અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં હું એક પછી એક નામ પ્રસ્તુત કરતો ગયો. એમને વધાવતા દર્શકો તાળીઓથી પ્રતિસાદ આપતા રહ્યા.
જગદીશભાઈ પ્રજાપતિ, એમના પિતા અને સંતાનો પણ આ કંપનીમાં જોડાયેલા છે. કર્તવ્યનિષ્ઠા અને વફાદારી એમના શરીર-મનમાં અણુઅણુમાં ભરી છે.
ભાવેશભાઈ મહેતા, ભારતીય સંસ્કૃતિ, ધર્મ, ધાર્મિક વિધિ-વિધાન નિત્યપૂજાથી કંપની સાથે બાર વર્ષથી જોડાયેલા છે.
હિમાંશુભાઈ દેસાઈ ડગલે ને પગલે કંપનીમાં રહીને કંપનીનું અને સર્વનું હિત જોયું છે.
આ ત્રણે વ્યક્તિઓને કંપની તરફથી એમના કાર્ય-નિષ્ઠા-પ્રામાણિકતા-સમયપાલન વગેરે ગુણો થકી પ્રોત્સાહન અર્થે મારુતિ કાર આપવામાં આવી. એ પછી વધુ એક નામ એનાઉન્સ થયું - મુકેશભાઈ ચૌધરી, જેઓ કંપનીમાં લાંબા સમયથી ડ્રાઈવર તરીકે કામ કરે છે, તેમને એક રો-હાઉસની ચાવી ભેટ આપવામાં આવી.
થોડા સમય પહેલાં એક કોર્પોરેટ ઈવેન્ટમાં એન્કર તરીકે સહભાગી બનવાનું થયું એ સમયનું આ દ્રશ્ય છે. કંપનીના 25 વર્ષ પૂર્ણ થયાની ઊજવણી થઈ હતી, એમાં ભવ્ય ભૂતકાળ, પુરુષાર્થપૂર્ણ વર્તમાનકાળ અને દુરંદેશીતાપૂર્ણ ભવિષ્યકાળની જાણે ત્રિવેણી સર્જાઈ હતી.
સંત સમાજની ભાવવંદના થઈ, વ્યવસાયમાં સાથે રહેનારાનું સન્માન કરાયું અને સમર્પિતભાવે કાર્ય કરનારાની યોગ્ય કદરદાની પણ થઈ આ સમારોહમાં. સૌથી મહત્ત્વની વાત એ હતી કે મંચ પરના મહાનુભાવો અને મહેમાનો સાથે કંપનીનો તમામ સ્ટાફ જ્યારે એક વ્યક્તિની કદરદાની થતી હતી ત્યારે જાણે પોતાનું સન્માન થયું છે એવી ભાવનાથી એને વધાવતો હતો. અહીં દરેકના ચહેરા પર હતો આનંદ અને પ્રસન્નતાનો ભાવ. એના મૂળમાં શું છે? એમ પુછતાં આંજનેય ગ્રૂપ ઓફ કંપનીઝના રીતેશ ઠક્કર કહે છે કે, ‘પરિવારના સંસ્કાર અને સાધુતાનો સંગ...’
શ્રી પ્રહલાદભાઈ ઠક્કર અને તેમના સુપુત્રો રીતેશ તથા ભાવેશ 1994ના વર્ષથી પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સત્સંગમાં આવ્યા. સંતરામ મંદિર - નડિયાદનો સત્સંગ પણ પરિવારને હતો જ. 1995માં આંજનેય ટ્યુબ્સનો શુભારંભ થયો ત્યારે સફળ થવાની પ્યાસ હતી. 25 વર્ષોમાં પ્રયાસ થયો અને આ અવસરે જે શુભત્વ વહેંચાયું એ હતો પ્રસાદ. જેમાં પૂ. ભાઈશ્રી, સંતરામ મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજશ્રી, સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજશ્રી અને મહંતશ્રી મોરારદાસજી મહારાજશ્રીના આશીર્વાદ અને પ્રસન્નતા વરસ્યા. આ પરિવારના નવી પેઢીના ચાર પુત્રો મહર્ષિ, વેદાંત, પાર્થ અને નારાયણ પણ ભારતીય સંસ્કૃતિ - સભ્યતા - સંસ્કાર પરંપરાને અને જીવનના મૂલ્યોને સાચવીને વ્યવસાયને આગળ વધારી રહ્યા છે. આંજનેય પંચગવ્ય ઈન્ડિયા કંપનીના નેજા હેઠળ પંચગવ્ય આધારિત ઉત્પાદનોની શ્રેણી હવે આ યુવાનો લાવી રહ્યા છે ને એવું જ કામ કમ્પોસ્ટેબલ ક્ષેત્રમાં પણ થનાર છે.
અહીં આખોયે પ્રસંગ મૂક્યો તેનું કારણ આ પ્રસંગ નિમિત્તે જે હકારાત્મક્તા, પોઝીટીવીટી અનુભવવા મળી તે છે. રીતેશભાઈ કહેતા હતા કે પૂજ્ય ભાઈશ્રીએ દીધેલી પ્રેરણાથી જ અમે ખૂબ મહેનત કરીએ છીએ અને જે મળે છે તે યોગ્ય રીતે વહેંચતા રહીએ છીએ. અમને આનંદ છે કે અમે બનતા સત્કાર્યો અને સત્સંગ કરીએ છીએ.
આપણી ભારતીય સંસ્કૃતિમાં અને વિદેશોની કંપનીઓમાં પણ પ્રોડક્શન હાઉસ કે કંપનીના સ્ટાફને સતત પ્રોત્સાહન અપાય છે, એમની પડખે ઊભા રહીને BOSSની નહીં, પરંતુ FRIENDની FEELઅપાય છે, નાનામાં નાના કર્મચારીના ખભે હાથ મૂકીને જ્યારે શેઠ કે ઓફિસર વાત કરે છે ત્યારે એવા આંદોલનો બંનેના શરીરમાં પ્રસરે છે જે સરવાળે બંનેની ઉર્ધ્વગતિ કરાવે છે. સમાજમાં આવા કિસ્સાઓ વધ્યા છે એનો આનંદ છે. આવા પ્રસંગોના સાક્ષી બનીએ ત્યારે જાણે વ્યવસાયમાં પણ માણસાઈના દીવડા ઝળહળે છે અને અજવાળાં રેલાય છે.