જાપ મરે અજપા મરે
અનહદ હુ મર જાયે,
સૂરતા સમાન શબદ મેં
તાહિ કાલ નહિ ખાય.
શબ્દમાં સૂરતા વસે છે અને એ શબ્દનું વાંચન – શ્રવણ કરીને આપણે આપણી રૂચિ અનુસારની - સ્વભાવ અનુસારની સમજણ વિક્સાવતા જઈએ છીએ.
મકરંદ દવેએ લખ્યું છે,
ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરી,
ગમતાનો કરીએ ગુલાલ.
કેટલાયે લોકો આપણી આસપાસ હશે જેઓ ગમતાનો ગુલાલ કરીને, પોતાને જે ગમે છે, પોતાની પાસે જે છે તે મિત્રોને વહેંચતા રહે છે. કોઈ વસ્તુ વહેંચે, કોઈ વિચાર, કોઈ પ્રેમ વહેંચે કોઈ પ્રકાશ... આવા જ એક સ્વજન. જેઓ વિચારો વહેંચતા રહ્યા, પુસ્તકો વહેંચતા રહ્યા, તેઓ હમણાં સાકેતવાસી થયા.
વાત છે પ્રફુલ્લભાઈ અંબાલાલ પટેલ (સાતુનીયા - કલ્યાણપુરા)ની. નામ પ્રમાણે પ્રફુલ્લતાના ગુણના ધારક હતા પ્રફુલ્લભાઈ. શુભત્વ – શુદ્ધતાના વિચારોને તેઓ પ્રસરાવતા રહ્યા. જીવમાત્ર માટે એમના હૃદયમાં કરુણાનો ભાવ, સર્વમિત્ર રૂપે મિત્રોની મૈત્રીથી ધબકતા રહેનાર, સદભાવની જ્યોત પ્રગટાવનાર, ઓછું બોલીને સેવાના કાર્યોમાં સમર્પિત રહેનાર પ્રફુલ્લભાઈ પૂજ્ય મોરારિબાપુની કથાના દાયકાઓ જૂના શ્રોતા રહ્યા હતા.
એમની સાથેના પરિચયમાં મેં જોયું હતું કે મહુવા ચિત્રકૂટધામ કે તલગાજરડાની ભૂમિ પર ઊજવાતા ઉત્સવોમાં, અમદાવાદ તથા અન્ય શહેરોમાં યોજાતી રામકથાઓમાં તેઓ સતત કોઈને કોઈ સેવામાં સમર્પિત હોય. અમે મળીએ એટલે સાહિત્ય–સંગીત ને કલાકારોની વાતો હોય. એમના ઘરે જઈએ તો બે-ચાર પુસ્તકોની ભેટ લઈને જ નીકળવાનું બને એવો એમનો પ્રેમ. પૂજ્ય મોરારિબાપુ એમના બેસણામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રફુલ્લભાઈના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.
પૂજ્ય બાપુએ પ્રફુલ્લભાઈની પરોપકારી ચેતનાને શ્રદ્ધાંજલિ સમર્પિત કરતાં કહ્યું હતું કે ઘણા વર્ષોથી પ્રફુલ્લભાઈ સાથે પરોક્ષ–પ્રત્યક્ષ સંબંધ રહ્યો. આપણે જીવ છીએ, વિષયી ના થઈએ, સિદ્ધ ના થઈએ, સાધક થઈએ. મારી દ્રષ્ટિએ, એક સાધુની દ્રષ્ટિએ પ્રફુલ્લભાઈ સાધક હતા. ક્યાંયે આગળ આવ્યા વિના કેટલી કથાઓમાં એમના સેવાકાર્યો રહ્યા. કોઈ પાણીની પરબ બાંધે, કોઈ અન્નક્ષેત્ર ખોલે, કોઈ પુસ્તકાલય ખોલે, પ્રફુલ્લભાઈએ વિચારોની પરબ બાંધી હતી. ટિફિન વિતરણ કરતા કરતા, પરસેવા કરતા એમણે જે રીતે વિદાય લીધી છે એ એક સાધકની વિદાય છે.
પ્રફુલ્લભાઈ નિયમિતરૂપે દર રવિવારે ભરાતી ગુજરી બજારમાં જતા. મને પણ કહ્યું હતું કે આવો, પણ કોઈને કોઈ કારણોસર ન જઈ શકાયું. તેઓ ગુજરી બજારમાંથી એમને મનગમતા જાતજાતના પુસ્તકો ખરીદે, એ પોતે વાંચે, એમાં જ્યાં જ્યાં સૂત્રાત્મક વાતો હોય તો પેનથી અંડરલાઈન કરે, અથવા માર્કરથી હાઈલાઇટ કરે અને પછી મોબાઈલના વ્હોટ્સએપ ફીચરથી મને અને મારા જેવા સાહિત્યપ્રેમીઓને મોકલે. નિબંધ, કવિતા, ગઝલ, ધર્મ, અધ્યાત્મ, ઓશો, શ્રીમદ રાજચંદ્ર અને કેટકેટલા વિષય કે મહાનુભાવના સુંદર વિચાર સૂત્રો એમણે મને આપ્યા છે અને મેં મારા પ્રવચનમાં - સંચાલનમાં વહેંચ્યાં છે. એમાં થોડા અહીં લખવાનું ગમશે.
• ‘સામા માણસના અહમના ફુગ્ગામાં હવા ભરવાની કળા આવડતી હોય તો તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી તમારું કોઈ પણ કામ આસાનીથી કઢાવી લઈ શકો. માણસ બીજા કોઈનો નહીં, સિર્ફ પોતાના અહમનો જ ગુલામ છે.’
• સવાલઃ સત્યની સાધના કરવી હોય તો પહેલો કયો ગુણ કેળવવો? જવાબઃ અભય.
• માણસ વસ્તુને પ્રેમ કરવાનું અને બીજા માણસને વાપરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ અશક્ય છે.
• સાંભળો બધું, પણ એમાંથી તમારી મૂળ રૂચિ પકડજો. તમને તમારી રૂચિની ખબર ન પડે, તો મહેરબાની કરીને બહુ પુસ્તકો પણ નહીં વાંચતાં, નહીંતર તમે અટવાઈ જશો.
મારો એક દાયકા કરતાં વધુ સંબંધ પ્રફુલ્લભાઈ સાથે રહ્યો. મને અનુભૂતિ છે કે એમને પોતાના સ્વભાવની મૂળ રૂચિની ખબર હતી, પોતાને જે ગમે તે અન્ય સમાન વિચારવાળા સ્વજનોને મોકલતા અને એમ રૂચિ અનુસાર વાંચતા ને ગમતા વિચાર પ્રસરાવતા. અનુભવ તો એવો ય છે કે જ્યારે જ્યારે રૂબરૂ મળીએ ત્યારે ઓછું બોલીને, સહજ હાસ્ય સાથે, એ તમારી વધુ નિકટ આવે.
સાહિત્ય–સંગીત–નૃત્ય–ચિત્ર જેવી અનેક કળાઓ માણસના જીવનમાં વિચારબીજ આરોપિત કરવાનું સહજ કાર્ય કરે છે. કળામાં રસ ધરાવનાર પ્રેમ–પ્રસન્નતાથી સભર થાય છે. શબ્દપ્રેમી શબ્દ થકી સર્જાતા સાહિત્યમાં પોતાને જે ગમે, તે સ્વજનોમાં વહેંચતાં રહે છે. આવા અર્થપૂર્ણ વિચાર સૂત્રો આપણને ગમી જાય તો આપણને પણ મોજ પડી જાય છે. દોહામાં-કવિતામાં-ગઝલમાં-વાર્તા કે નિબંધમાં લખાયેલ એકાદ વાક્ય પણ આપણા માટે દીવડાંનું અજવાળું પ્રગટાવે છે અને આપણી આસપાસ અજવાળાં રેલાય છે.