આ ધરતીમાં એવું શું છે જે તમને વારંવાર ત્યાં જવા આકર્ષે છે..? આ ધરતીમાં કેટકેટલી સંસ્કૃતિના લોકો આવ્યા, રહ્યા ને ગયા પરંતુ અહીંની પોતાની સંસ્કૃતિ આજે પણ ધબકે છે... આ ધરતીમાં અનેકવાર પ્રાકૃતિક ઉથલ-પાથલ થઈ છતાં અહીંના લોકનું ખમીર અને ખુમારી ટક્યા ને ફરી બેઠાં થયાં... જગતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ (હડપ્પીય) સંસ્કૃતિની વિશિષ્ટ વસાહત આ ધરતીમાં રહેતી હતી.
હા, ‘મીઠા રે પાં કચ્છજા માડુ’ની ભૂમિ કચ્છની વાત છે. મહાભારત, શ્રીમદ ભાગવત, વાયુપુરાણ જેવા અનેક પૌરાણિક ગ્રંથોમાં કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. કચ્છની લોકસંસ્કૃતિ એટલે સાગર, રણ, કૃષિ, પશુપાલ, હસ્તકલા, લોકજીવન, લોકસંગીતથી સભર સંસ્કૃતિ, ઐતિહાસિક – ધાર્મિક – સાંસ્કૃતિક – પુરાતત્વીય – શિલ્પ – સ્થાપત્ય – ઉત્સવો એમ અનેક સાંસ્કૃતિક ચેતનાના ધબકારને ઝીલવા કચ્છમાં દર વર્ષે પ્રવાસીઓ દેશ-વિદેશથી ઉઈમટી પડે છે. કચ્છની ધરતીને પ્રકૃતિએ અપરંપાર વિવિધતા આપી છે. અહીં ધરતી છે, રણ છે, દરિયો છે, પહાડ છે, અહીંની પ્રજામાં સાહસ છે - શૌર્ય છે, ધીરતા છે ને વીરતા છે, ધર્મ છે ને કર્મ છે. કચ્છ એટલે વિવિધતા - વિરાટતા અને વિરલપણાનો સમન્વય.
કચ્છ એટલે કાચબાના આકારનો પ્રાચીન દેશ, જે આભીર તરીકે પણ ઓળખાય છે. કચ્છના અનેક પ્રવાસન સ્થળો છે જેના વિકાસ માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ, પ્રવાસન નિગમ દ્વારા અનેકવિધ પ્રયાસો અને પ્રોજેક્ટ અમલમાં મૂકાયા છે. દર વર્ષે અહીં કોઈને કોઈ નૂતન આકર્ષણ ઉમેરાતાં જાય છે.
મારું એ સદભાગ્ય રહ્યું કે 1990ના દાયકાથી આજ સુધીમાં લગભગ 25થી વધુ વાર મને કચ્છનો પ્રવાસ કરવાનો અવસર મળ્યો છે. માહિતી ખાતાની મારી નોકરીના ભાગરૂપે, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સંચાલક તરીકે, રણોત્સવમાં કાર્યક્રમ પ્રસ્તુત કરવા અને નિયમિતમરૂપે પરિવાર – પ્રિયજનો સાથે સતત કચ્છમાં જઈને આનંદ અને પ્રેમથી સભર થવાનો લ્હાવો મને મળ્યો છે. હમણાં ફરી પરિવાર સાથે કચ્છના રણમાં જવાનું થયું. રસ્તામાં ભૂજ હાઈવે પર માધાપરમાં એક હોટેલમાં દેશી ભોજન આરોગવા બેઠાં. એક નવી વેરાઈટીનું શાક મારા દોસ્ત ચંદ્રેશે જોયું અને પૂછયું કે ‘અમે બેંગ્લોરથી આવીએ છીએ, આ શાક ક્યારેય ખાધું નથી, કેવો સ્વાદ હશે?’ તો જવાબ મળ્યો કે ‘એક વાર ખાશો તો બીજી વાર માંગશો ને ન ભાવે તો તમારા બધાના ભોજનના પૈસા નહીં લઉં.’ આ સંવાદમાં કચ્છના આતિથ્યની, કચ્છીયતની, કચ્છના વ્યાપાર–વણજની ખુશ્બુ હતી. પ્રેમની ભીનાશ હતી.
કચ્છમાં રહેવા માટેની જગ્યાથી વધુ રણ વિસ્તાર છે. પશ્ચિમ ભારતમાં કચ્છનું રણ આહ્લાદક અને અજાયબ અનુભૂતિ આપે છે. અહીં સમુદ્રની ખારાશ અને સીંધુ નદીના જળની મીઠાશ મૃગજળ બનીને નજર સામે રહે છે. નાનું રણ અને મોટું રણ એમ બે ભાગમાં વહેંચાયેલું છે આ રણ. માર્ચ મહિનામાં પવનો અને સમુદ્રના જળથી અને જૂનમાં વરસાદથી રણ ભરાય છે. નવેમ્બર આવતા પાણી સુકાય અને ડિસેમ્બરમાં તો આખુંયે રણ પ્રાકૃતિક રીતે બનેલા મીઠાના કારણે સફેદ રણમાં પરિવર્તિત થઈ જાય છે. આ રમણીય રણને નિહાળવા જ આખી દુનિયામાંથી પ્રવાસીઓ આવે છે.
કારા ડુંગર કચ્છજા, મથે ઘોરા ધણ ચરેં,
સિજ ઉલઘે સામા અચેં, ત ડિસધેં ડુખ ટરે’
જેવી અનેક લોકોક્તિમાં કચ્છની પ્રકૃતિ, કચ્છની ધરતીનો મહિમા ગવાયો છે. કચ્છની લોકસંસ્કૃતિ, લોકજીવન, લોકસંગીત, પહેરવેશ અને આભૂષણો, વિવિધ પ્રકારની હસ્તકલા, મેળા, શિલ્પ અને સ્થાપત્ય, ઐતિહાસિક ઈમારતો, પુરાતત્વીય પ્રદેશો, ગઢ અને કિલ્લાઓ, ધડકી કળા, રોગાન આર્ટ, અજરખનું કામ, બન્નીનું ભરતકામ, હાથવણાટ, બાટીકકામ, જરદોશી કળા જેવી વિવિધ કલાના નમુનાઓ જોતાં અને ખરીદતાં આપણો જીવ ક્યારેય ધરાય નહીં એવું અજબ એમાં આકર્ષણ છે.
બ્રિટનના પારિવારિક સ્વજન નરેનભાઈ – સરોજભાભી હમણાં આવ્યા ત્યારે માત્ર એક દિવસ રણમાં જવાનું પ્લાનિંગ કર્યું હતું અને પછી કચ્છના ત્રણ દિવસના પ્રવાસમાં તેઓએ અન્ય સ્થળો પણ સામેલ કર્યાં. આવા તો અનેક અનુભવો આ વાંચનારના અને એમના મિત્રોના હશે જેમાં કચ્છની ધરતીની માયાએ વારંવાર ત્યાં જવા પ્રેરિત કર્યા હોય.
શાયર શૂરા સતીયું સંત સાધુ ફકીર અરહંત,
કરી કમાણી મનખા ડે, જવું નારી પિંઢ તરન
કવિ નિરંજનના આ શબ્દોનું સ્મરણ થાય, ફરી કચ્છ જવાના ઓરતા જાગે અને કચ્છની સંસ્કૃતિના અજવાળા ચિત્તમાં પથરાય.