‘શું વાંચન હમણાં કરી રહ્યાં છો?’ આ પ્રશ્ન લોકડાઉનના સમયમાં વધારે પુછાયો.
મોટા ભાગે લોકોએ કાંઈને કાંઈ વાંચન કર્યું. પુસ્તકો વાંચવાનો આનંદ લીધો અને અને જ્ઞાનથી સભર થયા.
મેં પણ થોડા સમય પહેલાં ખરીદેલું રોબીન શર્માનું ગુજરાતી અનુવાદિત પુસ્તક ‘ભવ્ય જીવન’ વાંચ્યું. એની વાત કરવી છે અહીં. નેતૃત્વ વિશેના વિશ્વ વિખ્યાત ગુરુ રોબિન શર્માએ માત્ર ૩૦ દિવસોમાં વ્યક્તિગત અને આધ્યાત્મિક રીતે ભવ્ય જીવન તરફની ગતિ બતાવી છે અને બહુ રસપ્રદ શૈલીમાં.
લોકડાઉનના સમયમાં સામાન્ય દિવસો કરતા વધુ વાંચન થયું. પુસ્તકોના કબાટમાંથી આ પુસ્તક લીધું અને ત્રણેક દિવસમાં પૂરું કર્યું. કેટલીક વાતો જે બારમાસી તાજગી આપનારી હતી એની નોંધ પણ કરી, આ દિવસોમાં કોરોના વાઇરસની અસરના કારણે બાહ્ય દુનિયામાં જે વાતાવરણ હતું એની સામે પ્રેરણા આપે, પોઝિટિવિટી આપે એવું બહુ બધું... જરા જુદી રીતે લખાયેલું વાંચવા મળ્યું. આખી દુનિયાના મોટીવેશનલ સ્પીકરો કે લેખકો જે વાતો કહે છે એ જ વાતો એમાં પણ હતી. પરંતુ કદાચ સાંપ્રત વાતાવરણમાં એ વધુ ઉપયોગી અને અસરકારક લાગી.
પુસ્તકના આરંભે જ લખાયું છે કે ‘જો તમે હાલમાં બહુ ચિંતાગ્રસ્ત હો તો આ નકારાત્મક ટેવને ભૂંસી શકાય.’ સતત સમયનું મૂલ્ય બધા જાણીએ જ છીએ પણ અહીં એક વાક્ય અસરદાર છે કે ‘ભોજન કદાચ ભૂલી જાવ, પણ અંગત વિકાસ માટેના સમયને ભૂલશો નહીં. બહારની સફળતાની શરૂઆત અંદરથી થાય છે.’
આ પુસ્તકના પાનાંઓ પર પ્રેરક ક્વોટેશન્સ પણ મળી આવે છે. જેમ કે,
‘અતિ કિંમતી વસ્તુઓને ક્યારેય ઓછી કિંમતી વસ્તુઓની તુલનામાં મુકવી નહીં.’ - જર્મન કવિ જ્હોન વોન ગોઈથે
‘હું એટલી બધી વાર નિષ્ફળ ગયો છું કે મારે માટે માત્ર સફળતા જ બાકી રહી હતી.’ - એડિસન
‘કોઈ આપણું સ્વમાન લઈ શકે નહીં, જો આપણે એમને આપીએ નહીં તો...’ - ગાંધીજી
લેખક રોબિન શર્મા લખે છે કે, દરેક દિવસ માટે જીવો અને દરેક ક્ષણ ઉત્સવ કરો. સફળતા એ મુસાફરી છે, અંતિમ મુકામ નથી. એક બહુ મહત્ત્વપૂર્ણ વાત લખે છે કે રોજિંદા વ્યવહારોમાં ૬૦ ટકા સાંભળો અને ૪૦ ટકા બોલો, ગપ્પાં મારવા પર કાબૂ રાખો અને ફરિયાદો બંધ કરો. લેવા કરતાં આપવાની ટેવ પાડો, મન બગીચા જેવું છે, જેવું તમે વાવશો તેવું તમે લણશો.
ભવ્ય જીવનના નિર્માણ માટે લેખકે કેટલાક પ્રયોગો સૂચવ્યા છે જે આપણે આપણા રોજિંદા જીવનમાં પણ અમલમાં મૂકી શકીએ.
લખે છે કે, મિત્રોને યાદ કરો, ફોનથી વાતો કરો, મિત્રો સાથે ફરવા જાવ, તમારા જીવનસાથીના ટેકેદાર બનો, કસરત કરો, ચાલવાનું નિયમિત રાખો, રોજ અરીસા સામે ઊભા રહીને પાંચ મિનિટ હસો ને એ મુજબ આખો દિવસ વર્તવા પ્રયત્ન કરો. આગામી સમય માટે આયોજન કરો. એને સાર્થક કરવા પુરુષાર્થ કરો. ઓછું બોલો. તમારા મનના ભયને કોઈ પણ હિસાબે દૂર કરો. મન અને શરીરને સુધારવા સંકલ્પ કરો અને તેમાં વિજયી થાવ. રોજ એક કલાક અંગત વિકાસ માટે આપો અને રોજ જાતને પૂછો, ‘હું મારા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ તો કરું છું ને?’
•••
લોકડાઉન, અને એ પણ આટલા લાંબા સમય માટે, અને એમાં પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના સમયનો યથાયોગ્ય ઉપયોગ કર્યો. પોતાના શોખને સંવર્ધિત કર્યો, સર્જનાત્મક કાર્યો કર્યાં-કાંઈક નવું શીખ્યા, વાંચ્યું-લખ્યું-ગીતો ગાયા, રસોઈ કરી, ઘરકામ કર્યા, ફિલ્મો જોઈ, બાળકો અને પરિવાર સાથે રમ્યા. આ બધામાં એક પ્રવૃત્તિ વાંચનની પણ હતી. પુસ્તકોમાં સમાયેલાં શબ્દોના અજવાળાં ભવ્ય જીવન તરફ ગતિ કરાવશે એ પૂર્ણ શ્રદ્ધા છે.