‘તારે તે તીર્થ’ આપણે ત્યાં આ વાક્ય જાણીતું છે. તારેનો અર્થ છે ભવસાગરથી તારે. તીર્થ એટલે પવિત્ર સ્થળ. તીર્થ એટલે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે મહત્ત્વનું સ્થળ. તીર્થમાં જવા માટે તીર્થાટન શબ્દ પણ ઉપયોગમાં લેવાય છે. ‘તીર્યતે સંસાર સાગરો, યે ના સૌ તીર્થ.’ અર્થાત્ જેના દ્વારા સંસારરૂપી મહાસમુદ્ર તરીકે શકાય તે તીર્થ.
થોડા સમય પહેલાં અધિક શ્રાવણ માસ હતો, અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, પર્યુષણ પર્વનો આરંભ થઈ ચૂક્યો છે. ગણેશોત્સવ આવી રહ્યો છે. એ પછી શક્તિ અને ભક્તિનો ઉત્સવ નવરાત્રિ અને પછી દિવાળી - નૂતન વર્ષના પર્વ આવશે. આસપાસ – ચોપાસ ધર્મ અને અધ્યાત્મનું મનભાવ અને પવિત્ર વાતાવરણ છે એટલે સહજપણે પવિત્ર સ્થળોનું - તીર્થનું સ્મરણ થયું છે.
માણસ તીર્થસ્થાનોએ એકલો જાય, પરિવાર સાથે કે સંઘમાં જાય અને તીર્થયાત્રાનો આનંદ પામે. શાસ્ત્રોમાં અને અન્ય ગ્રંથોમાં લખાયા મુજબ તીર્થયાત્રા શા માટે? તો એકથી વધુ જવાબો મળે છે. વ્યક્તિએ વ્યક્તિએ અને સમયે સમયે આ જવાબો જુદા જુદા પણ હોય છે. કેટલાક મહત્ત્વના કારણો યાદ કરીએ તો, ધાર્મિક કાર્યો માટે, કથા-કીર્તન કે શિબિર માટે, શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા માટે, પ્રેમ અને પ્રસન્નતાથી સભર થવા, પ્રાકૃતિક સાંન્નિધ્ય પામવા, પોઝિટિવિટી પ્રાપ્ત કરવા, સત્સંગમાં સમય પસાર કરવા અને કેટલીક વાર તો કોઈ જ કારણ વિના તીર્થમાં આપણે જઈએ છીએ. તીર્થમાં જવાની ઘટનાને પ્રવાસ નથી કહેતા, યાત્રા કહેવાય છે. યાત્રા કરે તે યાત્રિક. આ અર્થમાં આગળ વધીએ તો તીર્થમાં આવનાર યાત્રિકો પોતાના ચિત્તમાં આનંદની અનુભૂતિ કરે છે.
તીર્થયાત્રા કરનાર યાત્રિકના જીવનમાં તત્કાલીન અને કાયમી એમ બંને પ્રકારના હકારાત્મક ફેરફારો જોવા મળે છે. કેટલાકના વ્યક્તિત્વમાં આધ્યાત્મિક જાગૃતિ વધે છે, કેટલાકની પોતાની જાત સાથે મુલાકાત થાય છે. કોઈના જીવનમાં નૂતન આશાનો સંચાર થાય છે તો કોઈના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રાગટ્ય થાય છે. કોઈની માનસિક ચિંતા અને તણાવ ઘટે છે, તો કોઈનો આત્મવિશ્વાસ વધે છે. કોઈના હૃદયમાં ભક્તિ સંવર્ધિત થાય છે તો કોઈનો પોતાના પ્રત્યેનો ભરોસો વધે છે. તીર્થયાત્રા કરનારા એક વ્યક્તિએ એક વાર સરસ વાત કરી હતી કે ‘તીર્થયાત્રા કરવાથી મને શું મળે છે? એના કરતાં મારા માટે મારા જીવનમાંથી શું શું ઓછું થાય છે એનું મારે મન વધુ મહત્ત્વ છે. મારા સ્વભાવના કષાય ઘટે, વાણીવિલાસ ઘટે, ગેરસમજણ ઘટે, બીજાના કિસ્સામાં કે જીવનમાં જજમેન્ટલ બનવાની વૃત્તિ ઘટે, મનની અસ્વચ્છતા ઘટે. દાન – ધર્મ કરવાથી થોડા પૈસા પણ ઘટે અને સરવાળે હળવો થઈને પણ હું પ્રસન્ન થાઉં એ કાંઈ નાની ઘટના થોડી છે?’
કેટલી બધી અસરદાર અને છતાં સહજ અનુભૂતિની આ વાત છે! સમજીએ અને પામીએ તો તીર્થયાત્રા કરતી વખતે આપણો બેડો પાર! એ માટે ખર્ચેલા નાણાં અને સમય બધું જ લેખે લાગે છે. તીર્થયાત્રા કરનારના મનમાં - બુદ્ધિમાં અને લાગણીમાં, સરવાળે પૂર્ણ વ્યક્તિત્વમાંથી પંચપાપ અને કષાય વૃત્તિ ઘટે છે, તપ – વ્રત – જપ – સ્મરણ અને સત્સંગ વધે છે. પ્રેમ, મૈત્રી, સત્ય, કરુણા, સદ્ભાવ, સમભાવ, સાત્વિક્તા, ઉદારતા જેવા ભદ્રગુણો વિકસે છે. સ્વાધ્યાય, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વધે છે. વિચારશુદ્ધિ આપોઆપ થાય છે. છતાં સામાન્ય માણસ છીએ એટલે તીર્થક્ષેત્રમાં પણ ઘણી વાર ન કરવા જેવા કર્મો થઈ જતાં હોય છે. આવા સમય તીર્થક્ષેત્રમાં મન – વચન – કાયા કર્મથી દોષ ના થાય એની જાગૃતિ રાખીએ, મોબાઈલના ઉપયોગને ટાળીએ, મૌન જાળવીએ અને વાણીવિલાસ ના કરીએ. આત્મપ્રશંસા કે અન્યને નીચા પાડવાનો પ્રયાસ ના કરીએ. અભક્ષ્ય ખોરાક ના ખાઈએ, મંદિરોમાં સામાજિક વાર્તાલાપ ના કરીએ, ઝઘડો કે કલેશ ના કરીએ. નિંદા - ઈર્ષ્યાથી દૂર રહીએ, અભદ્ર અને અશ્લિલ શબ્દો ના બોલીએ... વગેરે વગેરે જેવું ઘણું છે જે આપણે આપણાથી ભૂલમાં પણ ના થઈ જાય એની જાગૃતિ રાખીએ એ જરૂરી છે.
સંસ્કૃત શ્લોક છે,
અન્યત્ર હિ કૃતં પાપં, તીર્થ માસાદ્ય નશ્યતિ,
તીર્થેશુ યત્કતં પાપં, વ્રજલેપો ભવિષ્યતિ.
બીજી જગ્યાએ કરેલા પાપ તીર્થયાત્રા કરવાથી નષ્ટ થાય છે પણ તીર્થયાત્રામાં કરેલા પાપ ક્યારેય નષ્ટ થતાં નથી.
તીર્થક્ષેત્રોનો મહિમા આપણે પામીએ ત્યારે પવિત્રતાના દીવડાં ઝળહળે છે અને સમજણનાં અજવાળાં રેલાય છે.