પુરુષોત્તમ ઉપાધ્યાયઃ સૂર-તાલ-શબ્દનો સંગમ

Tuesday 09th May 2017 07:29 EDT
 
 

‘તમે ચમત્કારમાં માનો છો? એમ જો કોઈ પૂછે તો હું કહું કે હા, કારણ કે મારી સામે અત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય ગાઈ રહ્યા છે.’ કાર્યક્રમ સંચાલક અંકિત ત્રિવેદીએ સ્ટેજ પરથી કહેલી વાત શ્રોતાઓ પૈકીના ઘણાબધાની લાગણીનો પડઘો પાડનારી હતી.

અવસર હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૧૭માં રોજ સાંજે યોજાતા સૂર-શબ્દ-તાલની ત્રિવેણીનો. એ દિવસે ગુજરાતી ગીતોને ઘરઘરમાં પહોંચાડનાર ગાયક-સ્વરકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્ટેજ પરથી કાર્યક્રમ જે તાકાતથી-દિલથી અને સાહજિકતાથી રજૂ કર્યો એ જોઈને કોઈ માનવા તૈયાર ન થાય કે ગાઈ રહેલા વ્યક્તિની ઊંમર ૮૨ વર્ષની થઈ છે!

પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે એ દિવસે ગીતોની સાથે સાથે પોતાના દાયકાઓની અનુભવનો અર્ક પણ કહ્યો. એમણે યુવા ગાયકોને બિરદાવ્યા. ત્રિવેણી કાર્યક્રમ મરીઝને નામ હતો તો એમણે શાયર મરીઝના કેટલાક પ્રસંગો કહ્યા અને જેમની પાસે-જેમના સ્વરમાં એમણે મરીઝની ગઝલ ગવડાવી હતી એ બેગમ અખ્તર જેવા ગાયિકાને પણ યાદ કર્યાં. ‘બીજા વન વગડાના વા મા તે મા’, ‘જનાજો જશે તો જશે કાંધે કાંધે’, ‘કહું છું જવાનીને પાછી વળી જા’ એક પછી એક ગીતો રજૂ થતા રહ્યા. પુરુષોત્તમ ઉપાધ્યાય ગાતા રહ્યા... એમણે મહંમદ રફી જેવા શ્રેષ્ઠ પાર્શ્વગાયકને યાદ કરતા કહ્યું કે ‘કહું છું જવાનીને....’ગીતના રેકોર્ડિંગ સમયે મહંમદ રફીએ મને એવું કહ્યું હતું કે ‘આપ કી અંગૂલીયો મેં જો સ્વર બસતે હૈ વો મેં નહીં ગા શકતા.’

જૂની રંગભૂમિના જે ગીતો હતા, એમાં જે અદાયગી હતી-અસ્સલ એવી જ અદાયગી જરૂર પડે એમણે ગીતો સાથે કરી અને શ્રોતાઓને દાદ આપવા મજબૂર કર્યા. હાર્મોનિયમ પર ફરતી એમની આંગળીઓએ એવા અદભૂત કામણ કર્યા કે આખું યે વાતાવરણ સૂર-દરબાર જેવું થઈ ગયું.

અવિનાશ વ્યાસના માનસ પુત્ર તરીકે ઓળખાતા પુરુષોત્તમ ઉપાધ્યાયે ગુજરાતી કાવ્ય સંગીતની સાથે જ લોકસંગીતની મીઠી હલક છેડી અને રંગલો જામ્યો... રજૂ કરી જમાવટ કરી દીધી.

આ લખનારે ૧૯૮૦ના દાયકાના આરંભથી પુરુષોત્તમ ઉપાધ્યાયને ભાવનગરમાં સાંભળ્યા છે. ભાવનગરના સંગીતપ્રેમીઓએ તુષાર વોરા-દક્ષેશ મહેતા પરિવાર, કપિજલ વોરા ને એવા તો અનેક પરિવારો જેમને ત્યાં વહેલી સવાર સુધી કાર્યક્રમો ચાલે, પુરુષોત્તમ ઉપાધ્યાય ગાતા રહે અને શ્રોતાઓ એમને દાદ આપતા રહે... એ સમયે એમના વક્તવ્યમાં-અવાજમાં અને સૂરમાં જેટલી તાજગી-ઊર્જા અને શુદ્ધતા અનુભવી હતી. આજે સાડા ત્રણ દાયકા પછી ઉંમરના આ પડાવે પણ એ બધ્ધું જ અકબંધ હોવાની અનુભૂતિ થઈ. એટલી જ સરળતા-સહજતા અને મસ્તીથી એ ગાઈ રહ્યા હતા. ગાયનની બારીકીઓ અને સૂરનો લગાવ એટલા જ એમને કંઠવગા હતા એનો આનંદ હતો. વયના વધવાની સાથે સાથે એમના ગાયનમાં જાણે પ્રતિપળ નૂતન તાજગી ઊમેરાતી જતી હોય એવું અનુભવાયું. એમનો મિજાજ, જુસ્સો અને ઠાઠ પણ એ જ. આમ એ દિવસે શ્રોતાઓને પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે પોતાની સ્વર સાધના થકી રાજી કર્યાં ત્યારે સહુને માટે એ સમય પરમ ધન્યતાનો અવસર બની રહ્યો.

•••

સંગીત હૈ શક્તિ ઈશ્વર કી

હર સૂર મેં બસે હૈ રામ,

રાગી જો સુનાયે રાગીની

રોગી કો મીલે આરામ...

આ શબ્દોની અનુભૂતિ કેટલાય દર્દીઓને થઈ છે. સંગીતથી માત્ર દર્દી જ નહીં, સામાન્ય માણસ પણ પ્રસન્નતા પામે છે. આનંદ પામે છે. સંગીતના ગાયનથી મા સરસ્વતીનો સાક્ષાત્કાર અનેક ગાયકોએ અનુભવ્યો છે. સંગીતની કલા જેને વરી હોય એ વાસ્તવમાં કૃપાપાત્ર જ ગણાય.

પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સમર્થ ગાયક-સ્વરકારને મળેલી ગાયન અને સંગીતની કલા એ વાસ્તવમાં પરમ તત્વની દેન છે. આ કલા ઊંમરના વધવા સાથે ઘડાતી જાય, અનુભવ સમૃદ્ધ બનતી જાય અને શ્રોતાઓને ડોલાવતી જાય. સંગીતકલા પ્રત્યેનું આવું સમર્પણ, સાદગી અને સામર્થ્ય એક સાથે કોઈ એક વ્યક્તિમાં સમન્વય પામે ત્યારે એમની કલાથી શ્રોતાઓના દિલમાં અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ

સાધના જ્યારે રાગિણી થઈ જાય છે, રાત્રીના અંધકારમાં પણ રોશની થઈ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter