‘આ માણસ એક મિત્ર તરીકે આખી જિંદગી સાચવવાનું મન થાય અને એની દોસ્તીનો અહેસાસ અનુભવીએ એવું અમૂલ્ય ઘરેણું છે.’ ગાંધીનગરસ્થિત સ્વજન મનોજ શુક્લે આ વાક્ય જેમના માટે કહ્યું એ વ્યક્તિ એટલે વાસુદેવસિંહ સરવૈયા. ભાવનગરમાં રહીને એમણે આખાયે દેશના ખૂણેખૂણે દોસ્તીનો સેતુ બાંધ્યો છે. મૂળ ગામ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું સાંગાણા. માતા હીરાબા અને પિતા જીતુભાનું સંતાન વાસુદેવસિંહ સરવૈયા એટલે પળ પળ પ્રકૃતિનો અને મૈત્રીનો માણસ. સાહસ અને સંવેદનાનો માણસ. કસરત અને કલાપ્રેમી માણસ, વોકિંગ અને વહાલનો માણસ.
ભાવનગર યુનિવર્સિટીમાં મારા અભ્યાસ સમયે વિદ્યાર્થી કલ્યાણની પ્રવૃત્તિઓના ભાગરૂપે યોજાતા રમતગમત અને સાંસ્કૃતિક આયોજનના ભાગરૂપે થયેલો એમની સાથેનો પરિચય આજે પારિવારિક સ્નેહની ભીનાશ સાથે ચારેક દાયકાનો સમય પસાર કરીને અમૂલ્ય એવો દોસ્તીનો વૈભવ બની રહ્યો છે. સાત ધોરણ સુધી સાંગાણામાં ભણ્યા ને ૮થી ૧૦ ઠળીયાની શાળામાં ભણ્યા. એ દિવસો યાદ કરતાં વાસુદેવસિંહ કહે છે કે ‘એ સમયે શાળાએ જતાં-આવતાં રોજ બાર કિલોમીટર ચાલતો, ત્યારથી ચાલવાની આદત પડી ગઈ ને મારી ઈચ્છા છે કે જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલતો જ રહું, ચાલતો જ રહું...’
આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ને શામળદાસ કોલેજમાં ભણ્યા, બી.એ. અને એમ.એ., એલ.એલ.બી., ડીપ્લોમા ઈન જર્નાલીઝમ, ડીપ્લોમા ઈન પોપ્યુલેશન એજ્યુકેશન, ડીપ્લોમા ઈન ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન, ડોક્ટર ઓફ નેચરોપથીનું ભણ્યા. હસતાં હસતાં વાસુદેવસિંહ કહે છે કે, ‘હું ભાવનગર યુનિવર્સિટીમાં તેર વર્ષ ભણ્યો. મારું શાહબુદ્દીન રાઠોડની વાતના પાત્ર વનેચંદ જેવું છે, બધા સાથે હું ભણ્યો.’
અમારી ચાર દાયકા જૂની દોસ્ત નલીની કહે છે કે ‘એને પૂછો કે તમે નોકરી ક્યાં ને કેટલી કરી?’ તો એના જવાબમાં અસ્ખલિત હસતાં હસતાં વાસુદેવસિંહ કહે છે ‘એનુંયે લાંબુ લીસ્ટ છે, હીરા ઘસ્યા, હોમગાર્ડ ડ્યુટી કરી, પોલીસમાં, પોસ્ટમાં, તલાટી-મંત્રી રૂપે, આરોગ્ય વિભાગમાં... આટલી નોકરી કરી.’
હવે આટલા વ્યાપ પછી આ માણસના આટલા બધા દોસ્તો હોય જ, તો એમાં એમના રસના વિષયો ઉમેરીએ એટલે દોસ્તોનું વર્તુળ વધુ મોટું થશે. એન.સી.સી., એન.એસ.એસ., વ્યક્તિત્વ વિકાસ, યુનિવર્સિટીની વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, યોગ, સાહસ, ટ્રેકિંગ, પર્વતારોહણ, સાઈકલ, અધ્યાત્મ, શ્રમ, રાજકારણ, રમતગમત, સામાજિક અને રાષ્ટ્રીય એકતા, સંગીત... આપણે ચકરાવે ચડી જઈએ કે આ આવા અનેક ક્ષેત્રોમાં સતત જીવંત કેમ રહી શકતો હશે?
આ પ્રશ્નના મૂળમાં છે એમની સહજ અને નિઃસ્વાર્થ દોસ્તી, માનવતા, શોખ, પત્ની અને પરિવારનો પ્રેમ ને પરમાત્માની કૃપા. એમના પત્ની જે હમણાં જ શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા એ માયાબા એમના દામ્પત્યજીવનના દિવસોને યાદ કરતા કહે છે, ‘સવારે યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર જાય, આખો દિવસ નોકરી કરે, જમીને પાછા તમારા જેવા કલાકારોના કાર્યક્રમોમાં જાય, રાત્રે... કહો કે વહેલી સવારે જે તે સમયનું સૌરાષ્ટ્ર સમાચાર (હવે દિવ્ય ભાસ્કર) અખબાર વાંચીને ચા-નાસ્તો કરીને ઘરે આવે, બહારગામ જાય તો ક્યારે પાછા આવે એ તમારા ભાઈબંધ જ જાણે! ભાઈબંધોને ઘરે જમવા બોલાવે ને એ તો પાછા બહાર હોય...’ વાતના દોરમાં જોડાતા મારા પત્ની મનીષાએ કહ્યું, ‘તે તમે વાસુદેવભાઈને કાંઈ કહ્યું નહીં?’ એટલે હસતાં હસતાં કહે, ‘આ બધાય ભાઈબંધો સરખા જ છે, તમારા અનુભવો વળી ક્યાં જુદા છે?’ વાસુદેવસિંહ એના જવાબમાં કહે છે, ‘મારા પત્નીને કારણે મારી પ્રવૃત્તિ-સંબંધોને શોખ સચવાયા છે.’
દીકરો કિશનસિંહ પર્યાવરણ ક્ષેત્રે કારકીર્દી બનાવીને આગળ વધી રહ્યો છે પણ ક્યાંયે પોતાના નામનો ઉપયોગ નથી કરતો એનું ગૌરવ વાસુદેવસિંહને છે. પુત્રવધૂ નીધિબા તો હોંશેહોંશે કહે છે કે ‘હું પિયરમાં સચવાતી હતી એથી વધુ વાત્સલ્ય સાથે અહીં સચવાઉં છું.’
વાસુદેવસિંહના લગ્ન સમયે જે મળે એમને એમણે નિમંત્રણ આપ્યા હતા ને એ બધાયે આવ્યા પણ હતા, દીકરાના લગ્નમાં પણ એ જ સીલસીલો કાયમ રહ્યો. ગરમાગરમ ગાંઠિયા-ચા ને દેશી ભોજનના પ્રેમી. એમના માટે એમ કહેવાય કે ‘મળ્યા માણહે વાસુદેવસિંહ ચા પીવે’ માત્ર પીવે જ નહીં, ચા પીવડાવે. સાંજ પડે કોઈ મહેમાન ઘરમાં ન આવ્યું તો એમને સોરવે નહીં. ઘરમાં ચા પીવેને પાછા લારીએ-કેબિને ચા પીવા જાય. ત્યાં કો’ક તો મળશે ને! એનો જીવ જ જાણે ભાઈબંધ ભૂખ્યો. ભાઈબંધ ભાળેને ભેટી પડે...
વાસુદેવસિંહની સમગ્ર જીવનયાત્રામાં જાણીતા યોગ શિક્ષક અને અમારા સહુના આદરણીય શ્રી રમુભા જાડેજા સાહેબનું બહુમૂલ્ય પ્રદાન છે. ભારતમાં હિમાલયની યાત્રા એમણે ૭૦ વાર કરી છે, રણ-દરિયા-પર્વતો ને જંગલોમાં ફર્યા છે ને પરિવાર-મિત્રોને સાથે આજે પણ લઈ જાય છે. બાયપાસ કરાવ્યા બાદ પણ ૧૮ હજાર ફૂટે જઈ આવ્યા છે. માઈનસ બાર ડિગ્રીમાં પણ રહ્યા છે ને એના કોઈ ઢોલ પીટતા નથી.
મિત્રો, જે કોલેજકાળથી સાથે રહ્યા એમનું સ્મરણ કરીએ તો કોને યાદ કરું ને કોણ યાદ ન આવે? આવનારા દિવસોમાં જે તે સમયના મિત્રો ભેગા થઈ રહ્યા છે, ત્યારે દોસ્તો સાથેની પળો માટે વાસુદેવસિંહે કહ્યા એ શબ્દો લખવા ગમે. ‘પૈસાથી જે ક્યારેય ન પામી શકાય એવો જલસો જિંદગીમાં જે આપણે કરી શકીએ તો એ માત્રને માત્ર મિત્રો સાથે જ હોય છે.’ મૈત્રીના આવા અજવાળાંને પ્રતિ પળ ઝીલતા રહીએ.