‘અંકલ એક કામ કરો, અત્યારે મારા બીલમાં આમના ૨૦ રૂપિયા તમે ઉમેરીને પૈસા લઈ લો...’ રચનાએ તેના પરિચિત મેડિકલ સ્ટોર માલિકને કહ્યું અને સાથે સાથે જ પેલા બહેન કે જેમણે ૨૦ રૂપિયા આપવાના હતા એમને કહ્યું, ‘તમે ચિંતા ના કરો, હવે જાવ...’ તો પેલા બહેન કહે, ‘ના એમ ના હોય...’એટલે ફરી રચનાએ કહ્યું, ‘હું સમજું છું તમારી પાસે પૈસા તો છે જ. અચ્છા, હવે એક કામ કરો, જ્યારે પણ આ તરફ નીકળો ત્યારે આ અંકલને ત્યાં ગૌ-દાન માટેનો આ ગલ્લો છે, તેમાં ૨૦ રૂપિયા નાંખી દેજો, બસ? અત્યારે તમારો સમય સચવાય એ મહત્ત્વનું છે.’
વાત એમ હતી કે રચના પોતાના ઘરના સભ્યો માટેની દવા લેવા ગઈ હતી. ઘરની નજીકનો મેડિકલ સ્ટોર હતો. જેના માલિક એના ડેડીના મિત્ર હતા. દરમિયાન એક મહિલા એના સાસુ સાથે કોઈ દવા લેવા આવી. દવા લીધા બાદ પૈસાનું પૂછ્યું તો દુકાનદારે કહ્યું ૨૦ રૂપિયા. હવે આની પાસે હતી ૨૦૦૦ની નોટ ને છુટ્ટા પાંચ રૂપિયા. ઉતાવળમાં ઘરેથી નીકળ્યા હશે, જે કાંઈ નાની નોટ હતી તે ડોક્ટરને ત્યાં આપી દીધી કારણ કે ત્યાં પણ ૨૦૦૦ની નોટના છુટ્ટા નહોતા.
ખરીદનાર અજાણ્યા હતા એટલે દુકાનદાર પૈસા બાકી ના રાખે એ સમજાય એવું હતું ને એની પાસે પણ છુટ્ટા નહીં હોય. પેલી બહેન આસપાસમાં બે-ચાર દુકાને પૂછી આવી પણ છુટ્ટા મળ્યા નહિ. હવે શું કરવું એની વિમાસણ અનુભવાતી હતી. આ દૃશ્ય રચનાએ જોયું હતું. ઘરમાંથી પરમાર્થના-પરોપકારના-સન્માન સાથે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાના સંસ્કારો મળ્યા હતા એટલે લેખના આરંભે લખેલો સંવાદ તેણે દુકાનદાર અને પેલા બહેન સાથે કર્યો હતો.
આ ઘટના ઘરે આવીને એના ડેડી-મમ્મીને કહી ત્યારે સહુ રાજી થયા. એની પીઠ થાબડી અને એના ડેડીએ વળી પોતાનો અનુભવ કહ્યો. એ ઘણી વાર લોકલ એરિયાની શટલ રીક્ષામાં મુસાફરી કરે. એક વાર ૮ વાગ્યે એમના ફ્લેટના મેઈન રોડ પરથી એક શટલ રીક્ષામાં બેસીને જવા નીકળ્યા. રીક્ષા ખાલી જ હતી. આગલા સ્ટોપ પર એક કાકા રીક્ષા પાસે આવ્યા. કહે મારે શાક માર્કેટ સુધી જવું છે. પેલો કહે છુટ્ટા પાંચ રૂપિયા હોય તો જ બેસજો. કાકા કહે, ત્રણ રૂપિયા છે... એટલે રીક્ષાવાળાએ કીધું તો રહેવા દ્યો... રચનાના ડેડીને થયું બે રૂપિયા હું આપી દઈશ. એમણે પેલા કાકાને કહ્યું કે બેસી જાવ, હું આપી દઉં છું... એ બેસી ગયા. એમના સ્ટોપ પર આભાર માની ઊતરી ગયા.
એમના ઉતર્યા પછી રીક્ષાવાળાએ કહ્યું, ભાઈ, તમે આમને ઓળખો છો? તો કહે હા, મારી સોસાયટીમાં જ એમનો ફ્લેટ છે. પોતાનો છે? તો કહે હા... હવે તમને કહું અમેય આવા કિસ્સામાં બે-પાંચ રૂપિયા જવા દઈએ છીએ. પણ આમનો આ જ સ્વભાવ છે, આદત છે. રોજ આમ કરે છે. બપોરે પાછા ફરતા પણ આમ જ કરશે. બધા રીક્ષાવાળા આમને ઓળખી ગયા છે. પૈસા હોવા છતાં એમની આવી માનસિકતા છે. હશે ભાઈ, એમના કર્મો એ જાણે એમ કહી હું તો મારા સ્ટોપે એમના ને મારા પૈસા આપીને ઊતરી ગયો. ડેડીએ રચનાને કહ્યું.
કેવા કેવા માણસો ને કેવા કેવા સંજોગો! કેવી કેવી ઘટનાઓ આપણી આસપાસ બનતી જ રહે છે. સમય-સંજોગ અનુસાર સહુ વર્તન કરતા હોય છે. કેટલીય વાર કોઈને મદદ કર્યાનો આનંદ અને કેટલીય વાર ક્યાંક છેતરાયાની વેદના અનુભવવા મળે છે. પરંતુ સરવાળે પાઘડીનો વળ છેડે એ ન્યાયે આપણે આપણો સ્વભાવ ના છોડીએ, આપણે આપણા ભાગે આવેલું પરમાર્થનું - પરોપકારનું કાર્ય કરીએ એ વધુ મહત્ત્વનું છે. માણસાઈ પર ભરોસો રાખીને જ્યારે જ્યારે આવી રીતે માનવધર્મ બજાવ્યાનો આનંદ લઈએ ત્યારે અજવાળાં રેલાય છે.