‘અરે આટલો દમદાર અભિનય અને એને એવોર્ડ નહીં?’ આ અને આના જેવા અનેક આશ્ચર્યકારક વાક્યો વિશ્વભરના સિનેમાપ્રેમીઓએ ઉચ્ચાર્યા હતા જ્યારે જગતભરમાં છવાઈ ગયેલી હોલિવૂડ ફિલ્મ ‘ટાઈટેનિક’ને અનેક એવોર્ડ મળ્યા, પરંતુ રહી ગયો એનો મુખ્ય અભિનેતા લિયોનાર્ડો ડિ’કેપ્રિઓ.
૧૧ નવેમ્બર, ૧૯૭૪ના રોજ હોલિવૂડ, કેલિફોર્નિયામાં જન્મેલા બાળકનું નામ માતા-પિતાએ જગવિખ્યાત કલાકાર લિયોનાર્ડો દ વિન્સીના સ્મરણમાં રાખ્યું હતું. ટેલિવિઝન કોમર્શિયલથી આરંભ કર્યો અભિનયના ક્ષેત્રે કારકિર્દીનો. સોપ ઓપેરામાં કામ કરતો થયો અને ૧૯૯૧માં પ્રથમ ફિલ્મ કરી ‘ક્રીટર્સ-૩’. નાટકો અને ફિલ્મોમાં કામ કરતાં કરતાં વૈશ્વિક ઓળખ મળી જેમ્સ કેમેરોનની ફિલ્મ ‘ટાઈટેનિક’થી ૧૯૯૭માં. બધાને એવોર્ડ મળ્યો, પણ એ રહી ગયો. એવોર્ડ સામે નહીં, અદાકારી સામે જ ધ્યાન આપ્યું. ‘કેચ મી ઈફ યુ કેન’માં જોરદાર અભિનય કર્યો, પણ એવોર્ડ ના મળ્યો.
માર્ટિન સ્કોર્સિસ જેવા ફિલ્મમેકર અને રોબર્ટ દ નીરો જેવા અભિનેતા તેના વખાણ કરે, પણ ‘ગેંગ્સ ઓફ ન્યૂ યોર્ક’ ફિલ્મના એવોર્ડ માટે તેનું નોમિનેશન ન થાય. ‘એવિયેટર’માં નોમિનેશન મળ્યું તો એવોર્ડ ન મળ્યો. ‘વુલ્ફ ઓફ વોલસ્ટ્રીટ’ ને ‘બ્લડ ડાયમંડ’માં એની એક્ટિંગના મ્હોંફાટ વખાણ થયા, પરંતુ ઓસ્કર જેવા એવોર્ડ એનાથી થોડા દૂર જ રહી ગયા. એ પછીયે એ સતત મહેનત કરતો રહ્યો, પોતાની અભિનય પ્રતિભા પૂરવાર કરતો રહ્યો. ‘ઈન્સેપ્શન’ની એની ભૂમિકા દર્શકોને બહુ ગમી છતાં ઓસ્કરથી એનું કામ દૂર જ રહ્યું. પ્રત્યેક ફિલ્મે એની ભૂમિકાને એ વધુ ન્યાય આપતો રહ્યો, વૈવિધ્યપૂર્ણ રોલ કરતો રહ્યો અને આખરે હાલમાં તેને ‘ધ રેવનન્ટ’ ફિલ્મની તેની ભૂમિકા માટે ઓસ્કર એવોર્ડ મળ્યો.
ઓડિયન્સમાં હાજર ‘ટાઈટેનિક’ની સાથી અભિનેત્રી કેટ વિન્સલેટની આંખોમાં હર્ષના આંસુ હતા. દિગ્દર્શક માર્ટિન સ્કોર્સીસ તેને અભિનંદન આપતો હતો. એના લાખ્ખો ચાહકો જ નહીં, સાથી કલાકારો પણ ભાવાવેશમાં આનંદથી રડી પડ્યા એ દર્શાવે છે કે લિયોનાર્ડો ડિ’કેપ્રિઓની લોકપ્રિયતા કેટલી હતી. તાળીઓનો ગડગડાટ થતો રહ્યો અને માંજરી આંખો તથા સોનેરી ઝૂલ્ફોવાળો આ અભિનેતા સંતોષ અને આનંદ સાથે અભિવાદન ઝીલતો રહ્યો.
Appian Way નામની પ્રોડ્કશન કંપની ધરાવતો આ અભિનેતા જેટલું રળે છે એમાંથી યોગ્ય રકમ દાન આપવા માટે પણ જાણીતો છે. પર્યાવરણવાદી તરીકે પણ એ કામ કરે છે ને એના આ ક્ષેત્રના વિચારો વ્યક્ત કરતો રહે છે.
•••
આપણા બધાનો અનુભવ એવો રહ્યો છે કે આપણા ક્ષેત્રમાં પ્રત્યેક માણસ ‘આરંભે શુરા’ની જેમ શરૂઆત બહુ તાકાતથી કરે છે, પરંતુ પુરુષાર્થની સામે યોગ્ય અને અપેક્ષિત પરિણામ ન મળે તો હારી જાય, થાકી જાય, નિરાશ થઈ જાય ને પછી એનું કાર્ય માત્ર એક વ્યવહાર બની જાય છે. અભિનેતા લિયોનાર્ડો ડિ’કેપ્રિઓની કારકિર્દી - ફિલોસોફી અને કાર્યક્ષેત્ર પ્રત્યેક માણસ માટે પ્રેરક બની રહે છે.
પ્રત્યેક સૂર્યોદય એક અવસર આપે છે ને પ્રત્યેક સૂર્યાસ્ત આખા દિવસનો હિસાબ માંગે છે. હકારાત્મક અભિગમથી, રોજ નવા ઉત્સાહ સાથે, નવા સપનાં પૂરા કરવા માટેનો પુરુષાર્થ કરવાનો છે અને રોજ પોતાની જાતને પોતાના કાર્યક્ષેત્રમાં વધુ સજ્જ કરવાની છે. એક બારણું તો ખુલશે જ એ શ્રદ્ધા સાથે ત્રણ, પાંચ કે સાત બારણાં પર ટકોરાં મારવાના છે અને એ રીતે સાતત્યપૂર્ણ - સાચી દિશાનો પુરુષાર્થ કરવાનો છે. આખરે બારણું ખુલે જ છે અને જીવનમાં સૂર્યોદયના પ્રથમ કિરણો પ્રવેશે છે ત્યારે સમજણ - સમૃદ્ધિ અને સિદ્ધિઓના અજવાળાં રેલાય છે.
લાઈટ હાઉસ
કૌન કહેતા કિ આકાશમેં સુર્રાખ નહીં હો સકતા,
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો.
(લેખક ગુજરાત સરકારના માહિતી ખાતામાં અધિકારી છે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા ક્ષેત્રે લેખનથી માંડીને ફિલ્મમેકિંગનો બહોળો અનુભવ ધરાવતા લેખક સ્ટેજ કાર્યક્રમોના સંચાલક તરીકે પણ જાણીતા છે.)