‘અરે! ક્યાં ખોવાઈ ગઈ છે તું? લોકો તારા ગીતને વધાવી રહ્યાં છે અને વન્સમોર - વન્સમોર કહી રહ્યા છે...’ નીલે એની પત્ની નિલિમાને કહ્યું ત્યારે એકાએક જાણે ટ્રાન્સમાંથી બહાર આવી હોય એમ નિલિમાને લાગ્યું અને તાળીઓને પ્રતિસાદ આપતાં ફરી ગાવાનું શરૂ કર્યું. અમદાવાદની નિલિમાનો ઉછેર શહેરના પોશ ગણાતા વિસ્તાર સેટેલાઈટમાં થયો હતો. અભ્યાસકાળ દરમિયાન ભણવા ઉપરાંત સંગીતમાં, એમાંય વિશેષરૂપે ગાયનમાં, એને રસ પડ્યો. મમ્મી-પપ્પાએ પ્રોત્સાહન આપ્યું. યોગ્ય ટીચર્સ પાસે તાલીમ લીધી અને શાળા-કોલેજોના કાર્યક્રમોમાં ધીમે-ધીમે નિલિમા ગાયિકા તરીકે ગીતો રજૂ કરતી ગઈ અને પ્રતિભાનો પરિચય વિસ્તારતી ગઈ.
એન્જિનિયરિંગ કોલેજમાં ભણતાં ભણતાં એનો પરિચય થયો નીલ સાથે. એ પણ સંગીતનો રસિયો હતો. એ ગિટાર વગાડે અને જાણે શ્રોતાઓ પર જાદુ છવાઈ જાય. ધીરે ધીરે બંને વચ્ચેની દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થતી ગઈ અને ભણવાનું પૂરું થયા બાદ બંનેએ પરિવારની સંમતિ સાથે લગ્ન કર્યાં.
અમદાવાદમાં એમણે પોતાની સંસ્થાનો આરંભ કર્યો અને અલગ-અલગ પ્રકારની થીમ આધારિત ગીતોના શો રજૂ કર્યાં. લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ મળતા ગયા. દેશ-વિદેશમાં પણ કાર્યક્રમો કરવાનો અવસર મળ્યો. સમય જતાં નીલને ખૂબ સારી ઓફર આવતાં એ પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા સેટલ થયો. બંનેએ નોકરી અને સંગીત બંને ક્ષેત્રમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. સફળતા પણ મળી. એવો જ એક કાર્યક્રમ વસંતના વૈભવ વિશેનો યોજાયો ત્યારે આ ઘટના બની ગઈ અને નિલિમાને અમદાવાદમાં ગાળેલી અનેક વસંત યાદ આવી ગઈ.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, ‘ઋતુઓમાં વસંત ઋતુ હું છું.’ વસંત એટલે માદા ઉત્સવ. વસંત એટલે ડાળીને કૂંપળ ફૂટવાનો ઉત્સવ. ઋતુઓની રાણી છે વસંત. નદીઓમાં નીર વહે છે. સવાર-સાંજ ને રાત્રિ રળિયામણાં લાગે છે. ફૂલોની ખુશ્બુથી વાતાવરણ મહેંકે છે. આકાશમાં વાદળ છવાયેલાં રહે છે. બહુ ઠંડી પણ નથી ને બહુ ગરમી પણ નથી. વાડીઓમાં આંબાની ડાળે કેરીના ફળ લૂમેઝૂમે છે ને કોયલનો ગુંજારવ ગૂંજે છે. ખેડૂતો ખેતરમાં ઊગેલા પાકને ઘરમાં લાવે છે. કવિઓ-લેખકોને નવા નવા કલ્પનો સ્ફૂરે છે.
વસંત ઋતુ આવે એટલે જનજીવનમાં અને પ્રકૃતિમાં નવજીવનનો સંચાર થાય છે. શરીરમાં ઉત્સાહ વધે છે. કામ કરવાની ક્ષમતા વધે છે. પ્રાતઃ કાળે ભ્રમણ કરવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. દેહમાં સ્ફૂર્તિ આવે છે. ગુલમહોર-ગુલાબ-સૂરજમુખી જેવા અનેક પુષ્પો પર આકર્ષિત થઈને પતંગિયા અને મધમાખી બેસે છે. અત્ર-તત્ર-સર્વત્ર જાણે સોળે શણગાર સજીને પ્રકૃતિ શોભાયમાન હોય એવું લાગે છે.
વસંતોત્સવ એટલે વહાલનો ઉત્સવ... વસંતોત્સવ એટલે મસ્તીનો, ગીતોનો, સંગીતનો, નૃત્યનો, આનંદ અને ઉલ્લાસનો, સુગંધ અને ઊજાસનો, પ્રેમનો અને રંગોનો ઉત્સવ. મહા મહિનાનો પાંચમો દિવસ ઊજવાય છે વસંતપંચમી તરીકે. પુરાતન કાળમાં રાજા-મહારાજા આ દિવસે હાથી પર બેસીને નગરચર્યા કરતાં કરતાં દેવમંદિરોમાં જતાં હતાં.
સામાન્ય રીતે બે-ત્રણ મહિના ચાલે છે વસંત ઋતુ. દેવીભાગવત અને બ્રહ્મવૈવર્તક પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે કે, શ્રીકૃષ્ણે પહેલી વાર સરસ્વતી પૂજન વસંતપંચમીના દિવસે કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં કલાના-કલમના-વાણીના આરાધકો-કલાકારો માટે વસંતપંચમીએ સરસ્વતી પૂજનનું વિશેષ મહત્ત્વ રહ્યું છે.
એક પછી એક લોકપ્રિય હિન્દી-ગુજરાતી ગીતોની પ્રસ્તુતિ થતી થઈ. નીલ વસંત ઋતુના મહિમાનું ગાન શબ્દો થકી કરતો રહ્યો. એક પછી એક જાણીતી કવિતાઓનો પાઠ જેમાં વસંતના તમામ રસ ભરેલા હોય થતા રહ્યા અને શ્રોતાઓને એવું લાગ્યું કે જાણે શબ્દ અને સૂરના સથવારે વસંત ઋતુનો અનુભવ એમને એ સ્થળે થયો હતો.
આપણી પરંપરામાં જીવનપદ્ધતિ જ ઋતુ આધારિત રહી છે. પ્રત્યેક ઋતુનો મહિમા નોખો-અનોખો છે અને એમાં પણ ઋતુઓની રાણી વસંતની વાત આવે એટલે રસિકજનોના મનના આંબલિયાની ડાળે પ્રેમનો મોર ફૂટી નીકળે છે. વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે અનેક જગ્યાઓએ યોજાતા વાસંતી ગીતોના કાર્યક્રમો થકી આમ જ સૂર અને શબ્દના અજવાળાં રેલાય છે.