‘મમ્મી, હું થાકવા નહિ, ભણવા અને રમવા જાઉં છું.’
દીકરો સ્કૂલ-પ્રાઈવેટ ટ્યુશન અને રમતના મેદાનોમાં સતત પ્રવૃત્ત રહે એટલે ચિંતિત માને દીકરાએ જવાબ આપ્યો. આ દીકરાએ અત્યાર સુધીમાં માત્ર ૧૬ વર્ષની ઊંમરે ૫૦થી વધુ ટ્રોફી, ૩૦૦થી વધુ મેડલ્સ અને અન્ય ઈનામો મેળવ્યા છે. તાજેતરમાં ધોરણ દસમાની પરીક્ષામાં એણે ૫૦૦માંથી ૪૯૪ માર્કસ મેળવ્યા છે. ૨૦૧૯ના વર્ષના છ મહિના પૂરા થવામાં છે ત્યાં સુધીમાં તો આ ભાવનગરી કિશોરે ૨૫ મેડલ્સ મેળવ્યા છે.
એ છોકરાનું નામ ચિન્મય વૈષ્ણવ. માતા દીપ્તીએ હોમ સાયન્સ સાથે બીએ કર્યા બાદ લગ્ન કરીને એમ.એ. કર્યું છે, ને પિતા સુરીલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવીને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ૨૦૦૩માં ચિન્મયનો જન્મ થયા બાદ એની વિશેષ કાળજી લેવી પડે એવી સ્થિતિ હતી, જે એની માતાએ અને પરિવારે પૂરેપૂરી લીધી હતી. ભાવનગરની ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં નર્સરીમાં દાખલ થયો એ પછીથી ધોરણ ૧થી ૬ સુધીની તમામ પરીક્ષાઓમાં ચિન્મયને ૧૦૦માંથી ૧૦૦ ટકા માર્કસ આવ્યા હતા. એ પછી થોડા ઘટ્યા, પણ ૯૮ ટકાથી નીચે તો નહિ જ!
દરેક મમ્મીઓની જેમ ચિન્મયના મમ્મીને પણ હોંશ કે એને નવા નવા ક્લાસમાં એકસ્ટ્રા એક્ટિવિટી માટે લઈ જઈએ. એ રીતે ગણિત સાથે જોડાયેલી એક સંસ્થાના ક્લાસમાં બેઝિક કોર્સમાં એને મૂક્યો ત્યારે લેવાયેલા ટેસ્ટના પરિણામો જોઈને સંચાલકોએ કહ્યું ‘આને તો સિનિયર લેવલમાં મુકવા જેવો છે...’ માતાએ હા પાડી ને દીકરાએ દોટ મૂકી. ગણિત અને વિજ્ઞાનની કેટકેટલી પરીક્ષા આપવા માંડ્યો. ટ્રોફી કે ઈનામો જીતવામાં એને પ્રથમથી ઓછો નંબર તો સપનામાં યે ન આવે!!
૨૫ મે ૨૦૧૩ના દિવસે મલેશિયામાં યોજાયેલી મેન્ટલ લેવલ એરિથમેટિકની ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં એ ગ્રાન્ડ ચેમ્પિયન બન્યો.
આટલું વાંચીને એવું ન માનતા કે એણે માથાકુટિયા ગણાયેલા મેથેમેટિક્સ સાથે જ બથોડા લીધા છે. સ્કૂલનો અભ્યાસ, ગણિતના ટ્યુશન અને એમાંથી સમય બચાવીને મમ્મી લઈ જતી હતી કરાટેના ક્લાસમાં. તે ૨૦૧૫માં તો એ બ્લેક બેલ્ટ થઈ ગયો. એ ય માત્ર ૧૨ વર્ષની ઉંમરે. હજુ વાત અહીં અટકતી નથી. એક દિવસ મમ્મી-પપ્પાને કહે કે ‘મારે બાસ્કેટ બોલ રમવું છે...’ બેટા, હવે કેટલું કરીશ? માતાએ સહજ ચિંતાથી કહ્યું. ‘તું ચિંતા ના કર, હું બધે પહોંચી વળીશ.’ એવો જવાબ આપીને બાસ્કેટ બોલની રમતમાં એવો પારંગત થયો કે બે વાર એ સ્ટેલ લેવલની કોમ્પિટિશન રમી આવ્યો છે.
૨૦૧૩માં કોઈએ કહ્યું કે બાળકોને પ્રોત્સાહિત કરવા અપાતા પ્રેસિડેન્ટ એવોર્ડ માટે અરજી કરો. તો એમાંય એ પસંદ થયો ને દિલ્હીમાં નવેમ્બર ૪ ૨૦૧૩ના રોજ નેશનલ ચાઈલ્ડ એવોર્ડ મેળવ્યો. અમદાવાદની પ્રતિષ્ઠિત એવી YMCA ક્લબમાં એના મેથેમેટિક્સ કૌશલ્યનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું ત્યારે મેયરના હસ્તે સન્માન કરાયું હતું.
પિતા સુરીલ કહે છે, ‘એ ક્યારેય સ્ટ્રેસ અનુભવતો નથી, હંમેશા પ્રત્યેક કામ દિલથી કરે છે અને એટલે જ મારી આશા છે કે ભવિષ્યમાં એ અમારા ગામ ભાવનગરનું નામ રોશન કરે અને વિશ્વભરમાં અમે એના માતા-પિતા તરીકે ઓળખાઈએ અને ગૌરવ અનુભવીએ....’
દાદા રાજેશભાઈ વૈષ્ણવનો ઋજુતા-સરળતા અને બીજાને ઉપયોગી થવાનો વારસો પણ એણે જાળવ્યો છે. દાદી માધુરીબહેન તો પૌત્રની પ્રગતિ જોઈને રાજી રાજી થઈ જાય. ચિન્મયના નાની હંસાબહેન પોરબંદરની આર્યકન્યા ગુરુકૂળમાં પ્રિન્સિપાલ હતા અને નાના કિશોરભાઈ ભટ્ટ એસબીઆઈમાં મેનેજર હતા. એના કાકા હીરેન, કાકી શિવાની અને કઝીન વૃષ્ટિ એની સિદ્ધિઓમાં પ્રેરક રહ્યા છે.
મમ્મી દીપ્તિ કહે છે, ‘એ મારો દીકરો તો છે જ પણ એથી વધુ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. કોમ્પિટિશનમાં ભાગ લેવા એ જ્યાં પણ જાય અમે સાથે જ હોઈએ.’
એ પહેલેથી જ સ્પષ્ટ હતો કે બાયોલોજી એ મારા બ્રેડ-બટરનો વિષય નથી એટલે ધોરણ-૧૧માં એણે એ ગ્રૂપ પસંદ કર્યું છે. આગળ જતાં કોમ્પ્યુટર એન્જિનિયર થવું છે, વિદેશમાં અને ભારતમાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવીને ગામ-રાજ્યને દેશનું ગૌરવ વધારવું છે ને એથી આગળ, પોતે જે પામ્યો તે બીજાને શીખવવું પણ છે. ગણિત સાથે દોસ્તી કેળવનારા ચિન્મયને મળો કે ફોનમાં વાત કરો ત્યારે એક પળ પણ એની લાગણી-ઉષ્મા-પ્રેમના સંબંધોમાં ગણિત ન આવે. એ સતત પ્રેમ-પ્રસન્નતાથી, ઊર્જાને ઉલ્લાસથી છલકતો હોય... ટીચરોના, પરિવારના સપોર્ટથી જ્યારે જ્યારે વિદ્યાર્થીની આવી આંતરિક શક્તિઓ વિક્સે ત્યારે જ્ઞાનના દીવડા પ્રગટે છે ને અજવાળા રેલાય છે.