એના પર રસપૂર્ણ નજર ફેરવી શકાય, એને વાંચી શકાય, એમાં લખેલા શબ્દોના અર્થને સમજી શકાય અને પામી પણ શકાય... હા, વાત છે પુસ્તકોની. પુસ્તક આપણું દોસ્ત થઈ શકે, પુસ્તક આપણને માર્ગદર્શન આપી શકે, પુસ્તક આપણા વિચારોને ઉદ્દાત અને ઉદાર બનાવી શકે, પુસ્તક આપણા હૃદયમાં પ્રેમ-વાત્સલ્ય-શ્રદ્ધાને ભક્તિ જેવી અનેક માનવીય સંવેદનાઓ જગાવી શકે, પુસ્તક વાંચીને ખુશ થઈ શકાય, રડી શકાય, નાચી શકાય ને ક્યારેક પ્રકૃતિની ગોદમાં પહોંચી પણ શકાય.
જાત જાતના અને ભાત ભાતના લોકપ્રિય અને નવોદિત લેખકોના આવા હજારો પુસ્તકોના એક મેળામાં હમણાં બે-ત્રણ વાર જવાનું થયું. અવસર નિમિત્તે એમાં આનંદ સાથે જોડાવાનું થયું. વાત છે શ્રી નવભારત સાહિત્ય મંદિર દ્વારા અમદાવાદમાં યોજાયેલા પુસ્તકમેળાની. કોરોના કાળની વિષમતા ઓછી થયાના સમયમાં યોજાયેલા આ બાર દિવસીય મેળા દરમિયાન વિશ્વવિખ્યાત મહાનુભાવો અને સર્જકો સાથે સંવાદ, બુકલોન્ચ, અભિભક્તિ જેવા કાર્યક્રમો પણ યોજાયા. ગુજરાત યુનિવર્સિટી, કર્મા ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં એક દિવસ ઝાલર ટાણે લેખક પરખ ભટ્ટ, આર.જે. હર્ષ અને મેં એક વ્યક્તિત્વ સાથે અર્થપૂર્ણ, ભાવાત્મક સંવાદ કર્યો. એ વ્યક્તિત્વ એટલે સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક્તાના અને માનવમૂલ્યોના, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના પ્રસારક બ્રહ્માકુમારી શિવાની દીદી.
માનવમન, માનવીય સંબંધો, જીવન શૈલી, રોજિંદી આદતો, રિલેશનશીપ, શરીર અને મનનું સ્વાસ્થ્ય, પ્રેમ-કરુણા-જાત સાથે સંવાદ, ધ્યાન-યોગ જેવા અનેક વિષયો પરના એમના પ્રવચનો અને અભિનેતા સુરેશ ઓબેરોય સાથેના તેમના સંવાદ, અવેકનિંગ વીથ બ્રહ્માકુમારીઝના કાર્યક્રમો દ્વારા એમના વિચારો લાખ્ખો લોકોને પ્રેરણા આપતા રહ્યા છે. એમની મધુર વાણી, સહજ અને સ્પષ્ટ ભાષા, ચહેરા પર સાધનાનું તેજ, ઊર્જાપ્રેરક હાસ્ય અને વાત્સલ્યમયી શબ્દોથી - વાણીથી સભર શિવાની દીદી આ કાર્યક્રમમાં અમારી સાથે વર્ચ્યુઅલ જોડાયા.
આજના સમયમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં આક્રમણ સાથે લોકોને, એમાં પણ યુવાનોને કેવી રીતે પ્રેરિત કરી શકાય? એમાં માતા-પિતાની અને પરિવારના સભ્યોની શું ભૂમિકા હોઈ શકે? પુસ્તકોના વાંચન દ્વારા આધ્યાત્મિક ઊંચાઈ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? અધ્યાત્મ અને વ્યવસાય વચ્ચે યુવાન વર્ગ કેવી રીતે સંતુલન કેળવે? જેવા વિષયો પર શિવાની દીદીએ સ્પષ્ટ - સચોટ અને વાસ્તવિક રીતે જીવનશૈલીમાં અપનાવી શકાય એવા વિચારો પ્રસ્તુત કર્યા હતા.
વ્યક્તિએ ક્યારેય ખુશી માંગવી ના જોઈએ, પરંતુ હંમેશા ખુશ રહેવું જોઈએ. રોજ વહેલી સવારનો અને રાત્રે સુતા પહેલાનો ઓછામાં ઓછા એક કલાકનો સમય કોઈ પણ પ્રકારના મીડિયા કે માધ્યમથી દૂર રહેવું જોઈએ, મનને કંટ્રોલ કરવાનું રિમોટ કંટ્રોલ વ્યક્તિની પોતાની પાસે હોવું જોઈએ. પોતાનું ભાગ્ય બદલવાની ક્ષમતા વ્યક્તિની પાસે જ છે, જો આપણે ધારીએ તો પળપળ આપણું જીવન ઊત્સવ બની શકે... એવા વિચારો અને એને અનુરૂપ ઉદાહરણો સાથે શિવાની દીદીએ ભાવનાત્મક વાતાવરણમાં સંવાદ કર્યો અને આયોજકોને અભિનંદન આપી, લોકોને પણ પુસ્તકો વાંચવા, પુસ્તકો ભેટ આપવા પ્રેરિત કર્યાં.
છેલ્લા દાયકાઓમાં મારો પણ એ અનુભવ રહ્યો છે કે પુસ્તકો અંધારામાં અજવાળાં પાથરે છે, જ્ઞાનના અને સમજણના દીવડા પ્રગટાવે છે અને મેં એના અજવાળાંને ઝીલ્યાં છે. એ અજવાળું ક્ષણિક નથી હોતું બલ્કે આપણને શાશ્વતરૂપે યોગ્ય માર્ગે દોરે છે.