‘હું મને કથાકાર નહિ, પરંતુ કથાવાચક તરીકે ઓળખાવવાનું વધું પસંદ કરું છું’ યુવા વક્તા શ્યામભાઈ ઠાકરે કહ્યું અને પછી ઉમેર્યું ‘સામાન્ય રીતે જે રચના કરે તેની પાછળ ‘કાર’ પ્રત્યય લાગે, કારણ કે તેમાં કર્તૃત્વ સમાયેલું છે. શ્રીમદ્ ભાગવતનું સર્જન વ્યાસજીએ કર્યું છે હું તો તે અભ્યાસ પછી વાંચી રહ્યો છું.’
પ્રસંગ હતો અમદાવાદમાં સુરેશભાઈ સંઘવી (એપોલો કાર્ડઝ) દ્વારા આયોજિત ભાગવત કથાનો અને તેમાં વક્તા હતા શ્યામભાઈ ઠાકર, જેઓ પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શિષ્ય છે. શુદ્ધ અને સ્પષ્ટ છતાં પ્રાદેશિક હલક વાળો મીઠો કંઠ, ગાયનમાં સૂરીલાપણું, કથાપ્રવાહમાં વિચારોથી સ્પષ્ટતા, યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભો સાથે વાર્તા-શેર શાયરી કે સાંપ્રત ઘટનાઓનો ઉલ્લેખ તથા મૂળ વિષય પ્રત્યેના સમર્પણને કારણે શ્રોતાઓને કથાશ્રવણનો ખૂબ સારો આનંદ મળ્યો.
શ્યામભાઈએ સાંદિપની વિદ્યા નિકેતનમાં બાબડેશ્વર મહાવિદ્યાલયમાં અભ્યાસ કર્યો. ૧૯૯૦થી ૧૯૯૭માં શાસ્ત્રીની ઉપાધિ મેળવી. એ પછી બી.એડ. કર્યું ને આચાર્ય બન્યા. ૧૯૯૦માં પૂજ્ય ભાઈશ્રીની કથા પોરબંદરમાં થઈ એ સમયે એમને વિચાર આવ્યો કે ભવિષ્યમાં મારે પણ કથા વાંચવી છે. અધ્યાયના પાઠ શરૂ કર્યા. ૧૯૯૫થી નિયમિત સ્વાધ્યાય શરૂ કર્યો.
એમણે પ્રથમ વાર શ્રીમદ્ ભાગવત કથાનું વાંચન ૧૯૯૯માં રાણાવાવમાં કર્યું. તાજેતરમાં અમદાવાદમાં એમની કથા થઈ એ ૧૨૦મી કથા હતી. ભારતના કેટલાક શહેરોમાં અને વિદેશોમાં બ્રિટન તથા કેન્યામાં એમણે કથા વાંચન કર્યું છે.
તેઓ વિનમ્રતાપૂર્વક ઉમેરે છે કે ‘કથાવાચકની પરંપરામાં બ્રહ્મા - વિષ્ણુ - મહેશ પણ આવે, જેનો સંદર્ભ સ્કંદ પુરાણમાં છે. ભગવાન વિષ્ણુએ તો કથા વાંચી જ છે, લક્ષ્મીજીએ પણ વાંચી છે.’
કથાકાર હોવું એ આજે ગૌરવપ્રદ બની રહ્યું છે, કથાકારો મોટી સંખ્યામાં પોતાના શ્રોતાઓનો એક ભાવક વર્ગ ઉભો કરી શકે છે અને એ રીતે ભારતીય સંસ્કૃતિની-સત્યની વાત લોકો સુધી પહોંચાડી શકે છે.
એમને પૂછયું કે નવોદિત અથવા યુવા કથાવાચકે કઈ પ્રાથમિક સજ્જનતાઓ કેળવવી જોઈએ? તો કહે, ‘જે ગ્રંથને વાંચવાનો છે એ ગ્રંથ ગુરુ પરંપરા અનુસાર ભણેલો હોવો જોઈએ. એ ગ્રંથનો સ્વાધ્યાય સતત ચાલુ રહેવો જોઈએ. પોતે જે સ્વાધ્યાય કર્યો તેને શ્રોતાની કક્ષા મુજબ રસાળ રીતે પ્રસ્તૂત કરવો જોઈએ. કથાપ્રવાહમાં રસક્ષતિ ન થાય, એની સતર્કતા પણ જરૂરી છે. આપણા તમામ ગ્રંથો સ્વયં રહ્યા છે એ વાતનો ખ્યાલ રાખીને સાંપ્રત સંદર્ભો રજૂ કરી શકાય. ધાર્મિક ગ્રંથોનું વાંચન થઈ રહ્યું છે એ વાતને ધ્યાનમાં લઈને વેશ – ભાષા - વિવેક અને આચરણ પણ પરંપરાને અનુરૂપ હોવા જોઈએ.’
કથાશ્રવણથી શ્રોતાઓમાં ભારતીય સભ્યતા - સંસ્કૃતિ - ધર્મ – અધ્યાત્મ અને સાહિત્ય સંદર્ભે રસ-રૂચિ વધી રહ્યા છે. કથામાં યુવાનો મોટી સંખ્યામાં આવે છે ને પોતાના જીવનમાં પોઝિટિવ બદલાવ લાવે છે. પરિવર્તનને સ્વીકારીને માનવતાપૂર્ણ વ્યવહારથી જીવે છે એ જ કથા પરંપરાની અમૂલ્ય ભેટ છે.
પૂ. ડોંગરે મહારાજનું પુનિત સ્મરણ કરીને તેઓ કહે છે કે ‘મંદિર જેવી નાની જગ્યામાં થતી કથાને ડોંગરે મહારાજ વિશાળ મેદાન સુધી અને વધુ લોકો સુધી લઈ આવ્યા!’ એ જ પરંપરામાં પૂર્ણ આદર સાથે પૂજ્ય મોરારિબાપુનું સ્મરણ કરતા તેઓ કહે છે કે ‘કથામાં સંગીતને જોડવાનું બહુમૂલ્ય પ્રદાન તેઓએ કર્યું છે.’
સીદસર (ઉપલેટા)માં પૂજ્ય ભાઈશ્રીની શ્રીમદ્ ભાગવત કથા શરૂ થઈ ચૂકી હતી. દરમિયાન એમના માતુશ્રી ધામમાં ગયા તો કથાપ્રવાહનો દોર તેઓએ શ્યામભાઈને સોંપ્યો હતો એ વિશ્વાસ પ્રાપ્ત કરી શક્યા તેનું પણ તેઓ સહજ સ્મરણ કરે છે.
ભારતીય સંસ્કૃતિના અનેક મૂલ્યવાન ગ્રંથોમાં જીવન જીવવાનું માર્ગદર્શન પડ્યું છે. આ ગ્રંથોના શબ્દોને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું અને એ રીતે ધર્મમય – માનવતાપૂર્ણ – સત્ય – પ્રેમ અને કરુણાથી સભર માનવોના ઘડતરનું બહુમૂલ્ય કાર્ય થઈ રહ્યું છે. કથા આયોજનોમાં પણ નૂતન પરિવર્તનો આવ્યા છે અને યુવા શ્રોતાઓ ટીવી કે મોબાઈલ પર કે કથાસ્થળ ઉપર કથાશ્રવણ કરતા થયા છે. આવા મનોહારી દૃશ્યો જ્યારે જ્યારે નજર સામે દેખાય કે સ્મરણમાં આવે ત્યારે શ્રવણ ભક્તિના દીવડા ઝળહળે છે ને અજવાળા રેલાય છે.