બાસુદાઃ લોકપ્રિય જ નહીં, સાર્થક સિનેમાના પ્રહરી

અજવાળું અજવાળું

તુષાર જોષી Sunday 28th June 2020 08:16 EDT
 
 

‘જે નજરથી ઓજલ થાય છે એની તીવ્ર યાદ આવે છે.’ બાસુ ચેટરજીનું તાજેતરમાં જ અવસાન થયું. એમની જ ફિલ્મનું ગીત અહીં બંધબેસતું છે.
‘ન જાને ક્યું, હોતા હૈ યું જિંદગી કે સાથ, અચાનક યે મન, કિસી કે જાને કે બાદ, કરે ફિર ઊસકી યાદ, છોટી છોટી સી બાત...’
સંગીતપ્રેમી સ્વજન મિલન જોષી એમના પેજ પર લખે છે ને નજર સામે તરવરે છે બાસુ ચેટરજીની ફિલ્મોના સીધા-સાદા-સરળ પાત્રો. તેમના જીવનના પ્રસંગો-ગીતો. આપણને એવું જ લાગે જાણે આ પાત્રો આપણી આસપાસ જ જીવી રહ્યા છે. ભારતના સિનેમાપ્રેમીઓ પૈકીનો મોટો વર્ગ નીચલા કે ઉપલા મધ્યમ વર્ગનો છે અને આ વર્ગ હંમેશા બાસુદાને યાદ કરશે કારણ કે બાસુદાએ એમની ફિલ્મોમાં આ વર્ગની જીવનકથાઓ રજૂ કરી છે.
મૂળ બંગાળી પરિવાર, પરંતુ એમના પિતાજી રાજસ્થાનમાં રહે એટલે જન્મ થયો અજમેરમાં. પછી આગ્રા રહ્યા. મથુરામાં એજ્યુકેશન કરીને મુંબઈ આવ્યા. થોડો ટાઈમ કાર્ટૂનિસ્ટ તરીકે પણ કામ કર્યું. આગ્રા નિવાસ દરમિયાન શૈલેન્દ્ર સાથે દોસ્તી હતી તે મુંબઈમાં કામ આવી.
એમની કારકિર્દીનો આરંભ થયો ૧૯૬૯માં ફિલ્મ ‘સારા આકાશ’થી જેમાં તેઓએ દિગ્દર્શન અને સ્ક્રિન-પ્લે રાઈટરની બેવડી ભૂમિકા ભજવી હતી. અને એ પછી ૧૯૭૦ના દાયકામાં તો બાસુ ચેટરજીએ દેશના મધ્યમ વર્ગના લોકોના પ્રશ્નો-સંવેદના-લાગણી પ્રેમને અભિવ્યક્ત કરતી ફિલ્મો દ્વારા જાણે આ વર્ગને માલામાલ કરી દીધો. જેમને ઊંઘમાં પણ સુખના કે આનંદના કે સુવિધાના સપનાં ન આવે, જેઓના માટે એક સાંધો ને તેર તૂટે એવી હાલત હોય, એવા પરિવારોની આસપાસ ઘુમતી ફિલ્મો એમણે આપી.
૧૯૭૨માં પિયા કા ઘર, ૧૯૭૪માં રજનીગંધા અને ઉસપાર, ૧૯૭૬માં ચિત્તચોર અને છોટી સી બાત, ૧૯૭૭માં સફેદ જૂઠ, ૧૯૭૭માં સ્વામી અને પ્રિયતમા, ૧૯૭૮માં ખટ્ટામીઠા અને દિલ્લગી તથા તુમ્હારે લીયે, ૧૯૭૯માં દો લડકે દોનો કડકે, મંઝીલ, ચક્રવ્યૂહ, પ્રેમવિવાહ, રત્નદીપ બાતોં બાતોં મે અને એ પછીના વર્ષોમાં મનપસંદ, અપને પરાયે, શોખીન, લાખોં કી બાત, ચમેલી કી શાદી જેવી ઘણી ફિલ્મો આપી.
મિડલ ક્લાસની જીવનશૈલીની બાસુદાએ હળવી શૈલીમાં મૂકીને ફિલ્મોને યાદગાર બનાવી. ક્યારેક સુપરસ્ટારની મોહતાજી ના કરી. એમની ફિલ્મોમાં સાવ સીધાસાદા આપણને આપણું જ પ્રતિબિંબ દેખાય એવા રોલ કોણે કોણે કર્યાં?
આ રહી કેટલાક કલાકારોની યાદીઃ રાકેશ રોશન, ઉત્પલ દત્ત, બિંદિયા ગોસ્વામી, અમોલ પાલેકર, ટીના મુનિમ, ગિરીશ કર્નાડ, અમૃતા સિંહ, વિદ્યા સિંહા, દિનેશ ઠાકુર, જયા બચ્ચન, અનિલ ધવન... સાવ સીધુંસાદું એમનું જીવન હતું. પોતે જે વાતાવરણમાં ઊછર્યાં એ જ નીચલા મધ્યમવર્ગના લોકોના જીવનનું પ્રતિબિંબ એમણે એમની ફિલ્મોમાં ઝીલ્યું.
એમની ફિલ્મોમાં વ્યાપક મનોરંજન હતું પણ પૂરા પરિવાર સાથે બેસીને માણી શકાય એવી હાસ્ય શૈલીનું હતું. પોતાના વિચારોને મજબૂત રીતે તેઓ વળગી રહ્યા અને પરિણામે લોકપ્રિય જ નહીં, સાર્થક સિનેમાના પ્રહરી બની રહ્યા.
અનેક એવોર્ડ મેળવનાર બાસુ ચેટરજીએ કારકિર્દીની શરૂઆત ૧૯૬૦ના દાયકામાં ફિલ્મ તીસરી કસમના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. ફિલ્મો ઉપરાંત ટેલિવિઝન શ્રેણીઓમાં પણ વ્યોમેશ બક્ષી અને રજની એમની લોકપ્રિય ટીવી સિરિયલો રહી છે.
સામાન્ય માણસના સંઘર્ષ અને પ્રેમ, પ્રશ્નો અને ઉકેલો, આર્થિક-સામાજિક જવાબદારીઓ આ બધાને તેઓ અદભૂત અને સહજ રીતે રજૂ કરી પોતાની ફિલ્મો દ્વારા દિગ્દર્શન તરીકે એમની પાત્રો પાસેની કામ લેવાની આવડતના કારણે સાહજિક સ્વરૂપે ફિલ્મો દર્શકો સુધી પહોંચી.
બાસુ ચેટરજીની ફિલ્મોનું મહત્ત્વનું જમાપાસું હતા ગીતો. લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં તૈયાર થયેલા ‘પિયા કા ઘર’ના ‘યે જીવન હૈ ઈસ જીવન કા યહી હૈ રંગરૂપ...’ અને ‘બંબઈ શહેર કી તુજ કો ચલ સૈર કરા દું...’ કે ‘પિયા કા ઘર હૈ યે રાજા હું મૈં...’, રજનીગંધાનું ટાઈટલ સોંગ અને ‘કઈ બાર યું ભી દૈખા હૈ...’ ચિત્તચોરના તમામ ગીતો, એ જ રીતે છોટીસી બાતના ‘જાનેમન, જાનેમન...’ અને ‘ન જાને ક્યું હોતા હૈ યું જિંદગી કે સાથ’, ‘સ્વામી’નું ‘કા કરું સજની...’ અને ‘યાદોં મેં વો સપનો મેં હૈ...’ જેવા ગીતો આજે પણ સંગીતપ્રેમીઓને હૃદયસ્થ છે. એમની ફિલ્મોના સિચ્યુએશનલ સોંગ્ઝ પણ એટલા જ અસરદાર રહ્યા છે.
૯૩ વર્ષની વયે જ્યારે તેઓએ દેહ છોડ્યો છે ત્યારે તેઓ એમની કલા-પ્રતિભાથી સભર એકથી એક ચડિયાતી અને ઉત્તમ ફિલ્મો આપણને વારસામાં આપીને ગયા છે. આ એવી ફિલ્મો છે જે બન્યાને પાંચ દાયકા થયા છે ને છતાં આજે પચાસ વર્ષ વટાવી ચુકેલા દર્શકોને જ નહીં, આજના યુવાનોને પણ આકર્ષે છે. એક સર્જક-દિગ્દર્શકની કલા-પ્રતિભાના અજવાળાં હંમેશા સિનેમાપ્રેમીઓને હૃદયમાં એમની ફિલ્મો થકી અજવાળાં પાથરતાં રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter