પર્વ... શબ્દ જ આપણા અસ્તિત્વમાં પ્રસન્નતા પ્રેરે છે. લૌકિક પર્વ આ ભવની ચિંતા કરાવે, અલૌકિક પર્વ ભવભવની ચિંતા કરાવે ને એમાંથી ઊગારે. પર્યુષણ એ અલૌકિક પર્વ છે, સમ્યક દર્શનની શુદ્ધિ પ્રગટાવે છે, ચૈતન્યનો પ્રકાશ પાથરે છે. પરિ+ઉષણ શબ્દ વિશ્વશાંતિનો સંદેશ આપે છે. સંસારની મોહમાયામાં જીવતો જીવ મહાપર્વના દિવસોમાં જૈન વિચારધારાને અનુસરીને દિવ્ય જીવન તરફ ગતિ કરે છે. આપણી સ્વકેન્દ્રીત જીવન પદ્ધતિને સર્વકેન્દ્રી બનાવે છે. અરિહંતોની વિચારધારા ખમાવતા શીખવે છે અરિહંતોનો સંદેશ. ભગવાન મહાવીરે ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે ‘ધર્મ એ સ્વભાવ છે...’
ભારતમાં જૈનો દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરાપંથી એમ ચાર પંથોમાં વહેંચાયેલા છે. રાજ્ય વહીવટ સાથે પ્રાચીન કાળથી જૈનોનું જોડાણ રહ્યું છે. દિવાન, સેનાપતિ, શ્રેષ્ઠી, ઝવેરી, કોષાધ્યક્ષ વગેરે રૂપે તેમણે કામ કર્યું છે. વ્યાપારી પ્રજા હોવાના લીધે ધાર્મિક - સામાજિક - રાજકીય - આર્થિક એમ અનેક ક્ષેત્રોની સાથે સાથે સાહિત્ય - ન્યાય - શિક્ષણના પ્રસારમાં પણ એમનું મહત્ત્વનું યોગદાન છે. શ્રમણોએ સાહિત્યનો અપાર ભંડાર આપણને ભેટરૂપે આપ્યો છે.
અહિંસા - સત્ય - અસ્તેય - બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતો તેઓ ધારણ કરે છે. વ્રત અને નિયમોનું પાલન કરે છે. જૈન ધર્મ મૂળમાં આત્માનો ધર્મ છે. અહિંસા એની પરિપાટી છે અને અનેકાંત એની પરિભાષા છે. આત્માને ઓળખવા માટે અભય, અહિંસા ને પ્રેમ માણસે પોતાના સ્વભાવનો અંશ બનાવવાના છે. મનને શુદ્ધ કરવાનું છે અને કષાયોને દૂર કરવાના છે, વિષયોને જીતવાના છે. બાહ્ય શુદ્ધિની સાથે આંતરશુદ્ધિ પણ કેળવવાની છે.
અભ્યાસુઓ કહે છે કે જૈન ધર્મની સર્વવ્યાપક્તા એના સિદ્ધાંતોને કારણે છે. આ ધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે. વિજ્ઞાનનું સત્ય લેબોરેટરીમાંથી આપણા સુધી પહોંચે છે અને જીવનનું સત્ય જૈન તીર્થંકરો અને મહાન વ્યક્તિત્વોની જીવનશૈલીમાંથી પ્રગટે છે. શાકાહાર, ઉપવાસ, સાંજે વહેલા ભોજન, પર્યાવરણની જાળવણી જેવા અનેક વિચારોના મૂળમાં અંતે તો વિજ્ઞાન જ સમાયેલું છે.
નવકારના કુલ ૬૮ અક્ષર છે. એથી ગવાયું છે કે,
અડસઠ અક્ષર એના જાણો,
અડસઠ તીરથ ધામ...
મંત્ર માહે મોટો કહ્યો એ,
લાખ ગુણે મન રંગ
તીર્થંકર પદ તે લહે એ,
શ્રી નવકારને સંગ...
જૈન ધર્મનું મહત્ત્વનું પ્રદાન તે આહારશુદ્ધિ ક્ષેત્ર છે. આપણે ત્યાં કહેવત છે કે, ‘જેવું અન્ન તેવું મન’. આહારથી શુદ્ધિ થકી જ વિચારની શુદ્ધિ થાય છે એ જ રીતે માર્ગાનુસારી નીતિના ૩૫ ગુણોનો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે એને અનુરૂપ જીવન જીવવાથી જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધિથી બચીને શાંતિમય રીતે જીવી શકાય છે.
ભગવાન મહાવીરે એક એવા સમાજનું નિર્માણ કર્યું જેમાં કોઈનું શોષણ ન હોય, જૈન ધર્મના તત્વજ્ઞાન - સાધના - સાહિત્ય - ઈતિહાસ સાધુઓની સાધનાનો અભ્યાસ કરીએ ત્યારે આપણને જણાય છે કે મહાવીર સ્વામીના વિચારો આજે પણ એટલા જ અનુસરણીય છે.
તારે તે તીર્થંકર... એ અર્થમાં આજે આપણા જીવનને શુદ્ધ કરવામાં તીર્થંકરોની વાણી અને સંદેશને ઝીલીએ... પર્યુષણના પર્વમાં એમના વિચારોને આત્મસાત્ કરીએ તો સમગ્ર જૈન પરંપરાના, જનકલ્યાણ માટેના વિચારોના દીવડાં પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.