‘ડેડી, મારે તમને કંઈક કહેવું છે...’ કહીને રડી પડી ધ્વનિ. ડેડીએ કહ્યું, ‘બેટા, કાંઈ પ્રોબ્લેમ છે?’ જવાબમાં ફરી ડુસકું મૂકતાં કહ્યું, ‘તમારી ને મારી ઈચ્છા પ્રમાણે...’ આટલું બોલીને ફરી રડી પડી. ડેડીની ચિંતા ઔર વધી કે આને કોઈ હેરાન કરે છે? ઘરમાં કોઈ એને વઢ્યું છે..? આ બધા પ્રશ્નો અને તેના જવાબો છેક ખેંચી જાય છે ધ્વનિના જન્મના સમય સુધી.
માતાનું પિયર મહુવા... સૌરાષ્ટ્રનું કાશ્મીર અને મોરારિબાપુનું ગામ. પિતા ભાવનગરમાં રાજ્ય સરકારમાં અધિકારી તરીકે સેવા આપે અને મીડિયા તથા સ્ટેજપ્રવૃત્તિ સાથે એમનું જોડાણ. એના જન્મ સમયે એના મમ્મી મનીષાની તબિયત એકાએક બગડી. એક તરફ દીકરીનો જન્મ થયો અને બીજી તરફ મમ્મીએ સાન-ભાન છોડ્યા. એ સમયે સરકારી હોસ્પિટલ-મહુવાના ડોક્ટરોએ જાણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી મનીષાને બચાવવા માટે સંકલ્પ કર્યો. એનું બ્લડપ્રેશર શૂન્ય થઈ જાય તો પમ્પીંગ કરીને ફરી હાર્ટ ધબકતું કરે. આવું એક વાર નહીં પરંતુ ત્રણ-ચાર વાર થયું.
નાનું ગામ, મર્યાદિત મેડિકલ સેવાઓ અને છતાં ડોક્ટરોએ મનીષાને બચાવી લેવાના, એનું સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત થાય એ માટેના શ્રેષ્ઠ પ્રયાસો કર્યાં. આખરે નક્કી થયું કે વધુ સારવાર માટે મનીષાને અમદાવાદ શિફ્ટ કરવી. એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈ જવામાં આવી તો દીકરી ભાવનગર સુધી સતત રડતી હતી. ભાવનગરમાં રામમંત્ર મંદિર પાસે ડો. વીજળીવાળાને બોલાવવામાં આવ્યા, તબિયત તપાસી તો ચાર ડિગ્રી તાવ! આ દીકરીની ફોઈ મીનાએ એના ભાઈ સાથે મળીને નિર્ણય લીધો કે તમે મનીષાને લઈને અમદાવાદ જાવ, આ દીકરી હવે ભાવનગરમાં જ રહેશે. ડોક્ટર વીજળીવાળાએ પણ કહ્યું કે, ‘આ દીકરીનું સ્વાસ્થ્ય સાચવવાની જવાબદારી મારી.’ એટલે તેઓ એને એમના ઘરે લઈ ગયા. પંખો ચાલુ કર્યો ને જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ તાવ ઊતર્યોને દીકરી હસવા માંડી.
એના ડેડીના બાળપણના મિત્ર સતીષના પપ્પા અરવિંદકાકાએ ફરમાન જાહેર કરી દીધું કે, ‘આ દીકરી અને મીના મારા ઘરે જ રહેશે.’ એમનો પ્રભાવ અને સ્વભાવ તેમજ પરિવાર સાથેનો દોઢ દાયકાનો સંબંધ એવો કે સહુએ આ નિર્ણય હોંશભેર સ્વીકાર્યો. સતીષની બહેન બીનીએ આ દીકરીનું લાડકું નામ ઢોલક પાડ્યું... કેમ? તો કહે ધરતી પર આવતાંની સાથે જ એણે એવા ઢોલ વગાડ્યા કે બધા દોડતા થઈ ગયા. રોજેરોજ આખો દિવસ પારિવારિક સગાં-વ્હાલાં ને મિત્રો ઢોલકને રમાડવા આવતા થયા. એ સમયે સતીષની પત્ની જાગૃતિએ પણ એમના દામ્પત્યજીવનમાં બીજી દીકરીને જન્મ આપ્યો હતો. એમણે ઢોલકને માનો પ્રેમ આપ્યો ને એમનામાં રહેલી માતૃત્વની લાગણીએ ઢોલકને સ્તનપાન પણ કરાવ્યું. આમ જાગૃતિ એક અર્થમાં ‘યશોદા’ના પાત્રને જીવી ગઈ.
સમય વીતતો ગયો. ધ્વનિના પ્રથમથી લઈને ૮-૧૦ વર્ષ સુધીના જન્મદિવસો સંગીત કાર્યક્રમોથી ઊજવાયા, જેમાં શ્રેષ્ઠ કલાકારો એમની કલા રજૂ કરવા આવતા હતા. પછીથી પિતા-માતા અને નાની બહેન સ્તુતિના પરિવાર સાથે ધ્વનિ પણ અમદાવાદ આવી ગઈ. અભ્યાસ પૂરો કરીને કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે એક મલ્ટી-નેશનલ કંપનીમાં જોડાઈ. ઉંમર વધતાં સ્વાભાવિક રીતે યોગ્ય પાત્રની શોધ હાથ ધરવામાં આવી. ડેડીએ કહ્યું કે ‘તું પાત્ર શોધી લે તો ઉત્તમ...’
એ સમયે કોઈ પાત્ર ધ્યાનમાં ન હતું. થોડાક સમય પહેલાં મિત્રના એક મિત્રરૂપે ધ્વનિની નજરમાં એક પાત્ર ગોઠવાયું હતું. એનું નામ પિયૂષ શર્મા. યુવાન મૂળ જબલપુરનો પણ દિલ્હી-મુંબઈ થઈને હવે અમદાવાદમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે મલ્ટી-નેશનલ કંપનીમાં કામ કરતો હતો. સાલસ-સરળ-આનંદી વ્યક્તિત્વ ખૂબ સારી રીતે રસોઈ બનાવી જાણે. પરિવારના સ્વજનો હિમાંશુ-હેમંત અને જસ્મીનના પરિવારો સાથે પિયૂષ ભળતો ગયો અને એક દિવસે ધ્વનિએ લેખના આરંભે લખેલો સંવાદ કર્યો.
‘તમને આ પાત્ર મારા પતિ તરીકે યોગ્ય લાગે તો પસંદ કરજો. નહીંતર મારી જીદ નહીં હોય.’ આટલી સ્પષ્ટ વાત પછી આખરે બંનેનું વેવિશાળ થયું. અમદાવાદ-જબલપુરમાં કાર્યક્રમો થયા અને હમણાં જ બંને આશીર્વાદ અને શુભકામનાઓ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. આમ પસંદ પોતાની હતી, પરંતુ માતા-પિતા અને વડીલોને પૂરા વિશ્વાસમાં લઈને ધ્વનિએ સહુનો પ્રેમ જીત્યો અને પોતાની પસંદગી મુજબનું પાત્ર પણ મેળવ્યું.
•••
દીકરી મોટી થાય એટલે પ્રત્યેક માતા-પિતાને એના માટે યોગ્ય પાત્ર જીવનસાથી તરીકે શોધવાની ચિંતા હોય. આવા સમયે જો ખોટું પાત્ર પસંદ થાય તો ભવિષ્યમાં અનેક પ્રશ્નો ઉદભવી શકે છે.
ધ્વનિ અને તેના જેવી દીકરીઓ વિચારોની સ્પષ્ટતા, એમના પરિવારના સંસ્કાર અને જીવન જીવવાની ફિલસૂફીના કારણે સાચું પાત્ર પસંદ કરી શકે છે અને પરિવારના વડીલોનો વિશ્વાસ જીતીને બે પરિવારને એક પણ કરી શકે છે. આવું થાય ત્યારે દીકરીના સંસ્કારોના દીવડા ઝળહળે છે અને અજવાળાં રેલાય છે.