‘સાયબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની, ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જાણે પતંગની...’ એકાએક અભિષેકને આ ગીત યાદ આવ્યું. ગેલેરીમાં બેઠો હતો, કોફી પીતો હતો. ૧૨મા માળેથી દેખાતા ખુલ્લા આકાશમાં એની સામે ઊડતા હતા રંગબેરંગી પતંગો અને એને વીતેલી અનેક ઉતરાણોનું સ્મરણ થઈ આવ્યું. પ્રેમપર્વ - પ્રકાશપર્વ - ધર્મપર્વ - અધ્યાત્મ પર્વ ઉતરાણ - મકરસંક્રાંતિ.
પતંગ ચગાવતાં અજાણતા થયેલો એક મૃદુલ સ્પર્શ જેણે રોમાંચ આપ્યો, પતંગ લૂંટવા કે ચડાવવા કે કોઈને પતંગ કપાયા સમયની શરીરની સ્ફૂર્તિ, અગાસીમાં ગોઠવતા સ્પીકર્સ અને વગાડવામાં આવતાં ગીતો, ક્યારેક વળી એ દિવસોમાં ક્રિકેટ મેચ હોય તો એની કોમેન્ટ્રી, ઉંધીયું-પુરી-બરફી ચુરમું, શેરડી-બોર, અગાસીમાં પડેલા પતંગો-ફિરકી-દોરીઓના લચ્છા, ગુંદરપટ્ટી, ક્યારેક હવા ન હોય તો ઉતરી ગયેલા ચહેરાઓ, ક્યારેક વધુ પવન હોય તો માંજાની દોરીથી છોલાયેલી આંગળીઓ, આહાહા... ઉતરાણ એટલે તો બસ જલસો ને જલસો.
અભિષેકના હૈયે કેટકેટલા સ્મરણો ઊમટી આવ્યા. દિવાળીના તહેવારો પૂરા થાય અને આકાશમાં રંગબેરંગી પતંગો ઊડવા માંડે. રસ્તાની ફૂટપાથ પર માંજો પાનારા આવી જાય. દોરી પર તૈયાર થયેલો માંજો ચડાવાય, સુકાયા બાદ તેને વીંટાય અને આમ ફિરકી તૈયાર થાય. માંજો ચડાવનાર પૂછે, ‘તમારે ઢીલવાળી દોરી જોઈએ છે કે કાપવાની?’ બાળપણમાં દોરી માટે વપરાતો આ પ્રશ્ન માણસ માટે મોટો થાય એટલે સંબંધો માટે પણ કરતો થઈ જાય! સંબંધોમાં ઢીલ મુકવી કે કાપી નાંખવા?
વર્ષ ૨૦૧૩માં આવેલી ગુજરાતી બેકગ્રાઉન્ડ પરની ફિલ્મ ‘કાઈપો છે’નું ગીત અભિષેકને યાદ આવી ગયું.
રૂઠે ખ્વાબો કો મના લેંગે
કટી પતંગો કો થામેંગે
હાં હાં હાં જજબા
સુલઝા લેંગે ઉલઝે
રિશ્તોં કા માંઝા...
એક મકરસંક્રાંતિના દિવસે એની લાડકી કઝીન સાથે કોઈ વાતે ટકરાવ થઈ ગયો હતો, તે છ મહિના કારણ વિનાના અબોલા રહ્યા હતા. એ ય પાછા મીઠા, ત્રીજા વ્યક્તિને સંબોધન કરીને બેઉ ભાઈ-બહેન વાત કરે, પણ સીધા વાત ના કરે... સંબંધોની દોરમાં પડેલી ગૂંચ ઉકેલાઈ પણ ગઈ, એનેય આજે ચાર દાયકા કરતા વધારે સમય થયો.
પતંગ પર્વ થકી આડોશ-પાડોશના પરિવારો સાથે સ્નેહ-સંબંધ વધુ મજબૂત થાય, ઘરમાં બનાવેલી વાનગીઓની આપ-લે થાય, પ્રિયજનો-સ્વજનો સાથે પૂરો દિવસ લગભગ અગાસીમાં જ રહેવાનું થાય... લાગણીની-સ્નેહની દોર જેટલી છુટ્ટી મુકાય એટલો સંબંધનો પતંગ વધુ ઉપર જાય.
મકરસંક્રાંતિ ભારતના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી પરંપરાઓ મુજબ ઊજવાય. સૂર્યનું મકર રાશિમાં થતું આગમન એટલે મકરસંક્રાંતિ. સુર્યનારાયણની આરાધનાનું પર્વ, ઉજાસનું પર્વ, ઉત્તરાયણના પર્વથી કમૂરતાં પણ દૂર થાય, લગ્ન અને વાસ્તુ જેવા માંગલિક કાર્યોમાં લોકો ફરી જોડાય.
આધ્યાત્મિક રીતે પણ આ દિવસે દાન-પૂણ્ય થાય, ભુખ્યાંને ભોજન અપાય, તલના લાડુ વહેંચાય, મંદિરોમાં દર્શનનો પણ વિશેષ મહિમા છે ઉત્તરાયણનો.
પતંગની ગતિ હંમેશા ઊંચાઈ તરફ હોય છે, વિકાસની દિશામાં, પ્રગતિની દિશામાં, ઉન્નત શિખર તરફ, અસીમ આકાશ તરફ થઈ રહેલી એની ગતિ આપણને સહજ સંદેશ આપે છે, દોરારૂપી અને ઊડાવનાર રૂપી સાધન કે પુરુષાર્થ હોય, પ્રાર્થના અને શ્રદ્ધારૂપી અનુકૂળ હવા હોય તો આપણા જીવનનો પતંગ પણ ઘણે ઊંચે પહોંચી શકે છે. બીજાઓને પેચ લગાવવાના કે કાપવાના પ્રયાસો સામે સાહસથી ઝુઝી શકે છે, ટકી શકે છે.
પવન અને પતંગનો સંબંધ પણ અનોખો છે. પ્રેમ પર્વ - ઊર્જા પર્વ - આનંદ પર્વ બની રહેલા પતંગ પર્વને મન ભરીને માણીએ પણ સાવચેતીને કોરાણે ના મુકીએ. જ્યાં જ્યાં મસ્તી છે, આનંદ છે ત્યાં ત્યાં જવાબદારી પણ છે જ. આ બંનેનો ખ્યાલ રાખીને પતંગ પર્વ ઉજવાય, મસ્તીને મ્યુઝિક સાથે ઊજવાય ત્યારે એ દાયકાઓ સુધી સચવાય એવા મીઠાં સંભારણારૂપ બની રહે છે.
આવી જ અનુભૂતિ આજે અનાયાસ અભિષેકને થઈ રહી હતી. પતંગ પર્વના વીતેલા દાયકાઓ એમાંય ખાસ કરીને કિશોર અને યુવાવસ્થાનો એ સમય જાણે એના અસ્તિત્વને એ શેરી એ અગાસીમાં લઈ ગયો અને સ્મરણોનું અજવાળું ચારેકોર ફેલાયું.