‘ભક્ત પોતાની બધી જ શક્તિઓ પ્રભુના ચરણે ધરે છે, પોતે પણ પ્રભુના ચરણે ધરેલું એક પુષ્પ બની જાય છે. પછી માત્ર પ્રભુનું જ સામ્રાજ્ય રહે છે, જેમાં ભક્ત કેવળ સેવકની ભૂમિકા અદા કરે છે. પોતે સેવક અને પ્રભુ સ્વામી, પોતે સમાયેલું મોજું અને પ્રભુ વિસ્તરેલો મહાસાગર, પોતે અંશ અને પ્રભુ આકાશ. પ્રભુ સાથે તાણાવાણાની આ રીતનું નામ જ ભક્તિ છે.’ આ ભાવપૂર્ણ શબ્દો સાથે નવધા ભક્તિ અનુષ્ઠાનનો મંગલ આરંભ કરાયો અને વાતાવરણમાં માંગલિક સૂરની સુગંધ પ્રસરતી ગઈ. શ્રવણ, કીર્તન, અર્ચન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન - આ નવ પ્રકારની ભક્તિના ભાવને રજૂ કરતા શ્લોક – એનો અર્થ, સ્તુતિ, દુહા અને અર્થપૂર્ણ સંવેદના કલાકારોએ પ્રસ્તુત કર્યા ત્યારે ઉપસ્થિત સહુના તન–મનમાં પોતાના આરાધ્ય પ્રત્યેની ભક્તિનો અનહદ ભાવ જાણે પૂનમના ચાંદની જેમ શીતળતાની અનુભૂતિ કરાવતો હતો.
સાંજે ‘વીર કૈવલ્યના સ્પંદનને વંદન’ શીર્ષક હેઠળ યોજાયેલ સંગીત ભક્તિમાં પ્રભુને કેવળ જ્ઞાનપ્રાપ્ત થયું એ ક્ષણની ભાવ સંવેદના સાથે જોડાયેલા ભક્તિપદો અને શબ્દ સંવેદના પ્રસ્તુત થયા ત્યારે શ્રોતાઓને પોતે રુજુવાલીકાના કિનારે બેઠા હોય અને પરમાત્માના એ ધ્યાનસ્થ સ્વરૂપના દર્શન કરી રહ્યા હોય એવી ભાવાત્મક્તા અનુભવાઈ હતી. સહ્યાદ્રિની પર્વતમાળામાં પર્વતમાળામાં એ ધ્યાનસ્થ સ્વરૂપના દર્શન કરી રહ્યા હોય એવી ભાવાત્મક્તા અનુભવાઈ હતી. સહ્યાદ્રિની પર્વતમાળામાં પ્રાકૃતિક વાતાવરણમાં આવેલા એક તીર્થક્ષેત્રમાં મને પણ ગાયક-કલાકાર અને સ્વરકાર આશિષ મહેતા સાથે શબ્દ સંવેદનાનો શુભ અવસર પ્રાપ્ત થયો અને મારા માટે પણ આ યાત્રા આનંદયાત્રા બની રહી.
શ્રી ભુવન ભાનુ જૈન માનસ મંદિર તીર્થ મહારાષ્ટ્રના થાણા જિલ્લાના શાહપુર તાલુકામાં આવેલું છે. મુંબઈથી લગભગ 85 કિમીના અંતરે આવેલા આ તીર્થક્ષેત્રમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી આદિનાથ દેરાસરમાં મૂળનાયક રૂપે બિરાજે છે. આ મંદિર પાલિતાણા શત્રુંજય તીર્થની પ્રતિકૃતિ છે.
આ પવિત્ર તીર્થક્ષેત્રમાં તાજેતરમાં ભારતના 2200થી અધિક તપસ્વીઓના કલ્યાણક તપની નિર્વિઘ્ન પૂર્ણાહૂતિ નિમિત્તે ‘ઉત્સવ મંડપ ઉદ્ઘાટન ઉત્સવ’ ઊજવાયો હતો. પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય અક્ષયબોધિ સૂરિશ્વરજી મહારાજે ભક્તિ સંગીતના પ્રવાહ દરમિયાન આશીર્વચન પાઠવતાં કહ્યું હતું કે સંગીતની સંવેદનામય ભક્તિ આપણને પ્રભુના દર્શનમાં એકાકાર કરે છે. પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય મહાબોધિસૂરિશ્વરજી મહારાજે નવધા ભક્તિમાં દર્શન ભક્તિ અને નૃત્ય ભક્તિને ઉમેરીને એકાદશ ભક્તિના ભાવને આત્મસાત્ કરવા પર ભાર મૂક્યો હતો. પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી લબ્ધિવલ્લભવિજયજી મહારાજે કહ્યું હતું કે નવધા ભક્તિ વિભક્તિ સુધી અને પછી ભક્તિ સુધી લઈ જાય છે. પરમાત્માના ચરણે કાંઈક ધરીએ ત્યારે જે ધરાવાય છે એના પ્રત્યેનો રાગ પણ મુકવો જોઈએ, ત્યારે જ પૂર્ણ સમર્પિત થવાય છે. કશુંક જો બચે છે તો એ સોદો છે અને કંઈ જ નથી બચતું તો એ ભક્તિ છે.
પ્રસંગના સંકલનકાર તરીકે મુંબઈના શ્રી હર્ષવર્ધનભાઈ ગુરુજીએ ભાવપૂર્ણ પ્રસ્તુતિ કરી હતી અને સમગ્ર આયોજન વ્યવસ્થા યજમાન પરિવાર માતુશ્રી હીરાલક્ષ્મી શાંતિલાલ શાહ પરિવારના દિશાબહેન પંકજભાઈ શાહે ઉત્તમ રીતે સંભાળીને આદર્શ યજમાનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમોની પ્રસ્તુતિ માટે દેશ–વિદેશમાં જવાનું થાય, તીર્થક્ષેત્રોમાં રહેવાનું થાય ત્યારે અનહદ આનંદની અનુભૂતિ થાય કારણ કે મા સરસ્વતી અને સદ્ગુરૂ કૃપાથી, માતા-પિતાના આશીર્વાદથી આવા મોંઘેરા અવસરો જીવનમાં આવ્યા કરે, જે અનુભવ આપે, અનુભૂતિ આપે, પ્રેમ આપે, પ્રસન્નતા આપે, દોસ્તી આપે ને મસ્તી પણ આપે. કાર્યક્રમોનું અપાર વૈવિધ્ય હોય એટલે પ્રસંગને અનુરૂપ વાંચન–ચિંતન પણ થાય અને કંઈને કંઈ નવું લખાય, નવું સંભળાય અને નવું સમજાય. આ સમજણના દીવડાંના ઊજાશને કારણે જ જીવનમાં સાર્થકતાના અજવાળાં રેલાય.