‘આ પણ પરમાત્માની એક અર્થમાં કૃપા જ કહેવાય ને!’ જસ્મીને કહ્યું.
ઘટના આમ જુઓ તો નાની છે, સીધી સાદી છે, પરંતુ એમાં જે તાણાવાણા જોડાયેલા છે, એમાં લાગણીની જે ભીનાશ છે, એમાં દોસ્તીના સંબંધો માટેનું જે સમર્પણ છે એનાં અજવાળાં ઝીલ્યાં એનો આનંદ છે.
ધ્વનિ અને પિયુષના લગ્નજીવનમાં અનન્યા નામની દીકરીનું પ્રાગટ્ય થયું. ધીમે ધીમે એ ઉછરતી ગઈ, પરિવાર, પ્રિયજનો અને સ્વજનોનું વર્તુળ મોટું એટલે એક અર્થમાં કહેવાય કે કાયમ એ આઠ-દસ લોકોના ગ્રૂપ વચ્ચે જ રહી. શારીરિક સાથે માનસિક વિકાસ, બોલચાલ, સમજણ, સાંકેતિક ભાષા, ગીત-સંગીત અને નૃત્ય-ફોટોગ્રાફી બધાં સાથે એ બરાબર તાલ મેળવતી થઈ.
હવે વાત આવી એના પ્રથમ જન્મદિવસની ઊજવણીની. પિયુષના મોટા ભાગના સગાં-સ્નેહી મધ્ય પ્રદેશના જબલપુરમાં રહે. ત્રણ મહિના આયોજન કરાયું કે અનન્યાના જન્મદિવસ નિમિત્તે બધાએ જબલપુર જવું. 22-25 વ્યક્તિઓની આવતાં-જતાંની પ્લેન-ટ્રેનની ટિકિટો કન્ફર્મ થઈ. માત્ર જન્મદિવસ ઊજવવા નહીં, સાથે એક ટ્રીપ પ્રાકૃતિક વાતાવરણમાં થઈ જાય એટલે પેન્ચના જંગલોમાં રહેવાનું, સફારી કરવાનું, નર્મદાકિનારે ભેડાઘાટ, ચોસઠ જોગણીનું મંદિર, બારગી ડેમ જેવા પ્રવાસન-આધ્યાત્મિક સ્થળોનો પ્રવાસ ગોઠવાયો. સાથે મળીને એક યાદગાર પ્રવાસ થયો.
અમદાવાદથી હિમાંશુ, જસ્મીન અને અમારો પરિવાર, મુંબઈથી બહેન નીલા અને બેંગ્લોરથી હર્ષા તથા ભાણેજ પ્રાચી જોડાયા. જંગલોમાં પ્રકૃતિના સાંનિધ્યમાં ચારેતરફ ગાઢ જંગલોની વચ્ચે પ્રાઈવેટ રિસોર્ટ્સમાં રહ્યા. આખુંયે રિસોર્ટ્સ સુવાંગ આપણું જ હતું. પંખીઓના કલરવ, વહેતા ઝરણાનો નિનાદ, ગ્રામ્યજીવનનો આનંદ, વરસતા વરસાદમાં ભજીયા અને ચાનો જલ્સો... દિવસની બે સફારી ટાઈગર દર્શન માટેની કરી તોયે કોઈના ચહેરા પર થાક નહીં. એ પછી પણ જબલપુરમાં રહીને આસપાસના સ્થળોએ પ્રવાસનો આનંદ લીધો. ખૂબ પ્રેમપૂર્ણ અને વાત્સલ્યમય વાતાવરણમાં સો-દોઢસો માણસો સાથે અનન્યાનો પહેલો જન્મદિવસ ઊજવ્યો. એવું ક્યારેય ના બન્યું કે અનન્યા ક્યાંક થાકી-કંટાળી કે રડી હોય... લોકો વચ્ચે રહીને મોજ કરવાના સંસ્કાર કદાચ એને આસપાસના વાતાવરણમાંથી મળ્યા જેના કારણે આ શક્ય બન્યું.
આજકાલ આપણે જે રીતે વ્યસ્ત જિંદગી જીવીએ છીએ એમાં અતિ શ્રીમંત નહીં, અપર મિડલ ક્લાસના માણસો આ રીતે આયોજન કરે, સાર્થક થાય. માત્ર ને માત્ર પ્રસન્નતાનો અનુભવ થાય તો એ પરમાત્માની જ કૃપાનો અનુભવ કહેવાય.
આ વાત જસ્મીને કરી હતી. સાચ્ચે જ ઘણી વાર આપણે પરપોટાનો ફોટો લેવામાં દરિયામાં ભીંજાવાના આનંદને માણી શકતા નથી. જે મળ્યું છે એનો આનંદ પામવાને બદલે કોઈ મોટા સુખના ગણિતમાં વ્યસ્ત રહીએ છીએ. પરમાત્માની કૃપા તો અવિરત વરસતી જ રહે છે. આપણે જો એને પામી શકીએ તો આજ કે આનંદ કી જયનો નાદ પણ અનુભવી શકીએ. આ પ્રસંગ વ્યક્તિગત અનુભૂતિનો છે છતાં લખ્યો છે કારણ કે વાચકના જીવનમાં પણ આવી ઘટનાઓ બનતી જ રહે છે. એવા સમયે જો એમાં પરમાત્માની કૃપાનો અનુભવ થાય તો એને પામ્યાના, પ્રસન્નતાને પ્રેમનાં અજવાળાં રેલાતાં હોય છે. પરમાત્માની કૃપાના અજવાળાંને ઝીલતાં રહીએ.