સ્ટેજ પરના તમામ વક્તાઓએ બંનેની કલા સાધનાને બિરદાવી. બંનેની કારકિર્દીને આવરી લેતી એક સુંદર ડોક્યુમેન્ટરી રજુ થઈ અને દર્શકોએ વખાણી. એમનું સન્માન થયું ત્યારે સમગ્ર હોલ તાળીઓના નાદથી ગુંજી ઊઠ્યો અને એમની કલા સંસ્થાના 25 વર્ષની ઊજવણીનો અવસર યાદગાર બની રહ્યો.
વાત છે ધરા અને આકાશની. એમણે સાથે મળીને સ્ટેજ પર શાસ્ત્રીય અને લોકનૃત્યના કાર્યક્રમોનો આરંભ કર્યો. સાથે મળીને 25 વર્ષ સંસ્થાના કાર્યક્રમો દેશ–વિદેશમાં કર્યા. ખૂબ મહેનત કરી, ખૂબ નામ–દામ–કામ મેળવ્યા અને મા સરસ્વતીની કૃપાના અધિકારી બની રહ્યા.
ધરા અને આકાશ, બંને મહાનગરની એક જ કોલેજમાં સાથે દાખલ થયા હતા. એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. યુવક મહોત્સવોમાં બંને સાથે ભાગ લેતા હતા. ધરાના ગમતા વિષયો વકતૃત્વ–ગાયન અને શાસ્ત્રીય નૃત્ય હતાં તો આકાશને પણ વકતૃત્વ–નાટ્ય અને લોકનૃત્યોનો જબરો શોખ હતો. પ્રથમ વર્ષ દરમિયાન તો પ્રાથમિક પરિચય જ થયો હતો. બીજા વર્ષે ધરાએ શાસ્ત્રીય નૃત્યમાં અને આકાશને લોકનૃત્યોમાં કાઠું કાઢ્યું અને ઈનામો જીત્યા. છેલ્લા વર્ષની એ યુવક મહોત્સવની સાંજ આજે પણ એ બંનેને બરાબર યાદ હતી. બેસ્ટ ડાન્સરના એવોર્ડ જાહેર થયા તો એ બંને વિજેતા થયા સંયુક્ત રીતે. બંનેએ સાથે એવોર્ડ સ્વીકાર્યો.
અહીંથી એમની પ્રગાઢ મૈત્રીનો આરંભ થયો. બંને જ્યાં જાય ત્યાં લગભગ સાથે જ હોય, બંનેના પરિવારો પણ એકબીજાની નજીક આવ્યા હતા. એક નોરતાની રાત તો ધરાને બરાબર યાદ છે. ગરબા રમ્યા પછી મોડી રાત્રે એ ધરાના બંગલે ઉતારવા ગયો. એના મમ્મીને દરવાજો ખોલતાં વાર લાગી, ધરાએ કહ્યું, ‘તું નીકળ... ચિંતા ન કર.’ અને આકાશે કહ્યું, ‘જે વિશ્વાસે તારા મમ્મીએ મારી સાથે મોકલી છે એ વિશ્વાસે, એને જ સોંપી જઈશ.’ ધરાને આકાશની આંખોમાં રહેલો મૈત્રીનો આ ભાવ સ્પર્શી ગયો. કદાચ આ મૈત્રીના મૂળમાં પરસ્પર પ્રત્યોનો બંનેનો પ્રેમ હતો. પરસ્પર બંને માટેનું સન્માન હતું. ઘણા લોકોને એવું લાગતું હતું કે એ બંને હવે પરણી જ જશે, પણ એ બંનેએ ક્યારેય એ દિશામાં વિચાર્યું જ નહોતું.
એ બંને તો એમના ભણવામાં, જીવનને માણવામાં ને મૈત્રીમાં જ ગળાડૂબ હતા. એટલે જ પ્રેમના અને મૈત્રીના ભાવને અખંડ પામીને, જીવીને બંને સાથે રહ્યા. ધરાએ શાસ્ત્રીય નૃત્યમાં અને આકાશે લોકનૃત્યમાં નામના મેળવી. બંનેનો માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ થયો, એ વર્ષે સાથે મળીને તેઓએ એક કલા સંસ્થાની સ્થાપના કરી. એમના પરિવાર અને મિત્રોનો સપોર્ટ મળ્યો. ધરાને યોગ્ય છોકરો મળ્યો, લગ્ન થયા, અમેરિકા સ્થાયી થઈ. અહીં આકાશે પણ યોગ્ય પાત્ર સાથે લગ્ન કર્યાં. વ્યવસાય સાથે સંસ્થાના કાર્યક્રમો ચાલુ રાખ્યા. ધરા વર્ષમાં બે-ત્રણ વાર આવે, આકાશમાં પણ દેશ–વિદેશ જાય. બંનેના ઘરમાં સંતાનો થયા, એ પણ મોટા થયા. ધરા હવે ફરી એ જ શહેરમાં સ્થાયી થઈ હતી. એ દરમિયાન જ 25 વર્ષની ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ સંચાલનની ભૂમિકામાં ધરાના પતિ અને આકાશની પત્ની જ હતા. એમણે સાચ્ચે જ કહ્યું છે ‘અમે અમારા બેટર હાફને જેટલા ઓળખીએ છીએ એનાથી વધુ આ બંને એકબીજાને ઓળખે છે. ધરા અને આકાશ આમ બહુ છેટા લાગે, દૂર લાગે પણ મૈત્રીના માંડવે એ બંને એકાકાર થયા છે.’
સાચ્ચે જ જીવનમાં જ્યારે જ્યારે આવા પાત્રો મૈત્રીને અનુભવે, દાયકાઓની મિત્રતાનો અનુભવ જીવી જાણે ત્યારે પરમ તત્વની કૃપાનો અનુભવ થાય. એમાં પણ જ્યારે સ્ત્રી-પુરુષની મિત્રતા હોય ત્યારે તો આ વાત વધુ સ્પર્શે. મૈત્રી એટલે મૈત્રી એમાં કોણ પુરુષને કોણ સ્ત્રી? સામેનું પાત્ર ખુશ રહે... બસ એટલું જ ભગવાન પાસે માંગવાનું. મૈત્રીમાં જ્યારે તમે કોઈ સંકોચ વિના બે ખુલ્લા હાથે વળગી શકો, એના માથે વહાલથી હાથ ફેરવી શકો, એને વહાલથી ચુમી શકો, એને મળીને મનમાં નૃત્યનો ભાવ જાગે, હૈયું ગમતાં ગીતો ગાઈ ઊઠે તો માનવું કે આ પરમ તત્વની કૃપાથી પરમ મૈત્રી પાત્ર થઈ છે. પરસ્પરનું કલ્યાણ ઈચ્છનારી આવી મૈત્રીના દીવડાં ઝળહળે ત્યારે એ મૈત્રીના અજવાળાં રેલાય છે.