નૂતન વર્ષના પ્રારંભે સહુ કોઇ કરે સંકલ્પઃ યે દિલ માંગે મોર...

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 28th December 2020 07:47 EST
 

વર્ષ ૨૦૨૧નો શુભારંભ થઈ ચૂક્યો છે. મારી કલમ દ્વારા લખાયેલો લેખ આ અખબારના માધ્યમથી આ વર્ષમાં પહેલી વાર આપના સુધી પહોંચી રહ્યો છે. સૌપ્રથમ તો આપ સહુ વાચકોને દિલ સે હેપ્પી ન્યૂ યર... ૨૦૨૧નું વર્ષ તમારા માટે, અમારા માટે, સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી - શુભ બની રહે એ જ પ્રાર્થના અને શુભકામનાઓ.
આ લેખ લખવા માટે ટેબલ પર બેઠો હતો અને ઘરમાં મારો દોસ્ત જસ્મીન અને સાથે હિમાંશુ આવ્યા. વાતો કરી. શું લખવા બેઠો? એમ પુછ્યું. મેં કહ્યું કે નવા વર્ષનો પ્રથમ લેખ લખવા બેઠો છું... તો મને જસ્મીને કહ્યું ‘એક કામ કરો, નવા વર્ષની વાતને જૂના સંદર્ભો સાથે રજૂ કરો.’ ચા-નાસ્તો આવ્યા એટલે અમે વાતોએ વળગ્યા. જતા જતા હિમાંશુ કહે, ‘જુના સંદર્ભમાં શું લેવું એ તું નક્કી કરજે.’ એ બંને ગયા ને મને વિચાર કરતો મૂકતા ગયા.
દરમિયાન રેફરન્સીસ જોતાં જોતાં દાયકાઓ જૂની એડવર્ટાઈઝમેન્ટ ધ્યાને ચડી અને એમાંથી સ્મરણ થયું ૧૯૯૦ના દાયકાના બીજા ભાગમાં બનેલી ઠંડા પીણાની એક જોરદાર - ધમાકેદાર અને યાદગાર જિંગલ્સનું. એ જિંગલ્સની ટેગલાઈન લખી અને નવા વર્ષની વાત કરવી છે. એ ટેગલાઈન પર આખોય લેખ લખવો છે. એ જાહેરખબરમાં જે તે સમયે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ અને હિન્દી સિનેમાના લોકપ્રિય કલાકારોએ એક્ટિંગ કરી હતી. એ જાહેરખબરની ટેગલાઈન હતીઃ યે દિલ માંગે મોર...
૨૦૨૧ના વર્ષમાં આપણે સહુએ આ શબ્દોને આત્મસાત કરવા પડશે. આ ટેગલાઈનમાં જે ચાર શબ્દો છે એને આપણે જીવનમાં ઉતારવા પડશે. યે દિલ માંગે મોર... શબ્દોને નવા સમય પ્રમાણે, નવા વર્ષની માંગ મુજબ નવા વર્ષની જરૂરિયાતોને અનુરૂપ થઈને આપણે જીવવા પડશે. મારા પર જેમનો અપાર સ્નેહ રહ્યો છે એવા કવિ-લેખક શ્રી ભાગ્યેશ જહાએ એમની કોલમમાં લખ્યું છે ‘વિષજાળ બનેલું વર્ષ વીસ-વીસ’. હવે એની અસરોમાંથી મુક્ત થવા પ્રત્યેક માણસે પોતાની અંદર રહેલી શક્તિમાંથી નવા વર્ષમાં આગળ વધવું પડશે.
આજ સુધી જે પુરુષાર્થ કર્યો, પરસેવો પાડ્યો એમાં થોડો More પુરુષાર્થ કરવો પડશે. અત્યાર સુધી જે સપના સેવ્યા અને એને સાર્થક કરવા જે અને જેટલા સાહસો ખેડ્યા તેમાં થોડું MORE આગળ જવું પડશે. અત્યાર સુધી આપણે જે જીવનશૈલી અપનાવી, સાવ કોરાધાકોર ભૌતિકવાદી બનીને જીવ્યા, પૈસાની દોટમાં પ્રેમ-પ્રાર્થના પરિવાર માટેનો સમય ચૂક્યા એ સ્થિતિમાં થોડો MORE બદલાવ લાવવો પડશે. બુદ્ધિથી જીવ્યા વિના છુટકો નથી પણ, દિલથી પણ થોડું MORE જીવવું પડશે.
વાસ્તવિક સ્થિતિનો સ્વીકાર કરીને, આર્થિક આવક-જાવકના હિસાબો માંડીને થોડી વધુ કરકસરથી જીવવું પડશે. જરૂરી અને બિનજરૂરી વસ્તુઓની યાદી MORE ગંભીરતાથી તૈયાર કરવી પડશે. ખર્ચાઓ પર થોડોક વધુ - MORE અંકુશ લાવવો પડશે.
અસ્તિત્વના-પરમેશ્વરના જે સ્વરૂપોને માનતા હોઈએ એ સ્વરૂપ સમયથી થોડી વધુ - MORE પ્રાર્થના કરવી પડશે. આપણા પરિવારને થોડો વધુ - MORE સમય આપવો પડશે. આપણી જાતને આપણા શોખને માટે MORE સમય આપવો પડશે. પ્રિયજનો સ્વજનોને થોડો વધુ - MORE પ્રેમ કરવો પડશે અને જ્યાં જ્યાં આપણી ચેતના-શ્રદ્ધા જોડાઈ હોય એ થાનક કે એ સદ્દગુરુ સાથે થોડોક વધુ ભરોસાને સમર્પિત કરવો પડશે. યે દિલ માંગે મોર... બસ જ્યાં જ્યાં સાહસ છે - હિંમત છે, પુરુષાર્થ છે, પ્રેમ છે, સેવાનો સંયમ છે, ઊર્જાનો ઉલ્લાસ છે ત્યાં ત્યાં થોડા વધુ - MORE પ્રયત્નો કરવા પડશે.
હું પણ એવું કરવાનો સંકલ્પ લઉં અને આપનું જીવન પણ આપના સંકલ્પોથી સાકાર હો એવી શુભકામના.

•••

નવા વર્ષ નીમિત્તે લખાયેલા મારા ગીતની પંક્તિનો ઉઘાડઃ
ઉર્જા ઔર ઉલ્લાસ લીયે નિકલી હૈ નૂતન ભોર,
ફૈલ ચુકી સુરજ કી કીરને તું ચલ, ઉજાસ કી ઔર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter