‘આવું થયાનું ક્યારેય યાદ નથી....’
‘સારું આયોજન કહેવાય, ના ભૂમિકા, ન પરિચય, ના પ્રાસંગિક ઉદ્બોધન્’
‘કાર્યક્રમ ક્યારે પૂરો થયો ખબર ના પડી એટલી પ્રવાહિતા હતી.’
આવા અભિપ્રાયો કાર્યક્રમ પૂરો થયા બાદ શ્રોતાઓના હતા. એ કાર્યક્રમ હતો અમદાવાદના રેડિયો મીર્ચીમાં છેલ્લા ૧૪ વર્ષથી કામ કરી રહેલા લોકપ્રિય RJ ધ્વનિત લિખિત પુસ્તક ‘મોર્નિંગ મંત્ર’ના વિમોચનનો.
છેલ્લા કેટલાય વર્ષોથી રોજ સવારે ૭-૧૦ મિનિટે એ કોઈને કોઈ વાર્તા-ઘટના-મંત્ર-કથા લઈને આવે છે એમાં અવલોકન-અનુભવ-કલ્પન-અધિકૃતતા એમ બધાનો સમન્વય હોય છે ને એની રસાળ શૈલીમાં છેવટે એ વાતના આધારે એક મોર્નિંગ મંત્ર આપે છે. આમ હકારાત્મક સંદેશનો ફેલાવો વધે છે સમાજજીવનમાં.
કાર્યક્રમની વિશેષતા એ હતી કે મંચ પર ૮-૯ પ્રખર વક્તા હોવા છતાં તેઓ માત્ર શ્રોતા-દૃષ્ટા અને શુભેચ્છક હતા. આશીર્વાદરૂપે બોલવાનું એકમાત્ર ભાગવતાચાર્ય પૂજ્ય ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝાને જ હતું. એમણે એમના પ્રવચનમાં સાંપ્રત સામાજિક જીવનના દર્શનને અને એ સંદર્ભમાં મોર્નિંગ મંત્રને વણીને આશીર્વાદ આપ્યા.
એષા ઠાકરના મધુર સ્વરોમાં રજૂ થયેલી પ્રાર્થનાએ મોર્નિંગ મંત્રનું વાતાવરણ સૂરોથી બાંધી આપ્યું હતું અને એ પછી મંચ પર બિરાજમાન થયા એક પછી એક સાક્ષરો...
ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યા, ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ અને ‘સાવી’ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જક્ષય શાહ, મનોચિકિત્સક અને લેખક ડો. હંસલ ભચેચ, પૂર્વ સનદી અધિકારી અને કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, આકાશવાણી - દૂરદર્શનના પૂર્વ અધિકારી અને કવિ સંચાલક શ્રી તુષાર શુક્લ, લેખક અને વક્તા જય વસાવડા, પત્રકાર અને લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટ ઉપસ્થિત હતા. કાર્યક્રમ સંચાલક તરીકે આ લખનાર માટે અને શ્રોતાઓ માટે એક નવી વાત એ હતી કે આ તમામ લોકો જાણીતા વક્તા હોવા છતાં એમાંથી કોઈ પણ એકેય શબ્દ બોલવાનું ન હતું. પૂજ્ય ભાઈશ્રીના હસ્તે અને આ સાક્ષરોના હસ્તે પુસ્તક વિમોચન થયું. પુસ્તકને માત્ર નાડાછડી બાંધવામાં આવી હતી, કાગળ કે રેપર ફાડવાના જ નહીં.
પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વચન આપતા કહ્યું કે આ મોર્નિંગ મંત્ર જે છેલ્લા કેટલાક વર્ષોથી ધ્વનિત રેડીયોના માધ્યમથી રજૂ કરતો રહ્યો છે એ એનું બ્રહ્મ કાર્ય છે. એની સંધ્યા છે, મનની આરાધના છે. આપણી આસપાસ જ્યારે સતત નકારાત્મક વિચારો પડઘાયા કરે છે - જોવા, વાંચવા કે સાંભળવા મળે છે ત્યારે એક નાનીઅમથી વાતમાંથી સરસ મજાની શૈલીમાં જ્યારે ધ્વનિત હકારાત્મક વાત લઈને આવે છે ત્યારે એના શ્રોતાઓને એ સ્પર્શી જાય છે. તેઓએ ઉમેર્યું કે એ આ રીતે એના શ્રોતાઓના ચિત્તમાં પોઝિટિવ વિચારોનું વાવેતર કરે છે. વહેલી સવારે અને રાત્રે સૂતી વખતે માણસને આવેલા વિચારોનું મહત્ત્વ અત્યંત મૂલ્યવાન હોવાનું જણાવી તેઓએ ધ્વનિતને અભિનંદન આપ્યા હતા.
એ પછી ક્રમે શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિરના બાળકોએ મંત્રોચ્ચાર કર્યા અને ધ્વનિતે મોર્નિંગ મંત્રના ગાનનો આરંભ કર્યો. આજના બાળકો સંસ્કૃત ભાષાના શ્લોકનું ગાન કરે છે ત્યારે આપણી ઊજળી આવતીકાલના દર્શન થાય છે એમ કહી ધ્વનિતે કેટલાક મોર્નિંગ મંત્રોનું વાંચન કર્યું - પઠન કર્યું-વાતો કરી અને એને આનુષાંગિક સુમધુર શાસ્ત્રી સંગીત રજૂ કર્યું ભગીરથ ભટ્ટ, ડો. કેદાર ઉપાધ્યાય, શશાંક આચાર્યએ.
૫૦ વર્ષ પૂરા કરવા જઈ રહેલા નવભારત સાહિત્ય મંદિર વતી મહેન્દ્રભાઈ શાહ, જયેશ શાહ, કૃણાલ શાહ અને રોનક શાહે મહેમાનોને આવકાર્યા હતા.
•••
મંચ પરથી બોલવા મળે તો આમંત્રિત શ્રોતાઓ સમક્ષ બોલવાની તક જતી કરવી એ વક્તા-આયોજકો માટે બહુ અઘરું કામ છે અને અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ એ કરી બતાવ્યું એનો આનંદ સહુને હતો.
‘વાણી અને પાણી ઘીની જેમ વાપરો’ એવા સૂત્ર આપણે ત્યાં પ્રચલિત છે ત્યારે ધોધમાર વરસે જતા વક્તાઓ પણ એટલા જ ઉત્સાહિત હોય છે. આવા સમયે વિવેક, સંતુલન અને મનની સ્થિરતા જાળવીને આવા કાર્યક્રમો યોજાય ત્યારે સહુના માટે એ આનંદમય બની જતા હોય છે અને આવું થાય ત્યારે શ્રોતાઓને માટે ઓછા સમયમાં અથવા નિયત સમયમાં ઉત્તમ વિચારો કે પ્રસ્તુતિની પ્રાપ્તિ થતી હોય છે. આવું થાય ત્યારે અજવાળાં રેલાય છે.