અદભૂત કાર્યક્રમ... નૃત્ય અને ગુજરાતી ગીતોનો આવો સમન્વય અમે પહેલી વાર જોયો... નૃત્યકાર અને સૂત્રધારનું પરફેક્ટ પરફેક્શન હતું આ કાર્યક્રમમાં....
આ અને આવા ઉત્સાહપૂર્ણ – ઉલ્લાસપૂર્ણ અનેક પ્રતિભાવો અમને મળ્યા અને અમારા માટે એ દિવસ જાણે ઉત્સવની ઊજવણીનો બની ગયો. એક કલાકાર માટે, એની પ્રસ્તુતિ થકી શ્રોતા - દર્શક રાજી થાય, એ રાજીપો વ્યક્ત કરે અને સામેથી પુછીએ કે ‘કાંઈ ખૂટતું હોય તો કહો’ ત્યારે એમ જવાબ મળે કે ‘ચોવીસ આની સોના જેવો કાર્યક્રમ છે’ તો કલાકાર માટે તો અંતરમાં ઉત્સાહ-ઉલ્લાસનો દરિયો હિલ્લોળા જ લે ને!
હા, સામે જ દરિયો ને ચોપાટી દેખાય એવા ભારતીય વિદ્યાભવનના સભાગૃહમાં તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમ સમયની આ શબ્દ પ્રસ્તુતિ છે. વાત જાણે એમ કે ગુજરાતના જાણીતા નૃત્યગુરુ ચંદન ઠાકોર પર એક ફોન આવે છે કે ‘મુંબઈમાં આવીને તમે ભરતનાટ્યમ નૃત્યશૈલીના નર્તન સાથે ગુજરાતી ભાષાના કાવ્યોની પ્રસ્તુતિ કરો એવું અમારું નિમંત્રણ છે.’ અને ચંદને આ વાત ઝીલી ને તારીખ 31 માર્ચ - રવિવારે સવારે આ કાર્યક્રમ ગોઠવાયો. સાહિત્ય-કલા સંપદા અને ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્ર દ્વારા એ કાર્યક્રમમાં સૂત્રધાર તરીકે મને જોડાવાનો અવસર મળ્યો અને એ નિમિત્તે વિશેષ વાંચન – મનન – અભ્યાસ પણ થયો.
એક નોંધ એવી મળે છે કે ગુજરાતમાં ભરતનાટ્યમ્ નૃત્ય શૈલીનો આરંભ વડોદરાથી થયો. ગુજરાતી ગીત પર પદમમાં કોઈ રચના રજૂ થઈ હોય એવો પ્રસંગ પ્રથમ વાર નવસારીના મંદિરમાં થયાનું પણ વાંચવા મળે છે જે ગીતના શબ્દો હતા ‘કાનો મારો ગૌ ચારીને...’ એ પછી ગુજરાતી ગીતસૃષ્ટિને ભરતનાટ્યમ્ નૃત્ય સાથે જોડનારા કલાગુરુઓમાંના એક એટલે કલાગુરુ ઈલાક્ષીબેન ઠાકોર. 1960થી કાર્યરત એમની સંસ્થા નૃત્યભારતીના કાર્યને હાલ એમના સુપુત્ર ચંદન ઠાકોર આગળ વધારી રહ્યા છે. જે કાર્યમાં ચંદન ઠાકોરના પત્ની અને નૃત્યાંગના નિરાલી ઠાકોરનો કદમ કદમ પર સહકાર મળી રહ્યો છે. 32 વર્ષની કારકિર્દીમાં ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ 30 હજાર વિદ્યાર્થિનીઓએ તાલીમ મેળવી છે અને તેમણે દેશવિદેશમાં 2500થી વધુ કાર્યક્રમો આપ્યા છે.
પ્રાચીનકાળથી નૃત્યની ગતિનો ઉપયોગ હૃદયની લાગણીને વ્યક્ત કરવા, વાર્તા કે કથા સંભળાવવા, ઈતિહાસ અને પૌરાણિક કથાનું વર્ણન કરવા થતો રહ્યો છે. નૃત્ય એક અર્થમાં માનવ મનની અભિવ્યક્તિનું રસમય દર્શન છે. સાહિત્યમાં શબ્દ દ્વારા વ્યક્તિગત અને સામૂહિક રીતે સમાજજીવનમાં જે અનુભવાય છે, જે જીવાય છે તે પ્રતિબિંબિત થાય છે. આમ આ કાર્યક્રમમાં નૃત્ય અને શબ્દનો સમન્વય થતા દર્શક શ્રોતાઓ માટે તો જાણે ગીત – સંગીત – નૃત્ય – શબ્દ અને એના થકી પ્રાપ્ત પ્રસન્નતાઓનો પ્રસાદ પામવાની અનુભૂતિ થઈ હતી.
ગણપતિ ગજાનનની પરંપરાગત સ્તુતિ, પંચાયતન પૂજામાં ગણેશ, શિવહરિ, ભાસ્કર, અંબાની ઉપાસના, શ્રીકૃષ્ણની ગોવિંદલીલા, શિવસ્તુતિ, નરસિંહ મહેતા, રમેશ પારેખ, કવિ ભાલણ, અવિનાશ વ્યાસ અને ભાગ્યેશ જ્હાની કાવ્યરચનાઓ પર અદભૂત નૃત્ય પ્રસ્તુતિમાં નૃત્યભારતીના કલાકારો જોડાયા હતા. મને પણ ભરતનાટ્યમ્ નૃત્ય શૈલી, માનવજીવનમાં નૃત્યનું મહત્ત્વ, વિવિધ કવિઓની કવિતાનું રસદર્શન વગેરેની પ્રસ્તુતિનો આનંદ આવ્યો.
1994ના વર્ષમાં અમે ભાવનગરથી ‘માધુરી’ ગ્રૂપના કલાકારો પ્રથમવાર મુંબઈ તેજપાલ ગૃહમાં ‘આયખું’ કાર્યક્રમ રજૂ કરવા ગયા ત્યારે ‘સ્વરગુર્જરી’ સંસ્થાના નિમંત્રક સભ્યોમાંના એક શ્રી નિરંજન મહેતા આ કાર્યક્રમના આયોજક – નિમંત્રક પૈકીના એક હતા. આમ બરાબર 30 વર્ષે ફરી એક વાર આ રીતે એમની સાથેના સંસ્મરણો તાજા થયાં. જાણીતા કવિ શ્રી ઉદયન ઠક્કર પણ આયોજનમાં સાતત્યપૂર્ણ રીતે જોડાયેલા રહ્યા અને વ્યવસ્થા તથા આયોજનમાં શ્રી અજિંક્ય સંપટની સહાય મહત્ત્વની બની રહી હતી. મુંબઈની ચોપાટી પર ફરવાનો આનંદ લઈને, નવા નિમંત્રણો લઈને અમે પાછા ફર્યા ત્યારે અમે નર્તન અને સૂર – શબ્દના અજવાળાંને ઝીલીને રોમાંચિત હતાં.