‘ના બેટા, હવે આટલા વર્ષો બાદ આ ઊંમરે ફરીથી મુંબઈ મહાનગરમાં રહેવાનું મન ના ફાવે... હું અમદાવાદમાં જ બરાબર છું.’ બંકિમભાઈએ દીકરી-જમાઈને કહ્યું.
‘તો પછીનું આયોજન અમે વિચારી રાખ્યું છે, અમે મુંબઈ છોડીને અમદાવાદમાં સ્થાયી થઈશું.’ દીકરી-જમાઈએ જવાબ આપ્યો.
કલા અને સંસ્કૃતિનું પિયર ગણાતા ગામ ભાવનગરમાં બળભદ્રભાઈ મહેતા અને તરલિકાબહેન મહેતાના પરિવારમાં પુત્ર રૂપે બંકિમભાઈનો જન્મ થયો તા. ૨૪-૧૧-૧૯૪૨ના રોજ. જન્મ પછી તુરંત જ માતા-પિતા સાથે સ્થાયી થયા મુંબઈમાં.
બેચલર ઓફ આર્ટ્સ વીથ ઈકોનોમિક્સ અને પછીથી પોતાની રૂચિના વિષય પબ્લિક રિલેશન એન્ડ એડવર્ટાઈઝમેન્ટમાં ડિપ્લોમા અભ્યાસ કર્યો. ભારતીય વિદ્યા ભવનમાંથી ‘આરસી’ નામના મેગેઝીનમાં પત્રકાર તરીકે કર્યું, અનુભવ મળ્યો. નાગપુરથી પ્રસિદ્ધ થતા નવભારત હિન્દી અખબાર માટે કામ કરવા ૧૯૬૫માં અમદાવાદ આવ્યા. સમય જતાં લાગ્યું કે પત્રકારત્વ રસનો વિષય જરૂર બની શકે, પરંતુ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવી નથી. દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી થવાની જાણકારી થઈ, એપ્લાય કર્યું અને પસંદ પણ થયા. આમ ૧૯૬૫થી એસબીઆઇમાં જોડાયા.
નોકરીમાં સેટલ થયા એટલે સ્વાભાવિક રીતે લગ્નજીવનની વાત સમય જતા આવી. મૂળ પાટણના વર્ષાબહેન સાથે ૧૯૭૧ના મે મહિનામાં લગ્નગ્રંથિથી જોડાયા. દીકરી નેહાનો જન્મ થયો અને પરિવારમાં આનંદ આનંદ છવાઈ ગયો. ધીમે ધીમે પા-પા પગલી ભરતી અને ઘરઆખાને પ્રસન્ન રાખતી દીકરીએ અમદાવાદમાં શારદા મંદિર અને એચ. એલ. કોલેજમાં અભ્યાસ કર્યો. બાળપણથી પરિવારમાં સંગીત-સાહિત્યનું વાતાવરણ એને મળ્યું હતું એટલે નેહાને પણ સ્કૂલ-કોલેજ લાઈફમાં વાંચન-નૃત્ય-ગરબા-સંગીત-વકતૃત્વ વગેરેમાં વિશેષ રસ પડ્યો. અનેક ઈનામો અને પુરસ્કારો પણ મેળવ્યા.
૧૯૯૮માં એના લગ્ન થયા ચિંતન જટિલભાઈ મહેતા સાથે, જે આઈટી ફિલ્ડમાં કામ કરતો હતો. બંને દિલ્હી સેટલ થયા. થોડા વર્ષો બાદ મુંબઈ શિફ્ટ થયા. સંહિત નામે દીકરાનો જન્મ થયો.
દરમિયાન જાન્યુઆરી ૨૦૦૭માં બંકિમભાઈના પત્નીનું અવસાન થયું. જમાઈએ પુત્રરૂપે ભાવનાત્મક વાતાવરણમાં ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી. બે-ત્રણ કે ચાર દિવસ થયાં. બંનેએ પોતાના મનમાં ચાલતી વાત આખરે બંકિમભાઈ પાસે પ્રગટ કરી દીધી. ‘પપ્પા, અમે બંને ઈચ્છીએ છીએ કે હવે તમે અમદાવાદમાં એકલા ન રહો, અમને અને સંહિતને બહુ આનંદ થશે. તમે હવે અમારી સાથે મુંબઈ રહેવા આવી જાઓ. પપ્પા, તમે તો બે દાયકા રહ્યા છો.. મુંબઈમાં તમને અજાણ્યું નહીં લાગે.’ ત્યારે એમની વચ્ચે લેખના આરંભે લખેલો સંવાદ થયો. દીકરી-જમાઈએ કહ્યું એ કર્યું. બંનેએ અમદાવાદમાં કામ શરૂ કર્યું. દીકરાનું એડમિશન લીધું અને બંકિમભાઈના જીવનમાં મહત્ત્વનું પ્રેમબળ પુરવાર થયા.
•••
ઘણી વાર માત્ર દીકરીઓ હોય તેવા માતા-પિતા દીકરીના લગ્ન કરે પછી જમાઈ દીકરાની જેમ રહેતો જોવા મળે તો લોકો આનંદથી કહે છે, ‘તમે તો દીકરી આપીને દીકરો લીધો.’ આમાં આપવા-લેવાનું નહીં, રોજિંદા જીવનમાં એકબીજા માટે, પરિવાર માટે સમર્પિત થવાનું - ભાવનાત્મક પાસું સૌથી વધુ મજબૂત રીતે પ્રગટતું હોય છે. પત્નીના મૃત્યુ પછી એકલા પડી ગયેલા પિતા માટેની દીકરીની લાગણી સમજી શકાય, પરંતુ જ્યારે એમાં જમાઈ પણ શત-પ્રતિશત્ સૂર પુરાવે અને સમય આવે કારકિર્દી માટેનું ગામ બદલીને પણ પપ્પા સાથે જ રહે, એમની સંભાળ લે એ વાત જ પ્રસન્નતાની છાલકોથી ભીંજવી દેનારી છે.