જે સુલગે તે બુઝ ગયે
બુઝે તો સુલગે નહિ
રહિમન દાહે પ્રેમ કે
બુઝિ બુઝિ કે સુલગાહી.
રહિમ કહે છે કે આગ બુઝાઈ પછી ફરી ન લાગે, પ્રેમ અગ્નિ તો બુઝાઈને પણ ફરી ફરી પ્રગટે છે. આ જ વાત કબીર સાહેબ આમ લખે છે.
પ્રીત પુરાની ના હોત હૈ, જો ઉત્તમ સે લાગ,
સૌ બરસા જલ મેં રહે, પત્થર ના છોરે આગ....
પ્રેમ ક્યારેય જૂનો નથી થતો, જેમ સો વર્ષ વરસાદમાં ભીંજાયા પછી પણ પથ્થરથી આગ અલગ નથી થતી.
પ્રેમ... અઢી અક્ષરનો આ શબ્દ... એના વિશે માનવ સભ્યતાનો શબ્દ સાથે સંબંધ જોડાયો ત્યારથી આ પળે હું લખી રહ્યો છું ત્યાં સુધી અપરંપાર લખાયું - બોલાયું - વંચાયું - ગવાયું, પરંતુ એક અનુભૂતિ એ પણ રહી કે આ બધામાં પ્રેમની અભિવ્યક્તિ થયા પછી પણ થાય કે પ્રેમ તો એની ચરમસીમાએ મૌનમાં જ અભિવ્યક્ત થાય છે.
કોઈ એક દિવસ પછી તે જન્મદિવસ, મેરેજ ડે, વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશિપ ડે વગેરે વગેરે વગેરેના દિવસે આપણે વૈવિધ્યપૂર્ણ રીતે પ્રેમ બતાવીએ – સ્વીકારીએ છીએ. હવે તો આ આખીયે પ્રક્રિયામાં સંવેદના સાથે માર્કેટિંગ અને બિઝનેસ ભળી ગયા છે. જાતજાતની વસ્તુઓ સાથે જોડાયેલા ડે દ્વારા જ પ્રેમ અભિવ્યક્ત થાય એવું પણ કેટલાકને લાગે. અભિવ્યક્તિ માટે કોઈ એક માધ્યમ હોય એ જરૂરી છે, પરંતુ વાત અહીં અટકવી ના જોઈએ એ પણ એટલી જ હકીકત છે. કોઈને કોઈ આર્થિક રીતે મૂલ્યવાન ગિફ્ટ આપે એ જરૂરી છે કે પછી જેનું મૂલ્ય જ ના થાય એવો સમય આપે, એવો સ્નેહ આપે, એવું સ્મિત આપે એ જરૂરી છે? આખરે એક માણસ જ્યારે બીજા માણસને પ્રેમ કરે છે ત્યારે સામેનું પાત્ર રાજી રહે, આનંદ પામે, મસ્તી અને મોજ અનુભવે એ જ ભાવ હૃદયમાં ભર્યો છે ને! ગોપીઓએ કૃષ્ણને પ્રેમ કર્યો તો માત્ર એક જ ચાહના રાખી કે બસ કૃષ્ણ રાજી રહે, કૃષ્ણ ખુશ રહે. જ્યાં જ્યાં, જ્યારે જ્યારે કોઈએ કોઈને પ્રેમ કર્યો છે ત્યારે હૃદયમાં એક જ ભાવ રહ્યો છે કે હું જેને પ્રેમ કરું છું એ ખુશ રહે.
પ્રેમ શબ્દોથી વ્યક્ત થાય એના કરતાં વધુ આંખોથી, એના કરતાં વધુ સ્પર્શથી, એના કરતાં વધુ મૌનથી અને એના કરતાં વધુ કદાચ આંસુઓમાં અભિવ્યક્ત થાય છે. આંસુ એ પ્રેમની સૌથી સર્વોચ્ચ ભેટ છે પ્રેમીને માટે.
પ્રિયજન સાથે વીતાવેલો સમય, સ્પર્શની અને આનંદની પળો, સાથે કરેલા પ્રવાસો - યાત્રાઓ – નૃત્ય – ગીત – સંગીત, મેદાની કે ઈન્ડોર ગેઈમ્સ – આ બધું યાદ આવે અને આંખમાં આંસુ છલકાય. પ્રિયજન સાથે જ હોય, સામે જ હોય અને એની આંખમાં આંખ મેળવતા આંખો ભીની થાય એનાથી વધુ શ્રેષ્ઠ પળો જીવનની કઈ હોઈ શકે?
પ્રિયજનને રાજી રાખવા આપણે આપણા સ્વભાવમાં બદલાવ લાવતા નથી, સહજપણે બદલાવ આવી જાય છે. પ્રિયજનને રાજી રાખવા પ્રયત્ન નથી કરવો પડતો, એ સહજ જ થઈ જાય છે. પ્રેમ આપણી અંદર પ્રગટે છે ત્યારે કદાચ આપણને પણ ખબર પડતી નથી અને પ્રેમની ખુશ્બુથી આપણે છલકાઈ ઊઠીએ છીએ. પછી એ પ્રેમની ખુશ્બુની સુગંધ આપણી આસપાસ પ્રસરે છે. પ્રેમની લાગણીમાં - સંવેદનામાં હંમેશા ભરતી જ આવે... ઓટ આવે તો એ આપણામાં રહેલી કોઈક ખોટ, કોઈક ગણિતના કારણે હોય છે. બાકી પ્રેમી તો માત્ર ને માત્ર પ્રેમ – પ્રેમ ને પ્રેમ જ વરસાવે... પ્રિયજન રોજ રૂબરૂ મળે જ એ જરૂરી થોડું છે? અરે વર્ષો સુધી પણ ના મળે અને છતાં જ્યારે આપણે એના માટે માત્ર ને માત્ર શુભ ઈચ્છીએ, રોજ એ ખુશ રહે એવી પ્રાર્થના કરીએ ત્યારે આપણી અંદર પ્રેમ છલકાય છે એની આપણને અનુભૂતિ થાય છે. આવી ક્ષણે આનંદ એ વાતનો હોય છે કે આપણે આપણી નિજતા નથી છોડી, આપણે માત્ર પ્રેમ જ કર્યો છે ને કરીશું એની અનુભૂતિ થાય છે.
સંગાથે હોઈએ ત્યારે તો જીવનની પળ પળને આપણે પ્રેમથી સભર કરીએ જ, પરંતુ સંગાથે ના હો, સ્મરણમાં જ હો, એ સમયે પણ પ્રિયજનના સાંન્નિધ્યનો વણકહ્યો પ્રેમનો વૈભવ માણી શકીએ ત્યારે પ્રેમના અજવાળાં રેલાય છે. આ પ્રેમના અજવાળાં જ્યારે જ્યારે ઝીલાયા તે તે ક્ષણો સોનેરી બની જાય છે ને આપણે નાચી ઊઠીએ છીએ... પ્રેમની અનુભૂતિ આવી પળ પળ બની રહો.