પ્રકૃતિની ગોદમાં ને પ્રિયજનના સાંનિધ્યમાં ગમતાનો ગુંજારવ

તુષાર જોષી Sunday 29th October 2017 10:31 EDT
 

‘તારી ડાયરીમાં આપણે કાઠમંડુથી ક્યાં ક્યાં થઈને આવ્યા તે રોડમેપ લખ્યો ને!!’ બહેન મીનાએ વહેલી સવારે માનસરોવરના સાંનિધ્યમાં પૂછ્યું. જવાબ આપું તે પહેલા મિત્ર કેતને કહ્યું, ‘એક મિનિટ બહેન, આપણે સૌ અહીં આવ્યા, મહાદેવને મળવા એના દર્શને... હવે આ ગીત સાંભળો પછી કોઈ પ્રશ્ન નહીં રહે.’

‘હમે રાસ્તોં કી જરૂરત નહીં હૈ,

હમે તેરે પૈરોં કે નિશાં મીલ ગયે હૈ...’

ગાયક કલાકાર અને મિત્ર સચીન લિમયેના અવાજમાં અદભૂત રીતે ગવાયેલું ગીત સાંભળ્યું. બે-ત્રણ-ચાર વાર સાંભળ્યું. ને ધન્યતા સાથે અણકથ અનુભવ સાથે અમારી આંખો સજળ થઈ ગઈ. પ્રણામ કર્યા સામે જ દેખાતા કૈલાસ શિખરને. મહાદેવને અને સ્મરણ કર્યું સદગુરુનું, ઈષ્ટદેવનું, માતા-પિતાનું.

પ્રસંગ હતો ઓગસ્ટ ૨૦૧૩માં કરેલી કૈલાસ માનસરોવર યાત્રાનો. વર્ષોથી તમન્ના હતી માનસરોવર જવાની. મેળ પડતો નહોતો. આખરે યોગ આવ્યો અને સતત પ્રવાસો વચ્ચે રોજિંદા કાર્યો વચ્ચેથી અવકાશ મળ્યો કૈલાસના દિવ્ય દર્શનનો. ત્યારે પણ કોઈએ પૂછ્યું હતું અને આજે પણ કોઈ પૂછે, ‘કૈલાસ માનસરોવર યાત્રાનો અનુભવ કહેશો?’ તો પ્રશ્નના ઉત્તરમાં ત્યારે પણ આનંદના આંસુ ને મૌન હતા, આજે પણ એ જ છે.
અનેક અવઢવો, અડચણો, બદલાતા નિર્ણયોની સાખે વિદેશથી આવીને ફરી તુરંત વિદેશ જવાનું થયું. આ પ્રવાસ નહીં, યાત્રા હતી એનો વિશેષ આનંદ હતો. બહેન મીના અને અન્ય સાથી પ્રવાસીઓ મળીને કુલ ૧૧૪ યાત્રીઓ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે આયોજક ટુર સંસ્થા નીલકંઠ ટ્રાવેલ્સના કેતન પટેલ અને સાથીઓએ એક-એકનું પ્રેમપૂર્ણ સ્વાગત કર્યું. શ્રી નંદકિશોર શર્મા જેમને લોકો નંદુ ભૈયાના નામે ઓળખે છે તેમનું સાંનિધ્ય અને કૈલાસ માનસરોવરની યાત્રામાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત કેટલાક દેશોના યાત્રિકો પણ જોડાયા હતા.
પશુપતિનાથના દર્શન કરીને, કાઠમંડુ શહેરની કાષ્ઠ કળા નજરમાં ભરતાં ભરતાં ઉપડ્યા કૈલાસની દિશામાં... કોદારી, ફ્રેન્ડશીપ બ્રિજ, ઝાંગ્મુ, ઉપાલમ, થોંગલાપાસ, પીગુત્સુ લેક થઈને સાગા પહોંચ્યા. કાચ જેવા સપાટ રસ્તાઓ પર દોડતી લેન્ડ ક્રુઝર અને બહાર જ્યાં આંખ પડે ત્યાં પથરાયેલું અનુપમ પ્રાકૃતિક સૌંદર્ય અને બીજે દિવસે પહોંચ્યા માનસરોવર ને થયા કૈલાસના દર્શન. રાત્રે રૂમમાં બહેન મીના, સાથીમિત્ર ચિન્ટુ કે મને ઊંઘ આવતી નહતી. આવે તો ત્રુટક ત્રુટક. પરમાર્થ નિકેતન આશ્રમમાં રાત્રે આંટા માર્યા. આકાશના તારાઓ એટલા નજીક લાગે જાણે હમણાં આપણી સાથે વાતો કરશે. બહાર સ્થિર શાંત માનસરોવરનું જળ અને આપણને સ્પર્શતી વાતાવરણની સ્નિગ્ધતા.
સવારે રૂમમાં આ વાતો થઈ અને મિત્ર કેતને લેખના આરંભે લખેલી વાત કહી. પછી તો રોજ દિવસમાં રાત્રે બે-ત્રણ વાર આ ગીત સાંભળવાની નહીં, આત્મસાત કરવાની જાણે ટેવ પડી ગઈ હતી. માનસરોવર અને કૈલાસના સાંનિધ્યમાં બંધ આંખે કે ખુલ્લી આંખે એ ગીતમાં જાતને - સ્વંયને ઓગળતી અનુભવવાનો આનંદ અવર્ણનીય હતો અને રહેશે.

•••

પ્રકૃતિની ગોદમાં ને પ્રિયજનના સાંનિધ્યમાં જ્યારે કોઈ ગમતા ગીતનો કે કાવ્યનો ગુંજારવ થાય ત્યારે આવી અનુભૂતિ થતી હોય છે.
ગીત-સંગીત-નૃત્ય અને અન્ય કળા સ્વરૂપોમાં એ બળ છે કે એમાં ઓતપ્રોત થનારને સમયથી પર, લાગણીને વિચારથી દૂરના વિશ્વની એ સફર ક્ષણો માટે કરાવે છે. એ ક્ષણો જીવનભરના સંભારણા બની રહે છે.
ઈશ્વરનું સ્વરૂપ ગમે તે હોય, એના સુધી જવાના અનેક માર્ગો છે - પણ કદાચ આરંભે જ એની જરૂર પડે છે. પછી તો પરમ તત્વના પગલાં એના અણસાર આપણને એના તરફ દોરે છે. ફૂલ ન હોય તો ય સુગંધ સ્પર્શે છે, જળ ન હોય તો ય છાલકની ભીનાશ અનુભવાય છે.
શબ્દ-સૂરના સાન્નિધ્યે-અનુભૂતિના દીવડા પ્રગટતા રહે છે ને અજવાળા રેલાતા રહે છે.

લાઈટ હાઉસ

લાગણીઓથી લથબથ જીવન 

જીવવાની લઈ તરસ 

લ્યો આવ્યું નવું વરસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter