નૂતન વર્ષના નવલા પર્વે પાંચ સંકલ્પો

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 10th November 2020 08:16 EST
 

‘ચલ બેટા આપણે આજે તીથલ જઈ આવીએ... થોડી વાર શંતિધામમાં ધ્યાન કરીશું ને પછી સાંઈબાબાના મંદિરે દર્શને કરીને ઘરે પરત આવશું...’
‘અરે, તમે જઈ આવોને એકલા...’ પૌત્ર જયશીલે હિંમતદાદાને કહ્યું.
જવાબ મળ્યો કે ‘દિવાળીના કામો છે, ઘરમાં એમને કામ કરવા દે, આપણે હમણાં જઈને પરત આવશું...’
રસ્તામાં જયશીલ અને હિંમતદાદા દિવાળીનું મહત્ત્વ - દિવાળી પર્વમાં ઘરની સાથે મનની સફાઈ, દિવાળી નિમિત્તે કોઈને કંઈક ભેટ આપવાની લાગણી અને નવા વર્ષે મંદિરોમાં ને વડીલોને પગે લાગવાની વાતો કરતા કરતા પહોંચ્યા તીથલ. દરિયે ચાલતા ચાલતા દાદાએ કહ્યું, ‘જો, બેટા, નવું વર્ષ હવે શરૂ થશે, તારા અભ્યાસકાળમાં, નોકરી-ધંધામાં ને સામૂહિક, વ્યક્તિગત જીવનમાં ઉપયોગી થાય એવા પાંચ મહત્ત્વના સંકલ્પો તું લઈશ અને બનેતેટલી સચ્ચાઈથી પાળીશ તો તું સુખી થઈશ.’
એટલે પૌત્રએ કહ્યું કે ‘તો કહો મને આ સંકલ્પ વિશે...’
‘સૌથી પહેલો સંકલ્પ તો સમય સાથે જોડાયેલો હોઈ શકે બેટા...’ દાદાએ પૌત્રને કહ્યું એટલે જયશીલ હસતા હસતા કહ્યું, ‘જુઓ, હું એન્જીનિયરિંગ સમજું એટલી સરળતાથી સમજાવો...’ ને દાદાએ દરિયાકિનારે, પથરાયેલી રેતી મુઠ્ઠીમાં ભરી. પછી સહેજ મુઠ્ઠી ઢીલી થઈ ત્યાં તો ધીમે ધીમે કરતાં બધી જ રેતી હાથમાંથી સરી ગઈ... ને એમણે કહ્યું ‘આપણા કિર્તીચંદ્ર વિજયજી મહારાજ સાહેબે લખ્યું છે. આ જાય સમય, ઓ જાય સમય, પકડું પકડું થાય મને, ને હાથતાળી દઈ જાય સમય... બેટા, સમય વહી રહ્યો છે. અમારા સમયમાં કહેતા કે વર્ષો પોણીયા થઈ ગયા, હવે તો અડધીયા થઈ ગયા છે ને એટલે જ એક એક મિનિટ મૂલ્યવાન છે, એમ સમજીને પળ પળને જીવવી જોઈએ.’ દાદા અને પૌત્ર વચ્ચેના સંવાદમાં અર્થપૂર્ણ સમજણ સમાયેલી છે અને એથી જ પ્રથમ સંકલ્પ તો આપણે એવો લઈએ કે આપણા જીવનની એક પળ પણ વેડફીશું નહિ.
હવે આવું થાય ક્યારે? તો જવાબરૂપે તુરંત બીજો સંકલ્પ આવે છે કે આપણા જીવનમાં રોજે રોજ આપણે જાગૃતપણે વિચારીએ કે આપણે આ પૃથ્વી પર શા માટે આવ્યા? આધ્યાત્મિક અને ભૌતિક રીતે આપણે કયા ક્યા કાર્યો કરવાના છે? તેની પ્રાયોરિટી મુજબની દૈનિક - અઠવાડિક - મહિનાની ને વર્ષની જો યાદી બનાવીએ અને તેને ફોલો કરવા પ્રયત્ન કરીએ તો ઘણો ફાયદો થાય છે. મોટા ભાગે એકાગ્રતાથી કોઈ એક કે બે કામ પર ફોકસ કરવાને બદલે આપણે ઘડી આ ને ઘડી આ... એમ કામ કર્યા કરીએ છીએ અથવા તો એક કલાકનું કામ પાંચ કલાકે કરીએ છીએ. સફળ થનારા લોકો પાંચ કલાકનું કામ પૂર્ણ આયોજનબદ્ધ રીતે વહેંચણી કરીને એક કલાકમાં પૂરું કરે છે. બીજો સંકલ્પ એ કે આયોજનપૂર્વક કામ કરીએ.
‘હવે વાત એ સમજાવો કે બીજા પછી ત્રીજો સંકલ્પ કયો કરવો?’ જયશીલે પૂછ્યું એટલે હિંમતદાદાએ સમજાવ્યું કે ‘જો હું બોલીને કહું છું, સમજાવું છું, પણ આપણે બિનજરૂરી બોલવું ના જોઈએ. વાણીમાં અદ્ભૂત અને અપાર શક્તિ છે... કવિએ કહ્યું છે ને કે વિચારીને યાર ઉચ્ચાર વાણી, વાણી પર છે આધાર માનવીનો એટલે ક્યાં? ક્યારે? કેટલું? બોલવું એ વિવેક સાથે બોલવું જરૂરી છે. સંતો આથી જ મૌન રહેવા પર અને શ્રવણ કરવા પર વિશેષ ભારે મૂકે છે.’
ચોથો સંકલ્પ જોડાયલો છે પ્રેમ સાથે. આપણે કોઈને ઉતારી ન પાડીએ, પોતે જ મહાન એવું સાબિત ન કરીએ, ચર્ચા નહિ, સંવાદ કરીએ, સામેના માણસ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીએ તો આપણી અંદર આપોઆપ પ્રસન્નતા પ્રગટશે.
‘અને હવે છેલ્લો સંકલ્પ કહી દો અને પછી નવા વર્ષના શુકનના પૈસા પણ આપો...’ જયશીલે આમ કહ્યું એટલે દાદાએ પહેલા જ એકસો રૂપિયાની કડકડતી નોટ એના હાથમાં મૂકતા કહ્યું કે ‘છેલ્લો સંકલ્પ તે આ પૈસા બચાવવાનો... આપણે ત્યાં કહેવાય છે કે કરકસર એ મોટો ભાઈ છે... કરકસરથી રહેતો માણસ ઓછા પ્રમાણમાં દુઃખી થાય છે, બચત કરી હોય તો તે મુશ્કેલના સમયે કામ આવે છે... આમ નવા વર્ષમાં વર્ષમાં થાય એટલી બચત કરવાનો સંકલ્પ કરીએ તો ભવિષ્યમાં સુખી થઈએ.’
વાતો થઈ પૂરી અને દાદા અને પૌત્ર દરિયાકિનારેથી કારમાં ઘરે આવ્યા... ઘરે આવ્યા એટલે જયશીલની બહેન સીમરને મસ્તીમાં જ પૂછ્યું ‘કેમ ભાઈ, દાદા સાથે દરિયે ફરી આવ્યાને?’
એટલે જવાબમાં જયશીલ કહે ‘ફરી તો આવ્યો પણ જીવનમાં સુખી થવાય એવા નવા વર્ષના પાંચ સંકલ્પો પણ રળી આવ્યો.’

•••

નવું વર્ષ શરૂ થાય એટલે સ્વાભાવિક તન-મનમાં વિચારોમાં નવીનતા આવે. આ સમયે માણસ ભાવિ જીવનના આયોજનો ગોઠવે, લક્ષ નક્કી કરે અને એવા સમયે સફળ થવા માટે સાર્થક થવા માટે વ્યક્તિએ - વ્યક્તિએ અને સમયના કાલખંડમાં પળે પળે જુદા જુદા સંકલ્પો આપણએ કરતા હોઈએ છીએ, કરવા જ જોઈએ. આ નવા સંકલ્પો મને - તમને યોગ્ય પુરૂષાર્થ અને પ્રાર્થના સુધી લઈ જાય અને પછી પરમ પિતા પરમેશ્વર એ પુરા કરે એવી વિક્રમ સંવતના નવા વર્ષના આરંભે શુભેચ્છા આપીએ ત્યારે એ સંકલ્પો થકી ફેલાનારા પરીણામોના અજવાળા રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter