‘કૃષ્ણ વિશે, શ્રીજી સ્વરૂપ વિશે વાતો કરજો અને આનંદ કરજો.’
દુરદર્શનના અધિકારી અને અભિનેતા-ગાયક અરુણ રાજ્યગુરુએ ફોન કર્યો અને પહોંચ્યા અમદાવાદના રિલીફ રોડથી અંદર ઝવેરી વાડમાં અને પછી દોશીવાડાની પોળમાં આવેલી ગૌસ્વામી હવેલીમાં. નટવર પ્રભુજીનું દિવ્ય સ્વરૂપ... આનંદ-આનંદ થયો. અહીં સવા બસો કરતાં વધુ વર્ષથી અખંડ દીપજ્યોતિ પ્રજ્વલિત છે. જેના દર્શને હજારો ભક્તો નિયમિત રીતે આવે છે. કલ્યાણી કૌઠાળકર, નયન પંચોલી અને ભગવતીપ્રસાદ ગાંધર્વ.
ઈતિહાસના સુવર્ણપૃષ્ઠો પર લખાયેલી ઘટનાઓનું સ્મરણ કરતા પૂજ્ય વ્રજઆભરણ બાવા કહે છે કે નટવર પ્રભુજીનું આ સ્વરૂપ જોધપુર, રાજસ્થાનમાં હતું. સંવત ૧૮૫૧માં રાજકીય ફેરફારો થતાં રઘુનાથજી મહારાજ આ સ્વરૂપને લઈને કચ્છ તરફ જવા નીકળ્યા. રસ્તામાં અમદાવાદમાં રોકાયા અને દિલ્હી શાસનના સુબાએ ૨૫ ગામો ભેટ કર્યા એટલે અહીં જ રોકાયા.
આ સ્થાને હવેલી તો હતી જ, એમાં નટવરસ્વરૂપ બિરાજીત થયું. ‘ઈકબાલે મહેમદી’ નામના ઉર્દુ ગ્રંથમાં આ મંદિરનું વર્ણન છે. જેનો દસ્તાવેજ ઔરંગઝેબ સમયનો છે. રઘુનાથજીના બે પુત્રો હતા ગોપીનાથજી અને વ્રજભૂષણજી. ગોપીનાથજીએ અહીં સાધના કરી અને અમૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી.
ગુજરાતનો સૌથી પહેલો છપ્પનભોગ અહીં થયો હતો, એટલી મેદની ઉમટી પડી હતી કે ભીડમાં ચગદાઈ જવાથી ૭ વ્યક્તિના નિધન થયા હતા. એ વેદનાથી વ્યથિત થઈને લૌકિક-વૈદિકની ચિંતા છોડીને, ભાવુક થયેલા વ્રજભૂષણજીએ આ ૭ વ્યક્તિઓને જીવંત કર્યાં હતા. અલબત્ત એ પછી આ વિદ્યાનો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો એમણે સંકલ્પ પણ કર્યો હતો.
પુષ્ટિમાર્ગમાં હવેલીમાં શ્રીજી બિરાજે છે. આઠ વાર મંગળાથી શયન સુધી વિવિધ સ્વરૂપના દર્શન થાય, અષ્ટ પ્રહરની સેવા થાય. પ્રભુનો નિત્યક્રમ અને લીલાઓની દિનચર્યા સેવા સ્વરૂપે હવેલીઓમાં થાય, ઠાકોરજીમાં સત્ ચિત્ આનંદ સમાયા છે એટલે એના દર્શનથી આ લોકના જીવને આનંદ મળે છે એ વાતની પ્રતીતિ ગોસ્વામી હવેલીમાં દર્શનાર્થે આવનાર વૈષ્ણવો અને બપોરે ફૂલસેવામાં જોડાનાર બહેનોના ચહેરા જોઈ સતત થઈ રહી હતી.
•••
સોળમી સદીમાં આચાર્ય ચરણ વલ્લભાચાર્યજી દ્વારા હવેલી સંગતીનો પ્રકાશ પથરાયો. પુષ્ટિમાર્ગના કીર્તનોએ હવેલી સંગીતની ધજાને ગૌરવાન્વિત કરી દીધી. હવેલી સંગીતમાં શાસ્ત્રીય રાગ આધારિત પદો, લોકગીતો, દોહા, ધોળ-ગરબા, પદ ધમારા, રસિયા વગેરે ગવાય છે. ૩૬ રાગ અને ૩૬ રાગિણીમાં આ સંગીત વહેંચાયું છે.
ઈસવી સન પૂર્વ ૩૧૦૨, ચૈત્ર મહિનો, શુક્લ પક્ષ, પ્રતિપદા તિથિ - શુક્રવાર બપોરે ૨ કલાક, ૨૭ મિનિટ, ૩૦ સેકંડે યોગધારણા થકી પ્રભાસ ક્ષેત્રમાં હિરણ્યકાંઠે નિજધામ પ્રસ્થાન કરી ગયેલા જગદ્ગુરુ શ્રીકૃષ્ણ માટેનો સ્નેહ પાંચ હજાર વર્ષો પછી પણ સતત વૃદ્ધિમાન છે.
ઈશ્વરઃ પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર, આદિર, ગોવિંદ, સર્વકારણ કારણમ્’
લાઈટ હાઉસઃ
સામરો મંગલ રૂપ નિધાન,
જા દિન તે હરિ ગોકુલ પ્રગટે
દિન દિન હોત કલ્યાણ.