પુરુષોત્તમ ઉપાધ્યાય એટલે મેઘધનુષી વ્યક્તિત્વ

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 28th March 2023 07:07 EDT
 
 

‘પપ્પાએ જે સંગીત સાધના દાયકાઓ સુધી કરી એને આવી રીતે, આટલા મોટા સ્ટેજ પરથી બિરદાવવામાં આવે અને એના અમે સાક્ષી બનીએ, એ આનંદની અનુભૂતિ શબ્દોમાં વ્યક્ત થાય એમ જ નથી!’ પુરુષોત્તમ ઉપાધ્યાયની બંને દીકરીઓ - વિરાજ અને બીજલે મને સહજ આનંદ અને ગૌરવ સાથે કહ્યું. અવસર હતો, અમદાવાદમાં TOP FM દ્વારા યોજાયેલા TOP MUSIC AWARDS – SEASON 2 નો જેમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પુરુષોત્તમ ઉપાધ્યાયની આઠ દાયકાની સંગીત સાધના માટે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપ્યો હતો. નાદુરસ્ત તબિયતના કારણે પુરુષોત્તમ ઉપાધ્યાય રૂબરૂ આવી ન શકતા તેમનો એવોર્ડ એમની દીકરીઓએ સ્વીકાર્યો હતો. TOP FMના RJ તરીકે આ કાર્યક્રમની વ્યવસ્થામાં જોડાવા મને મળ્યું અને આ ગૌરવપૂર્ણ ઘટનાનો સાક્ષી અન્ય કલાકારો સાથે હું પણ બન્યો ત્યારે કેટકેટલા સ્મરણો માનસપટલ પર ઉતરી આવ્યા.

ભાવનગરના નિવાસ દરમિયાન કોલેજકાળથી જ શબ્દ–સૂર સાથે પ્રીતિ બંધાણી અને એટલે હવે અમેરિકાસ્થિત સંગીતપ્રેમી તુષાર વોરાના ઘરે વહેલી સવાર સુધી ચાલતી સંગીતની મહેફિલોમાં પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના ગીતો સાંભળ્યા તે સહજ સ્મરણ થયું.
દિવાનપરા રોડ પર સ્થિત પારિવારિક દોસ્ત દક્ષેશ મહેતાના ઘરે પણ જ્યારે જ્યારે પુરુષોત્તમભાઈ ગાવા આવે ત્યારે એમને ક્યા બાત, ક્યા બાત...!ના ગુંજતા નાદમાં ગીતો રજૂ કરતાં સાંભળ્યાનું સ્મરણ થયું. મુંબઈમાં કાંતિકાકાના ગુણીજન પરિવારમાં સંગીતની મહેફિલોમાં પણ ક્યારેક એમને સાંભળ્યા ને પછી તો મા સરસ્વતીની અને સદગુરુની કૃપાથી કેટલાક કાર્યક્રમોમાં એમની સાથે સ્ટેજ પર કાર્યક્રમ સંચાલનનો પણ અવસર મળ્યો.
મારા મુંબઈમાં પ્રથમ કાર્યક્રમ માટે પણ તેઓ નિમિત્ત બન્યા હતા. મુંબઈની સ્વર ગુર્જરી સંસ્થા દ્વારા ભાવનગરની અમારી માધુરી ગ્રુપ સંસ્થાનો ‘આયખું’ નામે કાર્યક્રમ તેઓએ 1994માં મુંબઈના તેજપાલ સભાગૃહમાં ગોઠવ્યો હતો.
અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ પુરુષોત્તમભાઈની ગાયકીને અનેકવાર સાંભળવાનું સદભાગ્ય મળ્યું.
15 ઓગષ્ટ 1934ના દિવસે ઉત્તરસંડા ગામમાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયે માતાના સંગીતના વારસાને આગળ ધપાવ્યો, જેઓ ઉત્તમ ભજનો ગાતાં હતાં. અમદાવાદમાં એક નાટકમંડળીમાં માત્ર આઠ વર્ષની ઉંમરે એમણે ગીત ગાયું, ‘સાધુ ચરણકમળ ચિતજોડ...’ એને 26 વન્સમોર મળ્યા અને સુરેશ દલાલ લખે છે કે ત્યારથી ‘પુરુષોત્તમ, બાળનટ માસ્ટર પુરુષોત્તમ’ થઈ ગયો. આ કલાકાર ભાવનગરના અમારા ઘરે એક વાર કલાકારોના મેળાવડામાં હતા અને એમણે બે - ત્રણ કલાક માત્ર વાતો કરીને જે આનંદ કરાવ્યો એ આજે પણ સહુના માટે અણમોલ સંભારણું છે.
અમદાવાદમાં 26 ફેબ્રુઆરી1994ના રોજ ઊજવાયેલ એમનો ષષ્ટિપૂર્તિ સન્માન સમારંભ પણ એટલો જ યાદગાર બન્યો તમામ સંગીતપ્રેમીઓ માટે.
પુરુષોત્તમ ઉપાધ્યાયે ગુજરાતી ગીત – ગઝલ – ભજન – ગરબા દ્વારા એક વિશેષ શ્રોતાવર્ગ ઊભો કર્યો છે. ગીતોની પસંદગી, અનુરૂપ સ્વરાંકન અને કાબિલેદાદ રજૂઆત દ્વારા શ્રોતાઓ પર એવો જાદુ પાથર્યો છે કે એક એક ગીતોની જાદુઈ અસર રહી છે.
પુરુષોત્તમ ઉપાધ્યાય એટલે ગાયક – સ્વરકાર – પરફોર્મર – રમૂજને અભિવ્યક્તિ કરે એવા અદાકાર, અન્ય કલાકારો માટે પ્રેરણાસ્ત્રોત, મિત્રોના માણસ, મેઘધનુષી વ્યક્તિત્વ. નામ પ્રમાણે જ જેમના વ્યક્તિત્વમાં સાર્થકતાની અનુભૂતિ સંગીતપ્રેમીઓને થઈ છે, એવા પુરુષોત્તમ ઉપાધ્યાયની સંગીત સાધનાના અજવાળાં સહુને પ્રકાશિત કરતા રહ્યા છે અને પ્રકાશિત કરતાં રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter