નવું વરસ આપણને નવો આનંદ આપે છે. નવા સંકલ્પો, નવા સપના, નવો પરિચય, નવા કાર્યો, નવા ક્ષેત્રો, અને નવા લક્ષ્ય... નવું વર્ષ શરૂ થાય એટલે જાણે નવો દિવસ ઊગે, નવો સૂરજ નવા અજવાળા લાવે એવી અનુભૂતિ થાય. તન-મનમાં અને માનવીય સંબંધોમાં પ્રેમ-પ્રસન્નતા અને ઊર્જા-ઉલ્લાસ પ્રસરાવે છે નવીનતા.
નવી હવા, નવી સવાર, નવું વાતાવરણ, નવો સમય, નવા ફૂલો ને નવી સુગંધ, પ્રકૃતિમાં બધું જ નવું છે. નૂતન વર્ષમાં જ હોય એમ નહીં, પ્રકૃતિમાં પળ પળ બધું જ નિર્મળ છે. ‘નો રિપિટ’ થિયરી અહીં નવીન વાત નથી કારણ કે અહીં કશુંયે ક્યારેય પુનરાવર્તિત થતું જ નથી. રોજેરોજ જો આપણી સજ્જતા હોય તો આપણને નિત્ય નૂતનતાનો અનુભવ થઈ શકે છે. નવો ઉત્સાહ, નવો વિચાર ને નવા સંકલ્પ આપણી અંદર સંચરી શકે છે.
‘આરંભે શૂરા’ શબ્દને સાર્થક કરવામાં આપણને કોઈ ના પહોંચે, એથી જ મારો તમારો અનુભવ છે કે આપણને કોઈ પણ કાર્યના આરંભ જેટલા ઉત્સાહથી કરીએ એટલો જ અથવા એથી વધુ ઉત્સાહ આગળ જતા રહેતો નથી. વાસ્તવમાં મેદાની રમતોમાંથી શીખીએ તો એક વાર આરંભ થયા પછી તો ગતિ, ધ્યાન કે રસ-રૂચિ વધવા જોઈએ, ક્લાઈમેક્સ પળે તો પૂર્ણ તાકાત લગાડીને મેચ જીતવાની હોય... આપણે નવા વરસે આ ભાવને, આ દૂરંદેશીતાને, આ સ્પિરિટને આપણા પ્રત્યેક કાર્યમાં જોડીએ તો નવું વરસ આપણને શ્રેષ્ઠ એવા નૂતન પરિણામો આપશે જ.
નવા વરસે આપણે બીજાના નહીં, આપણી જાતના જ લેખાંજોખાં કરીએ. આપણને સફળતા ન મળી તો એના કારણો કયા છે? આપણે કારણ વિના બિનજરૂરી સમય ક્યાં અને કેટલો વેડફ્યો? એ જ રીતે આયોજનની અણઆવડતના કારણે આપણા ક્યાં કેટલાં પૈસા વધુ વપરાયા? જરાક વિચારીએ તો જોરદાર ફાયદો આપણને જ મળે એમ છે. આ ફાયદો મેળવવા આપણે આપણી જાત સાથે રોજ સંવાદ કરીએ, નવા વરસમાં સ્વની સાથે દોસ્તી કેળવીએ.
મારી કાવ્યપંક્તિઓ લખવી ગમશે...
નવું વર્ષ છે, નવો સૂર્ય છે
ઊગ્યું નવલ પ્રભાત,
દસે દિશાઓમાં ગૂંજે છે
નવ સર્જનની વાત
પ્રેમ - પ્રાર્થના પ્રસન્નતાથી
તન-મન, પળપળ છલકે,
સહજાવસ્થાના આનંદે
ચહેરો અવિરત મલકે,
આપીને રાજી થઈએ
ને ઊજળી કરીએ જાત.
આપ સહુને વિક્રમ સંવતના વર્ષ ૨૦૭૮ના શુભારંભે શત્ શત્ શુભકામનાઓ, શુભત્વના અજવાળાં આપણે ઝીલતાં રહીએ.