ભૂતકાળને ભૂલતા શીખશો તો આજનો આનંદ માણી શકશો

અજવાળું અજવાળું

તુષાર જોષી Sunday 22nd March 2020 07:16 EDT
 

‘ભલે આજે મોટા ભાઈ-ભાભી બધાને બોલાવે, સહુ સાથે આનંદ કરે એ વાતો સાચી, પરંતુ એમણે બા-બાપુને એ સમયે બહુ દુઃખ પહોંચાડ્યું હતું. એમણે એવું નહોતું કરવું જોઈતું.’ અનિકેત જે પરિવાર માટે પારિવારિક સભ્ય જેવો હતો એ પરિવારના એક મુરબ્બી સભ્ય એમના પરિવારજનો સાથે બેઠાં હતાં ત્યારે એ પરિવારના જ એક ભાઈએ કહ્યું...
વાત એમ હતી કે અનાયાસ અનિકેત એક મિત્રને ત્યાં લગ્ન નિમિત્તે બે દિવસ ગયો હતો. લગ્નનો માહોલ હતો. બધા ધમાલ-મસ્તી કરતા હતા. મોડી રાત્રે બધા ચા-નાસ્તો કરતાં બેઠાં હતા ત્યારે એ પરિવારના ભાઈઓ-બહેનો પૈકીના એકે લેખના આરંભે લખેલી વાત કરી.
વાત એમ હતી કે ત્રણ - સાડા ત્રણ દાયકા પહેલાં એમના પરિવારના એક ભાઈએ યુવાનીના આવેશમાં માતા-પિતાને મનફવે તેવા દુઃખદાયક શબ્દો કહ્યા હતા. કંકાસ-કકળાટ વધ્યો અને આખરે એ ભાઈ એની પત્ની સાથે અલગથી રહેવા શહેરમાં જતો રહ્યો. થોડાક વર્ષો અબોલા રહ્યા, પરંતુ મા-બાપને તો વ્યાજનું વ્યાજ વધું વહાલું એમ માનીને તેઓ જ દીકરાના ઘરે શહેરમાં ગયા - રહ્યા ને ફરી તમામ ભાઈ-બહેનોના ઘરમાં એ ભાઈ અને તેના પત્નીનો આવરોજાવરો શરૂ થયો.
વર્ષોના વહાણા વીત્યા. બીજા ભાઈઓના સંતાનો પણ પરણી ગયા. આજે ગામડે રહેતા એક ભાઈના દીકરાના દીકરાના લગ્ન હતા. પેલા ભાઈ-ભાભી જેમની વાત થઈ રહી હતી એ કાલે સવારે આવવાના હતા એટલે એમની ગેરહાજરીમાં સાડા ત્રણ દાયકા પહેલાં એમણે કરેલાં ખરાબ વર્તણુંકની સાહજિક વાત થઈ રહી હતી.
અનિકેતને જ્યારે ધરાર આ ચર્ચામાં ખેંચાયો ત્યારે એણે કોલેજના લેક્ચરરની જેમ સહુને સમજાવ્યા કે સાડા ત્રણ દાયકા પહેલાની એક મોટી ભૂલ હજુયે સતત યાદ કરીને તમે પણ ભૂલ નથી કરી રહ્યા? એ ભૂતકાળ હતો. હવે આજે આ શુભ પ્રસંગ છે તો સહુ સાથે મળીને માણોને યાર! ને સહુએ સ્વીકાર્યું કે હવે પછી ક્યારેય એ વાત યાદ નહીં કરીએ.
આવી જ એક બીજી ઘટના બને છે, બીજા ઘરમાં. પતિ-પત્નીના લગ્નજીવનને અઢી દાયકા થઈ ગયા છે. પરિવારમાં દીકરાના ઘરે પણ દીકરો છે, છતાં આજે પણ ઘરમાં બાહ્ય રીતે તમામ સુખોની વચ્ચે અશાંતિ છે. કારણ શું? પત્ની પરણીને આવી ત્યારે પોતાની સાસુના તે સમયના જૂનવાણી વર્તનો-પરિસ્થિતિને અનુરૂપ કહેલા સંવાદો અને ચર્ચાઓ, સસરાએ ક્યાંક ક્યારેક ટોક્યા હોય તે બધી વાતો સતત ઘુમરાય છે પુત્રવધૂના મનમાં. વાતે વાતે અઢી દાયકા પહેલાંની ઘટનાઓ એ તારીખ-વાર-સમય સાથે યાદ કરે છે. તોછડા અવાજમાં છેલ્લે પાટલે બેસી જાય છે. પતિ સમજાવે છે કે હવે તો સાસુ-સસરા પણ ગુજરી ગયા હવે શું છે? પણ ના. એ સ્ત્રીને પોતાની જાતની - આજની તેની ખોટી વર્તણુંકને સાચી પાડવી છે અને એના મૂળમાં આ બધા ભૂતકાળનો ફાળો છે એમ સાબિત કરવું છે. માનો કે એ સત્ય હોય તો આજે એમના ઘરમાં આવેલી પુત્રવધૂને પણ પોતાની સામે આજના સંદર્ભે ફરિયાદ છે જ. સમયે સમયે આ સંઘર્ષ સતત ચાલતો જ રહે છે. પોતાનો વીતેલો સમય ખરાબ હતો તો આજે એમની પુત્રવધૂની પણ ફરિયાદો છે. પરંતુ એ સ્ત્રી સ્વીકારવા તૈયાર નથી. દીકરા-વહુને ના ફાવે તો જુદા રહે - મને તો એવો લાભ પણ ક્યાં મળ્યો હતો? આમ કહીને આખરે એ પોતાની જાતને સાચી ઠેરવે છે, પણ આજના વર્તમાનના આનંદને ગુમાવી રહી છે.

•••

માણસે એ સમજવાની જરૂર છે કે કારમાં પાછળનો રસ્તો બતાવતો કાચ નાનો છે જ્યારે આગળનો રસ્તો બતાવતો કાચ મોટો છે. ભૂતકાળ ખરાબ હતો તો હતો, આખરે ક્યાં સુધી એ ઘટનાઓને યાદ કરીને આજના આનંદમાં પણ એની પીડા ઉમેરીશું? પોતે દુઃખી થશું અને બીજાને પણ કરીશું.

જિંદગી કે ફલસફે કો મૈંને યું આસાન કર લીયા,
કિસી સે માફી માગ લી,
ઔર કિસી કો માફ કર દિયા.

આવી સમજણ કેળવીએ અને આજના આનંદના દીવડાના અજવાળાંને ઝીલીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter