ભારતીય લોકતંત્રનું એક કલંકિત પ્રકરણ

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 27th June 2017 07:49 EDT
 

‘મારી તો કિશોરાવસ્થા હતી, તે દિવસે સવારે ઘરમાં ને પડોશમાં બધા વાતો કરતા હતા કે કટોકટી જાહેર થઈ...’ ‘અમારી વિદ્યાર્થી અવસ્થાના એ દિવસો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેનો અમારો છુપો સંઘર્ષ અમારા માટે અમૂલ્ય સંભારણા છે...’ ‘મારે તો મારી દીકરીના બધાયે ફ્રેન્ડ્સને હવે આવનારી ‘ઇન્દુ સરકાર’ ફિલ્મ બતાવવી છે...’ આવા કેટલાક સંવાદો બપોરના ભોજન સમયે એકઠા થયેલા પૈકીના મુખેથી થતા સંભળાતા હતા.
અવસર હતો, આજથી ૪૨ વર્ષ પહેલા સ્વતંત્ર ભારતમાં ઘટેલી ઘટના, નામે ‘ઇમરજન્સી’ સમયના બનાવો આધારિત પુસ્તક વિમોચન અને ‘મીસા’ કાયદા હેઠળ જેલવાસ ભોગવનારાના સન્માનનો. ‘ઈમરજન્સી’ એટલે કે કટોકટીનો કાળ રાજકીય વિશ્લેષકો, અભ્યાસુઓ માટે શોધ-સંશોધન અને અર્થઘટનનો રસપ્રદ વિષય રહ્યો છે. સ્માર્ટફોન સાથે જીવતી આજની ભારતીય યુવા પેઢીને એ કલ્પના પણ નહિ હોય કે વ્હોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર કે ઇન્સ્ટાગ્રામ પર કંઈક મૂકતાં પહેલા એ સરકારને બતાવવું પડે - એ સેન્સર થાય ને પછી પ્રસિદ્ધ થાય તો થાય એવી સેન્સરશીપરના દિવસો નહિ, પૂરા ૨૧ મહિના ભારતમાં હતા, કારણ કે પ્રસાર માધ્યમો પર સેન્સરશીપ લાદવામાં આવી હતી.
૧૯૭૪માં ગુજરાતમાંથી વિદ્યાર્થી આંદોલનો થયા. તત્કાલીન રાજ્ય સરકાર સામે વિપક્ષો એક થયા. પરિણામ મળ્યું. એ પ્રવાહ છેક બિહાર સુધી પહોંચ્યો ને લોકનાયક જયપ્રકાશ નારાયણે આગેવાની લીધી. બીજી તરફ ન્યાયતંત્રે જે તે સમયના વડા પ્રધાન વિરુદ્ધ ચુકાદા આપ્યા અને એ મુશ્કેલીમાં મુકાયા. પીડીત પ્રજાનો આક્રોશ વધ્યો. ૨૫ જૂન ૧૯૭૫ના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં વિશાળ રેલી થઈ. લોકનાયક જયપ્રકાશ નારાયણે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને લલકાર કરીને કહ્યું ‘સિંહાસન ખાલી કરો’ અને રાતોરાત બંધારણની કલમ ગેરઉપયોગ કરીને દેશમાં આપાતકાલ એટલે કે કટોકટી જાહેર કરી દેવામાં આવી. અખબારોના વીજળી કનેકશનો કાપી નંખાયા. લોકપ્રતિનિધિઓને અને રાજકીય પક્ષના કાર્યકરોને આંતરિક સુરક્ષા ધારા (મીસા) હેઠળ જેલમાં મોકલી દેવાયા. આરએસએસના સહસરકાર્યવાહક દત્તાત્રેય હોસબલેએ કહ્યું કે ‘અમે બેંગ્લોરમાં હતા, સવારે સમાચાર મળ્યા એ દિવસે વાજપાઇજી અને અડવાણીજી બેંગ્લોરમાં હતા, અમે સમાચાર આપ્યા કે ઇમરજન્સી લાગુ થઈ છે તો બાજપાઈજીએ કહ્યું કે તબ તો હમે મામા કે ઘર (જેલમાં) જાના પડેગા... ને અમારી નજર સામે જ એમની ધરપકડ થઈ.’
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એ સૌથી વધુ વિવાદાસ્પદ અને અલોકતાંત્રિક કાળ હતો. નાગરિકોની અભિવ્યક્તિની આઝાદી છીનવાઈ ગઈ હતી.
૨૧ મહિના આ સ્થિતિ રહી અને ચૂંટણી જાહેર થઈ, શાસકોને પ્રજાએ હરાવ્યા. લોકશાહી ઉપર લાગેલી ગ્રહણની કાળી છાયામાંથી દેશ મુક્ત થયો.
આ સમગ્ર ઘટનાનું સ્મરણ કરી તાજેતરમાં ‘મેઘનિર્ઘોષ’ મીડીયા દ્વારા અમદાવાદમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં પ્રસાર ભારતીના ચેરમેન અને વરિષ્ઠ પત્રકાર ડો. એ. સુર્યપ્રકાશ લિખિત પુસ્તકના વિમોચન ઉપરાંત ‘મીસા’ હેઠળ જેલવાસ ભોગવનારાઓનું સન્માન પણ થયું. વકતાઓએ આયોજકોને અભિનંદન આપીને આ દિશામાં દસ્તાવેજીકરણ થાય એને આવશ્યક ગણાવ્યું. વર્ષો બાદ એકબીજાને મળેલા ‘મીસા’વાસીઓના ચહેરા ઉપર રાષ્ટ્રપ્રેમનું નૂર ઝલકતું હતું.

•••

‘રાષ્ટ્ર સર્વોપરી’ના ઉદ્દેશ સાથે કાર્યનો આરંભ કરી રહેલ મેઘનિર્ઘોષ મીડીયાએ એક અર્થમાં કટોકટીકાળના એ ઇતિહાસને પ્રજા સુધી નવી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું. આપણે ઇતિહાસ વાંચીએ છીએ પરંતુ એનું નિર્માણ જ્યારે થયું એ પળોનો સંઘર્ષ વિશેષ ઘટના હોય છે. એના સાક્ષી જ નહિ બલકે હિસ્સો બનેલા લોકો જ્યારે એની સંવેદના શ્રોતાઓ સુધી પહોંચાડે ત્યારે એ વધુ ધારદાર અસરદાર બનતી હોય છે.
કટોકટીકાળમાં સ્વયંભૂ રીતે પ્રજાકીય સત્યાગ્રહ થયો, ભૂગર્ભ ચળવળો ચાલી, અન્યાય સામે સહુ એકજૂટ થયા, સમયે આવ્યે લોકશાહી પ્રક્રિયાથી ઉકેલ પણ આવ્યો. એ બધા જ પરિમાણો પ્રજામાં રહેલી કોઠાસૂઝના દર્શન કરાવે છે.
કોઈ પણ સમયે સત્યનો આધાર લઈને, સત્યના માર્ગે ચાલવા જ્યારે વ્યક્તિ કે સમૂહ આગેકદમ થાય છે ત્યારે આપોઆપ એની બાજુ શૌર્યના સાહસના ને સ્વતંત્રતાના દીવડા પ્રગટે છે ને એના અજવાળા રેલાય છે.

લાઇટ હાઉસ
અર્જુન કે ઇરાદે હીલ સકતે હૈ, ઘાયલ દ્રૌપદી કે નહિ.
- ફિલ્મ ‘ઇન્દુ સરકાર’નો એક ડાયલોગ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter