‘મારા પપ્પાને નિયમિતરૂપે તમાકુ ખાવાનું અને વખતોવખત દારૂ પીવાનું વ્યસન છે, એમના વ્યસનોમાંથી હું તેમને છોડાવી શકું એવી શક્તિ મને આપો અને તેઓ વ્યસનોમાંથી છુટી શકે તેવી સદબુદ્ધિ તેમને આપો...’ ગામડાગામની એક દીકરી રમાએ લખેલી આ વાત છે. વાચકને પ્રશ્ન થાય કે લખ્યું છે કોને? આપની જિજ્ઞાસાનો જવાબ શોધવા એ ગામડાં અને એ પરિવાર સુધી પહોંચવું પડે તેમ છે.
છેલ્લા બે-ત્રણ દાયકા દરમિયાન પશ્ચિમી વાતાવરણ-વિચારસરણી-જીવનધોરણ-મોજશોખ આ બધું જ મહાનગરોની જેમ હવે ગામડાંમાં પણ બદલાતું ચાલ્યું છે.
સંદેશવ્યવહારના અનેક સાધનો-મનોરંજનની વિકસતી દુનિયા અને માનસિકતામાં આળસ ઘર કરી જવાથી કેટલાક કિસ્સામાં ઘરનો યુવાન કે મોભી જીવનમાં દિશા ભૂલી જાય, ખોટા માર્ગે ચડી જાય, પોતાનું અને ઘરનું-પરિવારનું જીવન બરબાદ થઈ જાય એ દિશામાં તે ગતિ કરી રહ્યો છે. રમાના પરિવારના કિસ્સામાં પણ આવું જ બન્યું હતું.
એના પિતાએ ગામડાંમાં પ્રાથમિક અને હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. પછી શહેરમાં જઈને કોલેજનો અભ્યાસ કર્યો. મા-બાપ ખેતી કરે ને પૈસા મોકલે, અભ્યાસ પૂરો કર્યો. ફરી ગામડે આવ્યો. ખેતીને પશુપાલનના કામમાં વળગ્યો. યોગ્ય સમયે યોગ્ય પાત્ર સાથે લગ્ન પણ થયા. સમય જતાં ભગવાનની ભેટરૂપે ઘરમાં દીકરી રમાનો જન્મ થયો. અહીં સુધી બધું બરાબર ચાલતું હતું.
એકાએક એના પિતા ખેતીના કામમાં રસ લેવાના બદલે ગામની પંચાતમાં - નવરા માણસો સાથેની સંગતમાં ને ખરાબ સોબતના કુંડાળામાં આવતા થયા. નાના-નાના વ્યસનો ધીરે ધીરે મોટું રૂપ લેતા થયા. આ બાજુ દીકરી પણ મોટી થતી ગઈ, ખેતીની આવક ઘટતી ગઈ. મા-બાપે, સગાં-વ્હાલાએ સમજાવ્યો, રોક્યો, ટોક્યો પણ ના માન્યો એ માણસ. ઘરમાં દારૂ પીને આવે, ધમાલ કરે, પત્ની અને દીકરી ઉપર હાથ ઉપાડે, બોલચાલમાં, આચારમાં વાણી-વિવેક ક્યાંય દેખાય નહીં.
ધોરણ-૭માં ભણતી રમા છેલ્લા દોઢ-બે વરસથી આ બધું જોતી હતી. પણ કહે કોને? મૂંગીમૂંગી, સમસમીને એની માની સોડમાં થાકી-હારીને સૂઈ જતી હતી.
એવામાં એક દિવસ જાણે નવા દિવસનો નવો સૂરજ ઊગ્યો. રમા જે શાળામાં ભણતી હતી એ શાળાના પ્રિન્સિપાલ વાસ્તવમાં આદર્શ શિક્ષક અને સમાજસુધારકની પરંપરાના હતા. એમણે શાળાના વિદ્યાર્થીઓને આપવાના અનેક પ્રોજેક્ટ પૈકી એક દિવસ પ્રોજેક્ટ આપ્યો કે, ‘બાળકો તમે ભગવાનને પત્ર લખો. તમારા સપનાં, આશા, અરમાન, પ્રશ્નો, ઘર-પરિવાર, દેશ બધેબધું લખો. વંદન પણ લખો ને ગુસ્સો પણ લખો. ભગવાન જવાબ આપશે...’ લેખના આરંભે લખેલા વાક્યો રમાએ ભગવાનને લખેલા પત્રમાં હતાં. પ્રિન્સિપાલે આ એક જ નહીં, બધા પત્રો વાંચ્યાં, પોતાનાથી થાય તેટલા પ્રશ્નો સુધારવામાં-બાળકોના જીવનમાં આનંદ-ઉલ્લાસ લાવવામાં એ પ્રયત્નશીલ થયા.
સહજરૂપે રમાના પરિવાર અને એના પિતા જોડે સંપર્ક કેળવ્યો. દીકરી રમા સહિત સહુનો વિશ્વાસ સંપાદન કર્યો. રમાના પિતાને વ્યસનોમાંથી છોડાવવાના પ્રયત્નો શરૂ કર્યા. એક પ્લાન એમણે રમા સાથે બનાવ્યો.
વાર્ષિક પરીક્ષાના પ્રથમ દિવસે રમા એના પિતાને પગે લાગી. કહ્યું કે ‘તમે જ શાળામાં મૂકવા આવો.’ શાળાએ પહોંચીને રમાએ કહ્યું, ‘પપ્પા, તમે મારા માથે હાથ મૂકીને સોગંદ ખાવ કે હવેથી ક્યારેય તમાકુ કે દારૂને નહીં અડું તો જ હું પરીક્ષા આપીશ. નહીંતર આ હાલી... પાછી ઘર તરફ.’ આખરે પિતાજી માન્યા. સોગંદ ખાધા. વ્યસનો છોડ્યા, આજે એ વાતને વર્ષો થયા. પરિવાર સુખી છે. ખેતીવાડીના કારણે પરિવાર સમૃદ્ધ છે. દીકરી રમા શહેરમાં એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં ભણે છે ને કહે છે, ‘પપ્પા, હું નોકરી કરવા માંડું એટલે પછી તમારે મહેનત નહીં કરવાની. હું રળીશ ને આપણે મજા કરીશું.’
•••
એક દીકરી એના પિતાના વ્યસનો છોડાવે એનાથી વધુ એના માટે સારા સમાચાર બીજા શા હોઈ શકે? દીકરી પિતાના ખોળે ને ખભે રમી હોય છે બાળપણમાં, અને એ દીકરી જ સમય આવે પિતા માટે મજબૂત ખભો બનીને સાથે ચાલે ત્યારે દીકરી તરીકેનું ગૌરવ એ વધારે છે. બાળપણમાં બાપની આંગળી ઝાલીને નાની-નાની પગલી પાડતી દીકરી પિતાને સાચો માર્ગ બતાવે, પિતા માટે પથદર્શક બને ત્યારે દીકરી હોવાનો, એના અસ્તિત્વનો આનંદ એ અનુભવે છે. એક પિતાને વ્યસનમાંથી મુક્તિ આપવા માટે લાગણી અને બુદ્ધિ થકી આયોજન કરનાર દીકરી સાચ્ચે જ અભિનંદનને પાત્ર છે. આ કામમાં સહભાગી થનાર સહુ પણ એટલા જ અભિનંદનના અધિકારી છે. આવા કિસ્સાઓમાં દીકરીનું અજવાળું ઘરમાં ઊજાસ ફેલાવતું દેખાય છે.
લાઈટ હાઉસ
દીકરી દીવા જેવી છે, જે પોતે બળે છે પણ બીજાને પ્રકાશ આપે છે.