‘અમે અહીં આવ્યા છીએ, પરત જઈશું તો પરિવાર માટે ગીફ્ટમાં શું લઈ જઈએ?’ સહજભાવે વાતચીતમાં એક મહિલાને પુછ્યું તો જવાબ મળ્યો કે, ‘યહાં કા કોસા સિલ્ક બહોત ફેવરિટ હૈ, વહી લે જાઈયે...’ છત્તીસગઢ રાજ્યના રાયપુરમાં છું દસ દિવસ માટે. શ્રી ઋષભદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત અંજનશલાકા મહોત્સવમાં ગાયક – સ્વરકાર અને પારિવારિક સ્વજન આશિષ મહેતા સાથે કલાકાર તરીકેની પ્રસ્તુતિનો આનંદ લઈ રહ્યો છું. સવાર–સાંજ કંઈને કંઈ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું આયોજન છે. આશીષ મહેતા ઉપરાંત અભિજીત ઘોષાલ, સાધો બેન્ડ, કબીર કેફે, સિમ્ફની જેવા કલાકારો સાથે સ્ટેજ શેર કરવાનો અને એ નિમિત્તે તૈયારી કરવાનો - લેસન કરવાનો આનંદ લઈ રહ્યો છું.
મધ્ય પ્રદેશમાંથી જૂદું પડીને અલગ રાજ્ય તરીકે પહેલી નવેમ્બર 2000ના રોજ છત્તીસગઢ નવું રાજ્ય બન્યું. કહેવાય છે કે અહીં એક સમયે અહીં 36 ગઢ હતા એટલે આ પ્રદેશ છત્તીસગઢ નામે ઓળખાયો. વૈદિક અને પૌરાણીક કાળથી વિભિન્ન સંસ્કૃતિઓનું કેન્દ્ર રહ્યું છે છત્તીસગઢ ક્ષેત્ર. અહીં વૈષ્ણવ – શાક્ત – શૈવ – બૌદ્ધ સંસ્કૃતિઓનો પ્રભાવ રહ્યો છે. પ્રાચીન કાળમાં આ વિસ્તાર દક્ષિણ કૌશલ નામે પણ ઓળખાતો હતો.
છત્તીસગઢ પર્વતો અને જંગલોનો બનેલો પ્રદેશ છે અને અહીંની આદિવાસી કલા પ્રાચીન છે. જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં જઈને ત્યાંની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ તથા કાપડ ખરીદવાનો કાયમી શોખ એટલે લેખના આરંભે લખેલો પ્રશ્ન પુછ્યો અને પછી અહીંની સાડી - ડ્રેસ મટિરિયલ ઉપરાંત લાકડાના - કાગળના - મેટલના - માટીના - બાંબુના અનેક ઉત્પાદનો જોયા. જ્યુટ અને ગ્લાસ ક્રાફ્ટના પણ સુંદર નમૂના આકર્ષિક કરે. ભારતની આદિવાસી કલાઓમાંની એક બસ્તરની પરંપરાગત કલાકૃતિઓ સાચ્ચે જ દર્શકોના મન મોહી લે છે.
પ્રવાસન સ્થળોની વાત કરીએ તો, મહા નદીના તટ પર પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રાજીમ અને ત્યાંનું રાજીવ લોચન મંદિર અને શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય બેઠકજી મંદિર ચંપારણ્ય જવાનું થયું. આ સિવાય અન્ય અનેક સુંદર અને મનોહારી પ્રવાસન ધાર્મિક સ્થળો અહીં છે, પરંતુ પુરો દિવસ કાર્યક્રમોની વ્યસ્તતામાં જાય એટલે જઈ ના શકાયું. ફરી ક્યારેક એ સ્થળોનો આનંદ લઈશું એમ મન મનાવ્યું.
આપણા બધા પૈકી જે પણ પ્રવાસ અને પ્રવાસનપ્રેમી હોય તેઓ મોટા ભાગે ત્યાંની ટ્રેડિશનલ આર્ટની વસ્તુઓ ખરીદવાની તક ક્યારેય છોડે જ નહીં. કચ્છમાં નિયમિત જવાનું થાય અને જેટલી વાર જઈએ એટલી વાર કંઈને કંઈ લઈને જ આવવાનો આનંદ હોય. ગુજરાતનું ગૌરવ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત લોકકલાવિદ શ્રી જોરાવરસિંહ જાદવ સાથે વાત કરતા હોઈએ ત્યારે વાતનો એક પ્રધાન સ્વર એ હોય કે આખરે માનવજીવનના કેન્દ્રમાં લોક છે અને એટલે જ મહાનગરના માણસને પણ લોકજીવન – લોકકલા કે લોકસંસ્કૃતિ અને લોક સંગીતનું આકર્ષણ રહે છે.
હોટેલમાંથી બહાર નીકળ્યા અને સારંગી કે રાવણહથ્થા જેવું એક વાજિંત્ર લઈને એક ભાઈ પસાર થયા. શેરીઓમાં વગાડતાં રહેને વાજિંત્ર વેચતા રહે. એમની સાથે થોડો સૂરીલો સત્સંગ કર્યો. ‘હમારા ગુજરાન ઈસીસે ચલ જાતા હૈ...’ એવું એણે ગૌરવ સાથે કહ્યું એ જોઈને આનંદ થયો.
થોડા વર્ષો પહેલાં એક કાર્યક્રમ માટે ત્રણ દિવસ આવવાનું નિમંત્રણ હતું, જે શક્ય નહોતું બન્યું, પરંતુ આ વખતે પુરા દસ દિવસ રાયપુર રહીને છત્તીસગઢની સંસ્કૃતિને થોડીઘણી જાણી. પ્રવાસનનો પ્રેમ આપણને જીવાડે છે અને એમાંય વ્યવસાય કે શોખના ભાગરૂપે દેશ–વિદેશમાં ફરવાનું થાય અને જે તે પ્રદેશની સંસ્કૃતિ - સભ્યતા - ઈતિહાસ જેવી અનેક વિશેષતાથી સભર થઈએ ત્યારે પરમાત્માની અસીમ કૃપાના અજવાળાં ઝીલી રહ્યાંની અનુભૂતિ થાય.