‘અમારે મન પંચાગમાં ન હોય એવો ઉત્સવ હતો આ...’ લેસ્ટર નિવાસી મહેશભાઈ કહે છે. ‘ભારતના ક્રિકેટરોએ જોરદાર પરફોર્મ કર્યું ને દેશનું ગૌરવ વધાર્યું એના વધામણાં પણ એટલા જ જોરદાર હોય ને!’ લંડનમાં રહેતા વસંતભાઈએ કહ્યું. ક્રિકેટ મેચના વીડિયો કવરેજ સાથે સંકળાયેલા હેમંતભાઈ કહે છે કે, ‘મને તો લાગ્યું કે સેલિબ્રેશન કરી રહેલા બ્રિટિશ ભારતીયો જાણે સવાયા ભારતીય છે.’
એ દિવસ બલ્કે રાત હતી ૧૬ જૂન ૨૦૧૯ને રવિવારની.... બ્રિટનમાં વસતાં ભારતીય ક્રિકેટપ્રેમીઓ ઘરમાંથી-ક્લબોમાંથી માર્ગો પર આવીને મન મૂકીને ખુશી ખુશીથી નાચતા હતા - ઝુમતા હતા. ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવી રહ્યા હતા હાથમાં ને તાળીઓની ક્લેપ સાથે તાલબદ્ધ નારા લગાવતા હતાઃ ઈન્ડિયા... ઈન્ડિયા... ટીમ ઇંડિયા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ જીતી ગઇ હતી.
અમદાવાદમાં પોતાના ઘરે મેચ જોવા ૨૫ મિત્રોને નિમંત્રણ આપનાર ધ્વનિ હોય કે હજુ હમણાં જ અમેરિકા જઈને સ્થાયી થનાર અંકિતા હોય... સહુ ટીવી પરદે મેચના આરંભથી જ જે દૃશ્યો જોવા મળ્યા એનો રોમાંચ યાદ કરતા હજુ આજે પણ બ્રિટનમાં વસતા ભારતીયોને એના ક્રિકેટપ્રેમ અને રાષ્ટ્રીય ભાવનાને સલામ કરે છે.
મેચની તારીખ જાહેર થઈ અને થોડા સમયમાં જ ટિકિટો વહેંચાઈ ગઈ હતી, મેચ શરૂ થવાના કલાકો પહેલાં જ ભારતીયો પરંપરાગત - વિવિધ પ્રાંતના પ્રતિકરૂપ, રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને, ઢોલ-નગારા-ત્રાંસા, બ્યુગલ-દાંડીયા, ભારતીય તિરંગો, રંગેબેરંગી છત્રીઓ, સ્લોગન લખેલા પ્લે કાર્ડઝ લઈને માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ઉમટી પડ્યા હતા. ભારતીય ટીમને આગવી-અનોખી સ્ટાઈલમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. અંદર સ્ટેડિયમમાં જવાના દરવાજા ખુલ્યા અને જાણે એક દિવસ માટે સ્વર્ગના દરવાજા ખુલ્યા હોય એવા આનંદ સાથે, ચિચિયારીઓ પાડતા દર્શકો હડીયું કાઢીને દોડ્યા હતા પોતાની સીટ તરફ...
પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝે ટોસ જીત્યો... ભારતને બેટિંગ માટે નિમંત્રણ આપ્યું. શરૂઆતની પાંચેક ઓવર પાકિસ્તાની બોલરો ભારતીય બેટ્સમેનો પર હાવી થઈ ગયા. પરંતુ સમય સાથે બરાબર તાલ મેળવીને રમી રહેલા ઓપનર કે. એલ. રાહુલ અને રોહિત શર્માએ આત્મવિશ્વાસથી ભરપૂર એવું અદભૂત બેટિંગ પરફોર્મન્સ આપ્યું. ધોની નિષ્ફળ રહ્યો, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને વિજય શંકરે કાબિલેદાદ બેટિંગ કરીને ૫૦ ઓવરમાં, એક વખત આવેલા વરસાદના વિઘ્ન સાથે ૩૩૬ રન પાંચ વિકેટે કર્યાં. પાકિસ્તાન રમવા ઉતર્યું, પરંતુ મેચના છેલ્લા બોલ સુધીમાં ક્યારેય બેટ્સમેનો એમની પ્રભાવક્તા પુરવાર ન કરી શક્યા. ફરી એક વાર વરસાદનું વિઘ્ન આવ્યું. ફરી મેચ શરૂ થઈ અને આખરે ૬ વિકેટ ગુમાવીને ૨૧૨ રન કરનાર પાકિસ્તાન પરાજિત થયું. DLS મેથડથી ભારતે ૮૯ રને જીત્યું.
વિશ્વકપમાં ભારતની પાકિસ્તાન સામેની અત્યાર સુધીના આ સાતમા વિજયની ઐતિહાસિક ક્ષણોના આનંદને ઉત્સવમાં પરિવર્તિત કરતા હોય એમ બ્રિટનમાં રહેતા ભારતીયો ઘરમાંથી-ક્લબમાંથી વિજયોત્સવ માટે રોડ પર ઉતરી આવ્યા. મિત્રો-સ્વજનો-પરિવાર-પડોશી સાથે જાહેર માર્ગો પર આવીને લોકોએ ભારતના વિજયના વધામણાં કર્યા, કોઈ નાચતું હતું, કોઈ ગાતું હતું, કોઈ ગરબા કે ભાંગડા નૃત્ય કરતું હતું તો કોઈ વળી તાળીઓના ક્લેપ સાથે ઈન્ડિયા ઈન્ડિયા શાઉટ કરતું હતું. પરસેવાની કમાણીથી ખરીદેલી મોંઘાભાવની મોટરકારો ઉપર પોતે ચઢીને લોકો ડાન્સ કરતા હતા.
રમતગમતમાં ભારતનો વિજય હોય, ભારતીય ઉત્સવોની પરંપરાગત ઊજવણી હોય, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને વધાવવાની હોય કે પછી ભારતના સંતો પ્રત્યે પૂજ્યભાવ દાખવવાનો હોય, ભારતના કલાકારોના પોંખણા કરવાના હોય, ભારતીયો હંમેશા દેશથી દૂર રહીને પણ પૂરેપૂરી ભારતીયતાને હૃદયમાં ભરીને જાણે સવાયા ભારતીયો બની રહ્યા છે.
દેશપ્રેમ-રાષ્ટ્રભાવનાને તેઓ સતત અભિવ્યક્ત કરતા રહ્યા છે. પંકજ ઉધાસની ‘ચીઠ્ઠી આઈ હૈ...’ અને જગજીત સિંહની ‘હમ તો હૈ પરદેશ મેં...’ જેવી યાદગાર રચનાઓમાં સમાયેલી વતનપ્રેમની, ઝુરાપાની લાગણીને કદાચ પળ પળ તેઓ આત્મસાત્ કરે છે. પોતાના દેશ બ્રિટનમાં રહીને, તેના સર્વાંગી વિકાસમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા ભારતીયો એમના વતન ભારતને ક્યારેય ભૂલ્યા નથી. ભારત પ્રત્યેનો - ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો - ભારતના રમતવીરો પ્રત્યેનો એમનો પ્રેમ પળ પળ એટલો જ જીવંત હોય છે.
અહીં વિશ્વકપની મેચનો સંદર્ભ હતો એટલે સાહજિકરૂપે બ્રિટનના ભારતીયોને યાદ કર્યાં, માત્ર આ એક દેશ નહિ, વિશ્વભરના દેશોમાં સ્થાયી થયેલા NRIના હૈયામાં ભારત માટેનો આ પ્રેમ છલકતો રહે છે ને એમને ભીંજવતો રહે છે. સવાયા ભારતીય બનીને રહેતા આવા વિદેશવાસી ભારતીયોના દિલમાં પ્રગટતા વતનપ્રેમના દીવડા-હંમેશા અજવાળાં પાથરતાં રહે છે.