‘આપ અગર ગાડી સે ઉતરેંગે, ઔર મેરે સાથ ચાય પિયેંગે તો હી મેં આપકે પ્રશ્ન કા સહી ઉત્તર દુંગા’ આશિષે ટેમ્પો ટ્રાવેલરમાંથી સરનામું પુછી રહેલા માણસને કહ્યું. વાચકને થશે કે આવો સંવાદ વળી ક્યાં? ક્યારે? કોની વચ્ચે થયો હશે? અને એમાં વળી મહત્ત્વનું શું છે? પહેલી નજરે સાચી લાગતી વાતના જવાબમાં જરાયે મોણ નાખ્યા વિના કહેવાનું કે ‘અતિથિ દેવો ભવઃ’ના માત્ર નારા લગાવવાની વાત નથી, પણ આ સૂત્રને જીવવાની વાત છે અહીં. આંગણે આવેલા અતિથિને એવી અનુભૂતિ થાય કે વાસ્તવમાં તેઓ જ્યાં પધાર્યા છે તે ભૂમિ અને તે પ્રદેશના લોકોના હૈયામાં અતિથિ ભાવના જીવંત છે.
ઘટના મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા મોઢેરા સૂર્યમંદિરમાં તાજેતરમાં યોજાયેલા ઉત્તરાર્ધ ઉત્સવ-૨૦૧૭ની છે. મોઢેરામાં ઉજવાતો આ ઉત્સવ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુપ્રસિદ્ધ છે અને નૃત્યસાધકો પ્રતિ વર્ષ એની પ્રતિક્ષા કરતા હોય છે.
પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતિય મંદિરોના મંડપમાં સૂર્યદેવની પૂજા-અર્ચના માટે શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવાતો હતો. રાજ્ય સરકાર દ્વારા સૂર્યદેવની ઉપાસના માટે સુપ્રસિદ્ધ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરા સૂર્યમંદિરમાં - સભામંડપમાં ૧૯૯૨થી ઉત્તરાર્ધ શાસ્ત્રી નૃત્ય મહોત્સવ ઉજવાય છે.
લોકોમાં શિલ્પ-સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલા જીવંત રહે અને લોકો એમાં સહભાગી થાય એવા ઉદ્દેશ સાથે શરૂ કરાયેલા આ ઉત્સવમાં દેશ-વિદેશના સુપ્રસિદ્ધ કલાગુરુઓ અને યુવાન કલાકારો એમની નૃત્યસાધના પ્રસ્તૂત કરે છે. દર વર્ષે ઉત્તરાયણ પછીના થોડા દિવસોમાં ઉત્તરાર્ધ ઉત્સવ ઉજવાય છે. મોઢેરા એક સમયે મોઢ બ્રાહ્મણોનું મૂળ સ્થાન હતું. આ સ્થળ એક સમયે સૂર્યપૂજકોનું મુખ્ય સ્થાન ગણાતું હતું. સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં મોઢેરાનો ઉલ્લેખ ધર્મારણ્ય તરીકે કરાયો છે.
મહેસાણાથી ૨૫ કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળે મોઢ બ્રાહ્મણોના કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર પણ છે. અહીંનું સૂર્યમંદિર સોલંકી રાજાઓની ભેટ છે. સૂર્યમંદિરના ગર્ભગૃહની ભીંતમાં સંવત ૧૦૮૩નો શિલાલેખ છે. એવું મનાય છે કે ઇ.સ. ૧૦૨૭માં આ મંદિર બંધાયું હશે. સૂર્યમંદિર ગર્ભગૃહ-રંગમંડપ-ગૂઢમંડપ સાથે શિખર વગર ઉભું છે. ત્રણે પરિસરની કુલ લંબાઈ ૧૪૫ ફુટ છે. અહીં ૧૭૬ ફૂટ લાંબો અને ૨૦ ફૂટ પહોળો સૂર્યકુંડ છે.
ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ દર વર્ષે યોજાય છે એમ તાજેતરમાં ૨૮ અને ૨૯ જાન્યુઆરીએ યોજાયો હતો. દેશ-વિદેશથી દર્શકો કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા.
વડોદરાથી આવા જ કલાપારખું દંપતી મેઘના અને આશિષ ખારોડ મોઢેરા પહોંચતા પહેલા મોટપ ગામની ચોકડીએ ચા-નાસ્તો કરવા ઉભા હતા. ગરમાગરમ ગોટાનો સ્વાદ માણ્યા બાદ તેઓ કાર પાસે ઉભા રહીને ચા પી રહ્યા હતા ત્યારે એક ટેમ્પો ટ્રાવેલર આવ્યું. એમાં બેઠેલા માણસો કલાકારો છે એનો ખ્યાલ આ બન્નેને આવી ગયો. વાહનમાંથી મોઢેરાનો રસ્તો પૂછાયો અને લેખના આરંભે લખેલો સંવાદ થયો... મેઘનાએ કહ્યું ‘તમે અમારા અતિથિ છો, પાંચ મિનિટ થશે ચા પીને જાવ’ આમ બન્નેના આતિથ્યને માણીને કલાકારો મોઢેરા પહોંચ્યા. આશિષ-મેઘનાને પણ આતિથ્ય નિભાવાનો આનંદ થયો
•••
સાવ નાની ઘટના છે, પરંતુ એમાં આપણી આતિથ્ય ભાવના અને કલાના ચાહકોની કલાકારો માટેની પ્રીતિ વ્યક્ત થાય છે.
બહારના રાજ્યો કે દેશમાંથી આવતા લોકોને સ્થાનિક લોકોના જાતજાતના અનુભવો થતા હોય છે. આવા સમયે સ્થાનિક લોકો જ્યારે ઉલ્લાસમય-ઉમળકાપૂર્ણ પ્રતિસાદ આપે, અતિથિ સત્કારની ભાવના વ્યક્ત કરે ત્યારે આવનાર અતિથિ આનંદિત થાય છે. ગુજરાતની અને ભારતની પરંપરા રહી છે કે આંગણે આવેલા અતિથિને આપણે પ્રેમના - લાગણીના તાંતણે બાંધીએ છીએ. પરિણામે આપણી ભૂમિના - માણસાઇના ગૌરવની એમને અનુભૂતિ થાય છે. માત્ર સરનામું પૂછવા જેવી વાતમાં અતિથિને ચા પીવડાવવી એ ઘટના નાની છે, પણ એમાં સમાયેલી આતિથ્ય ભાવના ગુજરાતના ગૌરવને - વ્યક્તિત્વના ગૌરવને અભિવિક્ત કરે છે.
કલાના ચાહકો દ્વારા કે સામાન્ય માણસો દ્વારા જ્યારે જ્યારે આવી સંવેદના વ્યક્ત થાય ત્યારે આતિથ્યના અજવાળા રેલાય છે.