‘બેટા, મારી સાથે જ સ્ટેજ પર ઊભા રહો અને અભિવાદન ઝીલો...’ જુનિયર એટલે કે શિષ્યા એવી નૃત્યાંગનાને તેના ગુરુએ મંચ પર કહ્યું અને શિષ્યાની પ્રસ્તુતિને ઉપસ્થિત દર્શકોએ વધાવી.
પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતીય મંદિરોના મંડપમાં સૂર્યદેવની પૂજા-અર્ચના માટે શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઊજવાતો હતો. આ ઊત્સવને જીવંત રાખવા દર વર્ષે ૧૯૯૨થી મહેસાણા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મોઢેરા સૂર્યમંદિરમાં ઊજવાય છે ઊત્તરાર્ધ મહોત્સવ.
આ વર્ષે તાજેતરમાં ઊત્તરાર્ધ મહોત્સવમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નૃત્યાંગનાઓએ તેમની નૃત્ય પ્રસ્તુતિ કરી તેને દર્શકોએ મન ભરીને માણી હતી.
નૃત્ય એટલે આત્માનું સંગીત અને અહીં ભરતનાટ્યમ, કથ્થક, મણીપુરી, મોહિનીઅટ્ટમ જેવા નૃત્ય પ્રકારો નૃત્ય સાધકોએ રજૂ કર્યા અને મહોત્સવને સ્મરણીય બનાવ્યો.
બે દિવસ દરમિયાન - બીજા દિવસે રજૂ થયેલા કલાકારોમાં કલાગુરુ પાલીચંદ્ર અને તેમની શિષ્યા મૈથીલી પટેલે પણ નૃત્ય પ્રસ્તુતિ કરી હતી. કલાગુરુ પાલીચંદ્ર નૃત્યકાર છે, કોરિયોગ્રાફર છે, સોશિયલ એક્ટિવિસ્ટ છે અને એજ્યુકેશનાલિસ્ટ પણ છે. તેઓએ પોતાની નૃત્ય પ્રસ્તુતી પૃથ્વી પરના તમામ ખંડોના કેટલાય દેશોમાં કરી છે. હાલ તેઓ સ્વિત્ઝર્લેન્ડમાં સ્થાયી છે.
અહીં વાત એમની શિષ્યા મૈથિલી પટેલની કરવી છે. એના પરિવારમાં દાદી અંગ્રેજી વિષયમાં ડોક્ટરેટ હતા અને ૬૦મા વર્ષે તેઓએ સંગીતવિશારદ કર્યું હતું. ફોઈ રૂપલે પણ ભરતનાટ્યમની નૃત્ય સાધના કરી છે. પરિવારમાં એના મમ્મી શિલ્પા પટેલે ભરતનાટ્યમ દસ વર્ષ કર્યું હતું અને પિતા નિશીથ પટેલે હિન્દુસ્તાની ગાયનમાં ઉપાન્ત્ય વિશારદનો અભ્યાસ કર્યો હતો. આમ કલાવારસો એને વારસામાં અને વાતાવરણમાં મળ્યો હતો એમ કહેવાય.
મૈથિલીનો જન્મ આણંદમાં થયો, ઊછેર દુબઈમાં અને હાલ તે બાયોલોજીનો અભ્યાસ અમેરિકાની ન્યૂ જર્સીની કોલેજમાં કરે છે. ૪ વર્ષની ઊંમરે મૈથિલીએ ક્ષમા મુન્શી પાસેથી નૃત્યની તાલીમ લેવાનો આરંભ કર્યો હતો. સમય જતાં એના મમ્મી શિલ્પાબહેને આપેલા પ્રોત્સાહનથી એ આગળ વધતી ગઈ અને ગુરુ પાલીચંદ્રનો પરિચય થયો ૨૦૦૯માં. હવે સ્થિતિ એવી કે મૈથિલી દુબઈ અને અમેરિકામાં હોય અને ગુરુ સ્વિત્ઝર્લેન્ડમાં... પણ જેને શીખવું જ છે એને કોણ રોકી શક્યું છે? સમયે સમયે સ્વિત્ઝર્લેન્ડ જઈને, ભારત આવીને અને બાકી વીડિયો તથા સ્કાઈપની મદદથી મૈથિલી નૃત્ય શીખતી રહી.
કેટલીક વાર તો રોજેરોજ ૯-૯ કલાક નૃત્ય સાધના ચાલે, પણ મૈથિલી હારે નહીં અને ગુરુ તેને થાકવા દે નહીં...
એના ગુરુ સાથે મોઢેરામાં પ્રથમ વાર નૃત્ય પ્રસ્તુતિ કરી હતી મૈથિલીએ. ગુરુ તરીકે પાલીચંદ્રની એ મહાનતા હતી કે એમણે મૈથિલીને જુનિયર કે શિષ્યા ન ગણતા નૃત્ય સાધનાની અને સન્માનની સમાન અધિકારીણી ગણી હતી. એવા જ એક તબક્કે મંચ પર વ્યક્તિગત સંવાદમાં તેઓએ લેખના આરંભે લખેલું વાક્ય શિષ્યાને કહીને તેને પૂરતું સન્માન આપ્યું હતું. એક ગુરુ પોતાના શિષ્યોના પર્ફોમન્સથી કેટલો રાજી થાય, તે દેખાતું હતું એમની આંખોમાં અને તેમના ભક્તિત્વમાં, ગુરુ-શિષ્યા પરંપરા દ્વારા આપણી સંસ્કૃતિના અમૂલ્ય નૃત્ય વારસાને સાચવવા-સંવર્ધિત કરવાના આ પ્રયાસને સહુએ બિરદાવવો જ રહ્યો.
રાજ્યના યુવક સેવા-રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ – જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર-ઉદેપુર દ્વારા આયોજિત ઉત્તરાર્ધ ઉત્સવ-૨૦૧૮ મોઢેરા સૂર્યમંદિર સાથે જોડાયેલું એક સ્મરણીય સંભારણું બની રહ્યો હતો. નૃત્ય અભિવ્યક્ત થયું હતું લય, તાલ શરીના હલનચલન અને અભિયન દ્વારા.
ગુરુ-શિષ્ય પરંપરાના ઉત્તમ ઉદાહરણો આપણે ત્યાં જોવા મળે છે. પરિણામે શ્રેષ્ઠ કલાકારોનું સર્જન થતું આવ્યું છે. ગુરુ દ્વારા મળતું જ્ઞાન, હૂંફ-માર્ગદર્શન અને પ્રોત્સાહન તથા પ્રેરણા શિષ્યની કારકિર્દીમાં મહત્ત્વનું પરિબળ બની રહે છે. જ્યાં જ્યાં આવા ગુરુ-શિષ્ય પરંપરાના ઉદાહરણો જોવા મળે ત્યારે હૃદયમાં આનંદ થાય છે અને કલા સ્વરૂપના અજવાળાં રેલાય છે.