહોંચાડવા પ્લેટફોર્મ આપ્યું.
ઉષાબહેને જ લખ્યું છે ‘શબ્દોએ મને અધરાત-મધરાત જગાડી છે. એસ.ટી. બસની ભીડમાં મારી સાથે અડ્ડો જમાવ્યો છે અને કદીક રોજિંદી ઘટમાળના ચક્રનો એક નિર્જીવ પૂર્જો બની જવાની અણી પણ હું હોઉં ત્યારે સાદ કરીને મને સંભાળી લીધી છે. શબ્દથી વધારે નરવું અને ગરવું સત્ય મને સચરાચરમાં ક્યાંય લાધ્યું નથી.’
ઉષાબહેન જેવા કર્મઠ-સંનિષ્ઠ-જાજરમાન, ઋજુ, સાદગીથી શોભતા આવા વ્યક્તિત્વો દ્વારા થયેલી શબ્દ સાધનાના દીવડાં પ્રગટે ત્યારે અજવાળાં રેલાય છે.