પાણી અને વાણી ઘીની જે વાપરો

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 04th June 2018 13:02 EDT
 

‘ગુજરાતી-હિન્દી ગીતોના કાર્યક્રમ માટે કોઈ એક સારી થીમ આપોને!’ એક સંસ્થા સાથે જોડાયેલા મિત્ર જયરાજસિંહ સરવૈયાએ પૂછ્યું ને કેટલીક થીમ યાદ આવી. એમાં એક વરસાદી ગીતોની પણ હતી.

‘આવ રે વરસાદ ઘેબરિયો વરસાદ’ બાળગીતોમાં અને કવિતાઓમાં તથા ફિલ્મી ગીતોમાં વરસાદ અને પાણીને સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે. આપણે ત્યાં તળાવ-નદી-ડેમ-ચેકડેમ-પાણીયારે-કૂવે એમ કેટકેટલી જગ્યાએ પાણી જોડાયેલું છે.
પાણી-જળ-સાવ મફતમાં મળે અને કિંમત અમૂલ્ય! એટલે જ માનવજાતે એને વેડફવામાં પાછું વળીને જોયું નથી. આપણે સૌ જાણીએ છીએ કે પંચમહાભૂતોમાંનું એક પાણી એ જીવનનો આધાર છે. અહીં પર્વત પર રહો કે દરિયામાં, પીવાનું અને વાપરવાનું પાણી નહીં હોય ત્યારે જીવન નક્કામું થઈ જવાનું છે અને એ છતાં આપણે પાણીનો સતત બગાડ વણવિચારે કરે રાખીએ છીએ.
ગુજરાતના સવાસોથી વધુ ડેમ ૭૫ ટકા ખાલી છે ને ૫૦થી વધુ મધ્યમ ડેમ સંપૂર્ણપણે ખાલી છે. ગુજરાત સરકાર દ્વારા લોકભાગીદારીના સહયોગથી નદી-તળાવો-ચેકડેમ ફરી સજીવન કરવાનું ચાલુ છે.
પુરાતન સમયમાં બાંધકામોમાં આજે વરસાદી પાણીના ટાંકા મૂલ્યવાન પૂરવાર થઈ રહ્યા છે. ૨૫ ફૂટ ઊંડા ટાંકામાં ૬૦ હજાર લીટર સુધી પાણીનો સંગ્રહ થાય છે. આજકાલ સોસાયટીઓમાં પણ બોર રિચાર્જ કરાવવાની જાગૃતિ આવી છે. એ જ રીતે ખેતરોમાં વધુને વધુ ખેડૂતો ટપક સિંચાઈ અપનાવી રહ્યા છે, અને એના સુંદર પરિણામો પણ તેઓને પાકરૂપે મળી રહ્યા છે.
શાળાઓથી લઈને હાઈ-ફાઈ સંસ્થાઓ પણ પોતાના નિશ્ચિત વર્ગ સુધી જળસંગ્રહ બાબતે અને જળ બચાવવા સંદર્ભે વધુ જાગૃત થઈ છે. મીડિયા દ્વારા પણ આ ક્ષેત્રે પ્રેરણારૂપ કાર્ય થઈ રહ્યું છે અને પરિણામે સમાજમાં જળ સમસ્યાના સંકટ સામે લડવા અને એ દિશામાં આયોજનો કરી અમલમાં મૂકવા જાગૃતિ આવી રહી છે. મહાનગરોમાં કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતોના પદાધિકારીઓ-અધિકારીઓ આ કાર્યમાં જોડાયા છે અને સરકારના આયોજનને અસરકારક બનાવવા કોશિશ કરી રહ્યા છે. પાણીનો બિનજરૂરી વપરાશ અટકાવવાની દિશામાં અને એને વેડફવાની પ્રવૃત્તિ બંધ કરવાની દિશામાં જેટલું વધુ અમલીકરણ થશે એટલું એ સહુના માટે લાભપ્રદ છે.
રોજિંદા જીવનમાં વ્યક્તિગત કે સામૂહિક રીતે નાની નાની કાળજી રાખવામાં આવે તો ટીપે ટીપે પાણી ભરાય ને સરોવર છલકાય એમ ઘણી મોટી માત્રામાં પાણીની બચત થઈ શકે એમ છે.
અભ્યાસુઓએ શોધ્યું છે કે RO મશીનમાં શુદ્ધ પાણી મેળવવા માટે મોટી માત્રામાં પાણી વેડફાય છે. આ પાણીનો ઉપયોગ ઘરની કે ટોઈલેટની સફાઈમાં-વાહનો ધોવામાં ને કૂંડામાં રોપેલા છોડને પાવામાં કરી શકાય. બાથરૂમ કે ટોઈલેટના વોશ એરિયામાં અને વાહનોની સફાઈમાં નળમાંથી સીધી પાઈપલાઈનના બદલે બાલદી અને ટબ તથા બ્રશનો ઉપયોગ થાય તો પણ ઘણું પાણી બચી શકે. મકાનોમાં અનેકવાર પાણીનો લિકેજ જોવા મળે છે. આ લિકેજ તુરંત અટકાવીએ તો પણ સરવાળે પાણીની ગણનાપાત્ર બચત થાય છે. બ્રશ અને શેવિંગ કરવામાં કે કપડાં ધોવામાં ને નહાવામાં નળ સતત ચાલુ રાખવાના બદલે જરૂર પ્રમાણે નળ ખોલ-બંધ કરીએ તો પણ પાણીની બચત થાય છે. કીચન અને વોશરૂમમાં પાણી સૌથી વધુ વેડફાય છે, ત્યાં જો ધ્યાન રાખવામાં આવે તો આવનારા દિવસોમાં જરૂર પાણીની બચત થઈ શકશે.

•••

‘પાણી અને વાણી ઘીની જેમ વાપરો’
‘જળ એ જીવન છે’
આ અને આવા સૂત્રો આપણે વાંચીએ છીએ-સમજીએ છીએ પણ એને બચાવવા એનું સંરજાણ-સંવર્ધન કરવા કેટલા જાગૃત છીએ?
સમય વાતો કરવાનો નહિ, તત્કાલ અભી કે અભી અત્યારે જ અમલ કરવાનો છે. જ્યાં જ્યાં પાણીનું એક-એક ટીપુ વેડફાતું દેખાય, ત્યાં એને રોકીએ, એનું સંવર્ધન કરીએ. ચોમાસાના વરસાદને ઝીલીએ અને એ વરસાદી પાણી આપણા માટે અમૃત છે એમ સમજી એનો વપરાશ કરીએ. આમ કરીશું તો જ જળશક્તિની ઊર્જાથી અજવાળાં રેલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter