‘આવી સારી નોકરી તે કાંઈ છોડીને અવાતું હશે?’
‘અરે થોડોક સમય અહીં રહીને પરત યુએસ જઈ શક્ચો હોત!’
આ અને આવા ઘણાયે સંવાદો આશિષ સોનીએ પોતાના માટે બોલાતા સાંભળ્યા છે. માતા નિરુબહેન અને પિતા જશવંતલાલ સોની. જન્મ અને કોલેજ કક્ષા સુધીનો ઉછેર ગાંધીનગરમાં. અભ્યાસ પછી ગાંધીનગર જીઆઈડીસીની એક કંપનીમાં નોકરી કરવા લાગ્યા.
દરેક યુવાનની માફક આશિષના મનમાં પણ વિદેશના સ્થાયી થવાના અરમાન હતા. એમને તક મળી વર્ષ ૨૦૦૨માં અને તેમણે ગાંધીનગરને આવજો કહી વાટ પકડી અમેરિકાની.
નવો દેશ - નવા લોકો - નવા નિયમો અને નવી હવા, પરંતુ હૈયામાં હામ હતી એટલે એ ધીરે ધીરે સેટ થતો ગયો. ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી અને બોસ્ટન જેવા શહેરોમાં કામ કરતો રહ્યો અને સારા મિત્રો સાથે જિંદગીને માણતો રહ્યો.
એક દિવસ અચાનક એમને સમાચાર મળ્યા કે એના પપ્પાને ગાંધીનગરમાં કેન્સરના રોગનું નિદાન થયું છે. આ સાંભળીને આઘાતમાં સરી ગયેલો આશિષ સ્વસ્થ થયો. ગ્રીનકાર્ડ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા, પરંતુ હવે એ દિશામાં જવું જ નથી એમ મનમાં ગાંઠ વાળીને અમેરિકાથી પરત ભારત આવ્યો.
પિતાની ખૂબ જ સેવા કરી, જરૂરી સારવાર કરાવી, પણ આખરે એમનું અવસાન થયું. પિતાજીને છેલ્લી ક્ષણો બાકી હતી ત્યારે જ આ યુવાને એક સંકલ્પ કર્યો જે એના જીવન માટે ટર્નિંગ પોઈન્ટ બની રહ્યો. એના પિતાને કેન્સર થવાનું એક કારણ તમાકુનું વ્યસન હતું. એમાંથી બોધપાઠ લઈને નક્કી કર્યું કે હવે બીજા ઘરોમાં જ્યાં જ્યાં કોઈને આવું વ્યસન હશે તે તે ઘરમાં આવા દુઃખના દિવસો ન આવે તે માટે હું વ્યસન છોડાવીશ. અને સાચ્ચે જ એણે આ દિશામાં અભિયાન શરૂ કર્યું. કોઈનો ફોન આવે કે વ્યસનથી છૂટવું છે તો ત્યાં પહોંચીને એમને કાઉન્સેલિંગ કરીને એમને વ્યસનથી છૂટકારો અપાવે. આ માટે પ્રવચનો આપે - શિબિરો જેવા માધ્યમ દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ સમાજમાં પ્રસરાવે.
સમય પસાર થતો ગયો. ગોપી નામની યુવતી સાથે લગ્ન થયા. એમના મમ્મીને એટેક આવ્યો. લાંબી બીમારી બાદ એમનું પણ અવસાન થયું. હવે પરિવારમાં પતિ-પત્ની બે રહ્યા. પત્ની પણ વ્યસનમુક્તિ અભિયાનમાં સાથ આપે છે. એ ઉપરાંત દીકરીઓ માટે સત્સંગ સભા ચલાવે છે.
વ્યસનમુક્તિ અભિયાન ઉપરાંત એમણે હ્યુમન ટ્રાફિકિંગ સામે પણ અભિયાનનો આરંભ કર્યો. આ દિશામાં આંકડાઓ એકઠા કર્યા. અભ્યાસ કર્યો અને આ દિશામાં સામાજિક જાગૃતિ લાવવા એક શોર્ટ ફિલ્મ તૈયાર કરી, જેના થકી તેઓ એમનો સંદેશ ફેલાવે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરની સોસાયટીઓમાં જઈને તેઓ ‘જીવન એક મંદિર’, ‘મા-બાપને ભૂલશો નહીં’ જેવા સંવેદનાપૂર્ણ વિષયો પર વિનામૂલ્યે પ્રવચનો પણ આપે છે.
જીવનનિર્વાહ માટે તેઓ પર્સનાલિટી ડેવલપમેન્ટ, પર્સનલ ગ્રૂમિંગ, સ્પોકન ઈંગ્લીશના ક્લાસ ચલાવે છે અને સેમિનારો કરે છે જેના થકી સાદગીભર્યું જીવન આરામથી જીવી શકાય છે.
•••
આદત - સારી અને ખરાબ એમ બંને પ્રકારની હોય છે. સારી આદતો માનવીના વ્યક્તિગત જીવનમાં શિસ્ત, અનુસાન, કર્મપ્રધાનતા, પ્રામાણિકતા - પ્રેમ અને ઈમાનદારી જેવા અનેક સદગુણોનો વિકાસ કરાવે છે. ખરાબ આદતો અને તેમાં પણ વ્યસનની આદતો પડે છે ત્યારે તે માનવીના જીવનને અને સરવાળે તેના કુટુંબને બરબાદ કરી નાંખે છે.
તમાકુ, દારૂ કે ડ્રગ્સ જેવા વ્યસનો શરીરને નુકસાન કરે છે. શરીરમાં ધીમા ઝેર રૂપે પ્રસરે છે. પરિણામે શરીર કોઈને કોઈ રોગોનું ઘર બને છે અને વ્યક્તિ મૃત્યુ તરફ ધકેલાય છે.
વ્યસનમુક્તિ માટે વ્યક્તિગતરૂપે, સંસ્થાગત રૂપે સરકાર દ્વારા અને સમાજની પ્રતિષ્ઠિત ધાર્મિક સંસ્થાઓ દ્વારા સુંદર કામ થઈ રહ્યું છે. વ્યસનોથી લોકો બચે, મુક્ત થાય અને સ્વાસ્થ્ય સારું હોય તે દિશામાં થઈ રહેલા નાનામાં નાના કાર્યને આવકારવું જોઈએ અને આવું થાય ત્યારે આવી પ્રવૃત્તિ દ્વારા કેટલાયે લોકોના જીવનમાં અજવાળાં રેલાય છે.
લાઈટ હાઉસ
કોઈ ખાવે કોઈ પીવે, તમાકુ ઝેર ખાસ,
તન-મન-ધન હરે, કરે એ સત્યાનાશ.