મૂળ નામ વલ્લભભાઈ પટેલ તો સરદાર ઉપનામ કેમ પડ્યું? એમના જીવનપ્રસંગનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ પછી આ નામથી ઓળખાયા.
સરદાર પટેલ ‘લોખંડી પુરુષ’ - આયર્ન મેન તરીકે કેમ ઓળખાયા? ભારત સ્વતંત્ર થયા બાદ દેશી રજવાડાંઓને એક કરવામાં નિર્વિવાદ રૂપે સરદાર પટેલનું પ્રભાવી યોગદાન હતું અને એથી નીતિગત દૃઢતાને લીધે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ એમને લોહપુરુષની ઓળખ આપી.
એમને ભારતના બિસ્માર્ક કેમ કહેવાયા? જવાબ હતો કે ભારતના દેશી રજવાડાંઓને એકીકરણમાં એમણે કુશાગ્ર બુદ્ધિ અને રણનીતિથી શાંતિપૂર્ણ રીતે કામ પાડ્યું એટલે ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા.
સરદાર જન્મજયંતી નજીક આવી એટલે શાળાના વિદ્યાર્થીઓ આમ જ વાતો કરતા હતા એના સાક્ષી બનવાનું થયું અને પછી તો સરદાર પટેલના સમગ્ર વ્યક્તિત્વ - રાષ્ટ્રપ્રેમ - રાજનીતિ વિવિધ વિષયો પર વિચારો અને વિરાટ વ્યક્તિત્વ વિશે ખાસ્સી વાતો થઈ.
સરદાર સાહેબના જીવનપ્રસંગો વાંચનાર કે સાંભળનારને ખ્યાલ આવે છે કે બાળપણ કે કિશોરાવસ્થા દરમિયાન જ એમનામાં હિંમત - સાહસ - આત્મવિશ્વાસ - આત્મનિર્ભરતા અને રોકડું તથા સાચું બોલવાની આદત સ્વભાવગત હતી.
લેખક મિત્ર જય વસાવડા એમના પુસ્તકમાં નોંધે છે અને આપણે સહુ જાણીએ છીએ એ પ્રસંગ જ લઈએ... વલ્લભભાઈએ નાનપણથી નક્કી કરેલું કે અંગ્રેજી ભાષા પર પૂર્ણરૂપે કાબુ મેળવવો છે. આથી અંગ્રેજી શીખી શકાય તે માટે વડોદરા ભણવા ગયા. મેટ્રિકમાં તેમણે સંસ્કૃતના બદલે ગુજરાતી વિષય રાખ્યો. ગુજરાતીના જાણીતા શિક્ષકે ટોણો માર્યો કે, ‘સંસ્કૃત ન આવડે એમને ગુજરાતી ન આવડે...’ વલ્લભભાઈએ તુરંત કહી દીધું કે ‘બધા સંસ્કૃત ભણશે તો ગુજરાતી કોને ભણાવશો?’ બદલામાં સજારૂપે શિક્ષકે એકથી દસ સુધીના પાડા, એટલે કે આંક બસ્સો વાર લખવાની સજા આપી. બીજા દિવસે ટીચરે લેસન જોવા માંગ્યું તો વલ્લભભાઈ કહે કે બસ્સો પાડા લાવેલો પણ એમાંથી એક બહુ મારકણો હતો તે બધા ભાગી ગયા. આમ સામેની વ્યક્તિ કોઈ પણ હોય, શેહશરમમાં આવીને ખોટી વાત ક્યારેય તેઓ સ્વીકારતા નહીં.
સામાજિક પ્રશ્નો અને નાગરિકની જવાબદારી વિશે પણ તેઓ પોતાના વિચારોમાં સ્પષ્ટ હતા. સ્વચ્છતા માટે તેઓ કહેતા કે આપણા લોકોને શહેરમાં કેમ રહેવું તેની તાલીમ નથી મળતી. પશ્ચિમમાં જુઓ, તેમના ડ્રોઈંગ રૂમ કરતાં તેમને ટોઈલેટ વધુ સાફ રહે છે. સ્વરાજ માટે એમણે કહેલા શબ્દો બહુ જ મહત્ત્વના છે. તેમણે કહ્યું હતું કે, ‘ગામમાં જરા પણ કુસંપ ન હોય, ગામના બધા લોકો પોતાની ફરજો બજાવતા હોય, ગામમાં એક માણસ દુઃખી હોય તો દુઃખ ગામ આખાને લાગે એ સાચું સ્વરાજ.’
એ જ રીતે એમના સ્વભાવમાં રહેલી સહજ વિનોદવૃત્તિ પણ ગજબ હતી. વલ્લભભાઈ પટેલ જ્યારે રાષ્ટ્રના ગૃહ પ્રધાન હતા ત્યારે એક ફોટોગ્રાફરે તેમના જન્મદિવસે તેમનો ફોટો પાડ્યો. શુભેચ્છા આપતા કહે કે, ‘આપની એકસોમી વર્ષગાંઠે પણ મને આવું સૌભાગ્ય મળે...’ તો સરદાર કહે, ‘ઈશ્વર તમને એટલું લાંબુ આયુષ્ય આપે...’
યરવડા જેલમાં ગાંધીજી અને સરદાર સાથે રહ્યા હતા. કોઈ એક પત્રમાં ગાંધીજીને પૂછાયું કે ‘તમને જેલમાં કંટાળો આવતો હશે નહીં? તો ગાંધીજીએ લખ્યું કે ‘સરદારની રમૂજોને લીધે દિવસમાં અસંખ્યવાર હસુ છું.’
સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના ૫૬૨ દેશી રજવાડાંઓના એકીકરણનું સૌથી મહત્ત્વનું કામ સરદાર પટેલે કર્યું એમાં તેમની સંવેદનશીલતા - કુશાગ્ર બુદ્ધિ - નિર્ણયશક્તિએ અતિમૂલ્યવાન પ્રદાન કર્યું હતું. એક જ માણસના પ્રયત્નોથી આટલા રજવાડાં એક થાય અને એ પણ રક્તહિન ક્રાંતિરૂપે! સમગ્ર વિશ્વ માટે આશ્ચર્યકારક ઘટના હતી જે સરદાર પટેલે સાકાર કરી બતાવી.
ગૃહ પ્રધાનના રૂપમાં પહેલા વ્યક્તિ હતા જેમણે ભારતીય નાગરિક સેવાોનું ભારતીયકરણ કર્યું અને ભારતીય પ્રશાસનિક સેવા અસ્તિત્વમાં લઈ આવ્યા. એમના જ શબ્દોનું સ્મરણ થાયઃ
‘જે કરો તે દેખતી આંખે કરજો અને પરિણામની ગણતરી કરી લેજો.’
‘કાળજું સિંહનું રાખો, અન્યાયની સામે સતત લડ્યે રાખો.’
સરદાર પટેલ ભારતના લોકો માટે વાસ્તવમાં હૃદયના સરદાર હતા. સરદાર પટેલના જીવનપ્રસંગોમાંથી પ્રેરણા લઈએ એમના શબ્દોને અને વિચારોને વર્તમાન સમયમાં પણ વ્યક્તિગત કે સામૂહિક જીવનમાં આચરણમાં મૂકીએ ત્યારે અજવાળાં રેલાય છે.